Hijab Controversy: ઉડુપીમાં લેવાયો મોટો નિર્ણય, આવતી કાલથી થશે લાગૂ
હિજાબ વિવાદ વચ્ચે કર્ણાટકના ઉડુપી જિલ્લા પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે.
Trending Photos
ઉડુપી: હિજાબ વિવાદ વચ્ચે કર્ણાટકના ઉડુપી જિલ્લા પ્રશાસને જિલ્લામાં તમામ હાઈસ્કૂલોની આજુબાજુ વિસ્તારમાં 14 ફેબ્રુઆરીથી લઈને 19 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. આ દરમિયાન હાઈસ્કૂલોના 200 મીટરના દાયરામાં ભેગા થવા પર રોક લાગશે. કોઈ પણ પ્રકારના સરઘસ અને નારેબાજી પર પ્રતિબંધ રહેશે.
ઉડુપીમાં લાગશે કલમ 144
અત્રે જણાવવાનું કે ઉડુપી જિલ્લા પ્રશાસનનો આ આદેશ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 19 ફેબ્રુઆરીની સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આદેશ મુજબ હાઈસ્કૂલોના 200 મીટરના દાયરાની અંદર પાંચ કે તેનાથી વધુ લોકોના ભેગા થવા પર રોક રહેશે. પ્રદર્શન અને રેલીઓ પર પ્રતિબંધ રહેશે. નારેબાજી કરવા, ગીત ગાવા કે ભાષણ દેવા પર કડક પ્રતિબંધ રહેશે.
સુરક્ષા કારણોસર લેવાયું પગલું
શાળાઓ સોમવારથી ફરી ખુલવાની સાથે આ પગલાંને સુરક્ષા કારણોસર જોવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનની સ્થિતિ ફરીથી ઊભી ન થાય તે માટે કલમ 144 લાગૂ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે કલમ 144 લાગૂ થયા બાદ વિસ્તારમાં પૂતળું બાળવું, ફટાકડા ફોડવા, હથિયારો અને પથ્થર લઈ જવા કે દેખાડવા, જાહેરમાં મીઠાઈ વહેંચવી અને જાહેર સ્થળ પર કોઈ પણ પ્રકારનો અસભ્ય વ્યવહાર કરવો પ્રતિબંધિત રહેશે.
કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ
નોંધનીય છે કે કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર સુનાવણી કરતા ગુરુવારે આદેશ આપ્યો હતો કે અંતિમ આદેશ સુધી વિદ્યાર્થીઓ માટે કોઈ પણ ધાર્મિક પ્રતિકની મંજૂરી નથી. હાઈકોર્ટના આ વચગાળાના આદેશ બાદ હવે શાળા અને કોલેજોમાં હિજાબ અને ભગવા શાલ બંનેના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. કર્ણાટક હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે રાજ્યમાં શાંતિ થવી જરૂરી છે અને શાળા કોલેજ જલદી ખુલવા જોઈએ.
હિજાબ વિવાદની શરૂઆત ગત મહિને ઉડુપી ગવર્મેન્ટ પ્રી યુનિવર્સિટી કોલેજની કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને કોલેજ પરિસરમાં આવી ત્યારથી થઈ. જેમને ક્લાસમાં જવાની મંજૂરી અપાઈ નહતી. કોલેજના અધિકારીઓનું કહેવું છે કે જે વિદ્યાર્થીનીઓ પહેલા હિજાબ વગર આવતી હતી તે હવે અચાનક હિજાબ પહેરીને આવવા લાગી છે. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ હિજાબ વગર ક્લાસમાં આવવાનો ઈન્કાર કરરતા વિરોધ પ્રદર્શન કર્યું. આ મુદ્દો એક વિવાદ બની ગયો અને હવે દેશમાં અનેક જગ્યાએ તેને લઈને પ્રદર્શન થઈ ચૂક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે