SC/ST સંશોધન કાયદાના અમલ પર રોક મુદ્દે સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

એસસી-એસટી સંશોધન કાયદા વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને 6 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

SC/ST સંશોધન કાયદાના અમલ પર રોક મુદ્દે સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

સુમિત કુમાર/મહેશ ગુપ્તા, નવી દિલ્હી: એસસી-એસટી સંશોધન કાયદા વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને 6 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પેનલે શુક્રવારે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે શું આ કાયદાના અમલ પર રોક લગાવી દઈએ. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કાયદાના અમલ પર રોક લગાવવાની માંગણી કરી, જેના પર પેનલે કહ્યું કે સરકારનો પક્ષ સાંભળ્યા વગર કાયદાના અમલીકરણ પર રોક લગાવી શકાય નહીં. 

હકીકતમાં બે વકીલ પ્રિયા શર્મા, પૃથ્વી રાજ ચૌહાણ અને એક એનજીઓએ જનહિત અરજી દાખલ કરીને સરકારના સંશોધન કાયદાને પડકાર ફેક્યો છે. અરજીમાં એસસી-એસટી એક્ટ પર તત્કાળ ધરપકડ પર રોકના સુપ્રીમ કોર્ટના 20 માર્ચના ચુકાદાને નિષ્પ્રભાવી બનાવવા માટે કેન્દ્ર સરકારના એસસી-એસટી સંશોધન એક્ટ 2018ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના બે વકીલો પ્રિયા શર્મા અને પૃથ્વી રાજ ચૌહાણ તથા એક એનજીઓએ જનહિત અરજી દાખલ કરીને સરકારના સંશોધન કાયદાને પડકાર્યો છે. 

અરજીમાં કહેવાયું છે કે સરકારનો નવો કાયદો ગેરબંધારણિય છે કારણ કે સરકારે સેક્શન 18એ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિષ્પ્રભાવી બનાવ્યો છે જે ખોટું છે અને સરકારના આ નવા કાયદાથી હવે નિર્દોષ લોકોને ફરીથી ફસાવવામાં આવશે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ સરકારના નવા કાયદાને ગેરબંધારણીય જાહેર કરે અને જ્યાં સુધી આ અરજી પેન્ડિંગ રહે ત્યાં સુધી કોર્ટ નવા કાયદાના અમલ પર રોક લગાવે. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિષ્પ્રભાવી બનાવનારા એસસી એસટી સંશોધન એક્ટ 2018ને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ એસસી એસટી એક્ટ પૂર્વની જેમ કડક જોગવાઈઓથી લેસ થઈ ગયો છે. 

આ છે સરકારનો કાયદો
રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સંશોધન કાયદો પ્રભાવી થઈ ગયો છે. આ સંશોધન કાયદા દ્વારા એસસી-એસટી અત્યાચાર નિરોધક કાયદામાં કલમ 18એ જોડવામાં આવી છે. જે કહે છે કે આ કાયદાનો ભંગ કરનારા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતા પહેલા પ્રાથમિક તપાસ જરૂરી નથી. તપાસ અધિકારીએ ધરપકડ  કરતા પહેલા કોઈ પરવાનગી લેવાની પણ જરૂર નથી. સંશોધન કાયદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કાયદા હેઠળ અપરાધ કરનારા આરોપીને આગોતરા જામીન (સીઆરપીસી કલમ 438)નો લાભ મળશે નહીં. એટલે કે આગોતરા જામીન મળશે નહીં. સંશોધન કાયદામાં સ્પષ્ટપણે કહેવાયું છે કે આ કાયદાના ભંગ પર કાયદામાં અપાયેલી પ્રક્રિયાનું જ પાલન થશે. 

શું હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે 20 માર્ચના રોજ આપેલા ચુકાદામાં એસસી એસટી કાયદાના દૂરઉપયોગ પર ચિંતા વ્યક્ત કરતા દિશા નિર્દેશ જારી કર્યા હતાં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી એસટી અત્યાચાર નિરોધક કાયદામાં ફરિયાદ મળ્યા બાદ તરત મામલો નોંધાશે નહીં. ડીએસપી પહેલા ફરિયાદની પ્રારંભિક તપાસ કરીને માહિતી મેળવશે કે મામલો ખોટો છે કે પછી દુર્ભાવનાથી પ્રેરિત તો નથીને. આ ઉપરાંત આ કાયદામાં એફઆઈઆર નોંધાયા બાદ વ્યક્તિની તરત ધરપકડ થશે નહીં. સરકારી કર્મચારીની ધરપકડ પહેલા સક્ષમ અધિકારી અને સામાન્ય વ્યક્તિની ધરપકડ પહેલા એસએસપીની મંજૂરી લેવામાં આવશે. એટલું જનહીં કોર્ટે વ્યક્તિ માટે આગોતરા જામીનના દરવાજા પણ ખોલ્યા હતાં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો દેશવ્યાપી વિરોધ થયો હતો. ત્યારબાદ સરકારે કાયદાને મૂળ સ્વરૂપમાં લાવવા માટે એસસી એસી સંશોધન બિલ સંસદમાં રજુ  કર્યુ હતું અને બંને સદનોમાં પાસ થયા બાદ તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલાયું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news