Ranjeet Singh Murder Case: મેનેજરની હત્યાના કેસમાં રામ રહિમ દોષિત જાહેર, CBI ની વિશેષ કોર્ટ 12 ઓક્ટોબરે સંભળાવશે સજા
રણજીત સિંહ હત્યાકાંડ મામલે સીબીઆઈની વિશેષ કોર્ટે રામ રહિમ સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: બે સાધવી સાથે બળાત્કાર અને એક પત્રકારની હત્યા મામલે હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને મોટો ફટકો પડ્યો છે. રણજીત સિંહ હત્યાકાંડ મામલે સીબીઆઈની વિશેષ કોર્ટે રામ રહિમ સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ તમામ આરોપીઓને 12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવશે.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા રામ રહિમ
રણજીત સિંહ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ડેરામુખી ગુરમીત રામ રહિમ અને કૃષ્ણ કુમાર શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સીબીઆઈની વિશેષ કોર્ટમાં હાજર રહ્યા. આરોપી અવતાર, જસવીર અને સબદિલ પ્રત્યક્ષ રીતે કોર્ટમાં હાજર થયા હતા.
2002માં થઈ હતી રણજીત સિંહની હત્યા
ડેરા સચ્ચા સૌદાના મેનેજમેન્ટ સમિતિના સભ્ય રહી ચૂકેલા કુરુક્ષેત્રના રણજીત સિંહની હત્યા 10 જુલાઈ 2002ના રોજ થઈ હતી. ડેરા મેનેજમેન્ટને શક હતો કે રણજીત સિંહે સાધ્વી શારીરિક શોષણની ગુમનામ ચિઠ્ઠી પોતાની બહેન પાસે જ લખાવી હતી. રણજીત સિંહના પિતા પોલીસ તપાસથી અસંતુષ્ટ હતા અને તેમણે જાન્યુઆરી 2003માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઈ તપાસની માગણી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ મામલે તપાસ કરતા આરોપીઓ પર કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2007માં આરોપી પર ચાર્જ ફ્રેમ થયા હતા.
સુનરિયા જેલમાં છે કેદ
અત્રે જણાવવાનું કે ગુરમીત રામ રહિમને ઓગસ્ટ 2017માં સીબીઆઈની વિશેષ કોર્ટે બે મહિલાઓ પર બળાત્કારના આરોપમાં 20 વર્ષ જેલની સજા સંભળાવી હતી. જ્યારે જાન્યુઆરી 2019માં એક કોર્ટે 16 વર્ષ જૂના એક પત્રકારના મર્ડરના આરોપમાં રામ રહિમ અને અન્ય ત્રણ લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદથી ગુરમીત રામ રહિમ હરિયાણાની સુનારિયા જેલમાં કેદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે