સરદાર પટેલના બદલે વિઠ્ઠલભાઈએ કેમ સુભાષચંદ્ર બોઝના નામે કરેલી સંપત્તિ? જાણો પછી સરદારે શું કર્યું

ભારે વિવાદમાં રહ્યું સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું વસિયતનામુંઃ "મૃત્યુશય્યા પર રહેલી કોઈ વ્યક્તિ દ્વારા સહી કરાયેલો અન્ય કોઈ દસ્તાવેજ આટલા વ્યાપક પ્રમાણમાં લોકોના કૂતુહલનું કારણ બન્યો નથી."

સરદાર પટેલના બદલે વિઠ્ઠલભાઈએ કેમ સુભાષચંદ્ર બોઝના નામે કરેલી સંપત્તિ? જાણો પછી સરદારે શું કર્યું

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હાલ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે, જેમના નામથી ગુજરાત વિધાનસભા ભવનનું નામ અપાયું છે તે વિઠ્ઠલભાઈ પટેલ વિશે ઘણાં ઓછા લોકોને ખબર છે. તેમણે સમાજ જીવનને આપેલાં અનમોલ પ્રદાનને ક્યારેય ભુલી શકાય તેમ નથી. આજે તેમને એટલાં માટે યાદ કરી રહ્યાં છીએ કારણ કે, આજે તા. 27 સપ્ટેમ્બરના રોજ વિઠ્ઠલભાઈ પટેલની જન્મજયંતિ છે. લોહ પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલના મોટાભાઈ છે વિઠ્ઠલભાઈ પટેલ.વિઠ્ઠલભાઈ પણ સરદારની જેમ દેશભક્તિને વરેલાં હતાં. આમ તો તેમના વિશે લખવા બેસીએ તો ઘણું લખી શકાય તેમ છે. જોકે, હંમેશા નિર્વિવાદિત રહેલાં વિઠ્ઠલભાઈની વીલના કારણે એક મોટો વિવાદ થયો હતો. જે આજે પણ ઈતિહાસમાં અંકિત છે. 

No description available.

ભારે વિવાદમાં રહ્યું સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું વસિયતનામુંઃ
"મૃત્યુશય્યા પર રહેલી કોઈ વ્યક્તિ દ્વારા સહી કરાયેલો અન્ય કોઈ દસ્તાવેજ આટલા વ્યાપક પ્રમાણમાં લોકોના કૂતુહલનું કારણ બન્યો નથી."

તબિયત લથડતા જીનિવામાં વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થયું:
એશિયન વોઇસ ડોટ કૉમના એક અહેવાલમાં લેખક હરિ દેસાઈ નોંધે છે કે, “જાન્યુઆરી, 1932માં ભારતમાં ધરપકડ કરાયા બાદ વિઠ્ઠલભાઈને લથડતી તબિયતને કારણે છોડી મુકાયા. માર્ચ, 1932માં તેમણે ભારત છોડ્યું પરંતુ જીવતા પરત ન ફરી શક્યા. તેઓ જાન્યુઆરી 1933 સુધી ભારતની સ્વતંત્રતા અંગે વ્યાખ્યાનો આપવા માટે અમેરિકામાં ફર્યા.” વિઠ્ઠલભાઈ ડિ વલેરાના નિમંત્રણ પર ઑસ્ટ્રિયા ગયા જ્યાં સુભાષચંદ્ર બોઝ તેમની સાથે જોડાયા. આ દરમિયાન જ બંને મહાનુભવોએ ગાંધીજીની સ્વરાજ્ય પ્રાપ્તિની રીતોને વખોડતું સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. સપ્ટેમ્બર માસમાં તેમની તબિયત વધુ લથડી. જે બાદ તેમનું જીનિવા ખાતે મૃત્યુ થયું. સરદાર પટેલ તે સમયે જેલમાં હોવાથી સરદારના પુત્ર ડાહ્યાભાઈએ વિઠ્ઠલભાઈ પટેલના અંતિમ સંસ્કાર કર્યા હોવાનું ડો.હરિ દેસાઈ પોતાના પુસ્તકમાં જણાવે છે.

મૃત્યુબાદ વસિયતનામાનો થયો વિવાદઃ
ગોરધનભાઈ પટેલ અને પી. ટી. પટેલ બંનેને વિઠ્ઠલભાઈ પટેલના વસિયતનામાના વહીવટદાર નીમવામાં આવ્યા હતા. જે પૈકી પી.ટી. પટેલના મૃત્યુ બાદ માત્ર ગોરધનભાઈ પટેલ પર વસિયતનામાના વહીવટને લઈને જવાબદારી આવી પડી હતી. ગોરધનભાઈ પટેલ પોતાના પુસ્તકમાં નોંધે છે કે, "23 ઑક્ટોબરના રોજ જ્યારે તેઓ જીનિવા પહોંચ્યા ત્યારે વિઠ્ઠલભાઈના મરણની ખબર સાંભળતાં ખૂબ જ આંચકો અનુભવ્યો હતો. તે સમયે તેમણે સુભાષચંદ્ર બોઝને વસિયતનામાના વિવાદ અંગે જાણ કરી. ત્યારે તેઓ વસિયતનામાની તમામ શરતો પૂર્ણ કરવા અંગે તૈયાર જણાઈ રહ્યા હતા પરંતુ કલકત્તા પરત ફર્યા બાદ સુભાષનો મત બદલાઈ ગયો. તેમણે પોતાના વકીલ મારફતે મને પત્ર લખીને વસિયતની સંપત્તિની સોંપણી કરવા જણાવ્યું."

No description available.

'વિઠ્ઠલભાઈ પટેલ લાઇફ ઍન્ડ ટાઇમ્સ' પુસ્તકમાં થયેલી નોંધ મુજબ વસિયતનામાની એક શરત પ્રમાણે "ઉપર જણાવ્યા મુજબની ચાર ભેટોના નિકાલ બાદ મારી સંપત્તિ 1 વૂડબર્ન પાર્ક, કલકત્તા નિવાસી જાનકીનાથ બોઝના પુત્ર  સુભાષચંદ્ર બોઝને સોંપવી. જે પ્રાથમિક ધોરણે સુભાષચંદ્ર બોઝ દ્વારા અથવા તેમના ઉત્તરાધિકારી કે ઉત્તરાધિકારીઓ દ્વારા ભારતના રાજકીય ઉત્થાન અને ભારત બહાર ભારતને લગતાં કાર્યોની પ્રસિદ્ધિ માટે ઉપયોગમાં લેવામાં આવે." આ વસિયતનામાના વહીવટદાર તરીકે ગોરધનભાઈનું માનવું હતું કે આ વસિયત સુભાષચંદ્ર બોઝ માટે ગમે તે હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી 'ફ્રી ગિફ્ટ' નહોતી. બોઝને માત્ર ટ્રસ્ટી તરીકે જ નીમ્યાં હતાં. પણ સુભાષચંદ્ર બોઝને આ અર્થઘટન મંજૂર નહોંતું. કલકત્તા પાછા ફર્યા બાદ સુભાષચંદ્ર બોઝે વસિયતમાં રહેલી સંપત્તિની ચૂકવણી માટે ગોરધનભાઈને 11 જાન્યુઆરી, 1935ના રોજ પોતાના વકીલ મારફતે પત્ર દ્વારા જાણ કરી.

આ વસિયતનામામાં સરદારને આ વાત ઘટકીઃ
1) પથારીવશ અવસ્થામાં બનાવાયેલું વસિયતનામું ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરાયેલું કેમ નહોતું? તેમજ વિઠ્ઠલભાઈની સહી ડૉક્ટર દ્વારા પ્રમાણિત કેમ નહોતી? એવી એક શંકા હતી.
2) વિઠ્ઠલભાઈ દ્વારા હાથથી લખાયેલ વસિયતનામું ગાયબ કેમ હતું તે પણ એક શંકા હતી.
3) ત્રીજી શંકા એ હતી કે ભુલાભાઈ દેસાઈ, વાલચંદ હિરાચંદ અને અંબાલાલ સારાભાઈ જેવી વ્યક્તિઓ જ્યારે જીનિવા ખાતે હાજર હતી ત્યારે વસિયતનામા પર સાક્ષી તરીકે ત્રણ અજાણી બંગાળી વ્યક્તિઓની સહી શું કામ હતી?

વિવાદ ન ઉકેલાતા મામલો કોર્ટમાં પહોચ્યોઃ
આ વિવાદનો ઉકેલ ન આવતાં અંતે 20 જાન્યુઆરી. 1939ના રોજ મામલો બૉમ્બે હાઈકોર્ટ પહોંચ્યો. જસ્ટિસ બી. જે વાડીયાની કોર્ટમાં ગોરધનભાઈ અને વિઠ્ઠલભાઈના આઠ વારસદારો તરફથી ભુલાભાઈ દેસાઈ, સર જમશેદજી કાંગા, કૉલ્ટમન, એન. પી. એન્જિનિયર, મોતિલાલ સેતલવાડ અને સર ચીમનલાલ શેતલવાડ હાજર રહ્યા. જ્યારે સુભાષચંદ્ર બોઝ તરફથી પી. આર. દાસ અને માણેકશા હાજર રહ્યા હતા.

હાઈકોર્ટે પણ વિઠ્ઠલભાઈ પટેલની વસિયત પર સુભાષચંદ્ર બોઝનો સંપુર્ણ અધિકાર માનવાનો ઇનકાર કરી દીધો હતો અને વિઠ્ઠલભાઈનું વસિયતનામું અયોગ્ય જાહેર કરી તેમની સંપત્તિ પર તેમના પરિવારજનોનો અધિકાર હોવાનો મત વ્યક્ત કર્યો. હાઈકોર્ટના ચુકાદા બાદ 16 માર્ચ, 1939ના રોજ સરદાર પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા આ સંપત્તિનો ખાનગી હેતુ માટે ઉપયોગ નહીં કરાય. આ સંપત્તિનો ઉપયોગ ભારતના રાજકીય ઉત્થાન કે અન્ય કોઈ જાહેર હેતુ માટે કરાશે. જોકે, આ નિર્ણય અંગે સુભાષચંદ્ર બોઝે અરજી કરી જેની સુનાવણી ચીફ જસ્ટિસ સર જૉન બ્યૉમોન્ટ અને જસ્ટિસ કાણીયાએ કરી હતી. આ વખત સુભાષચંદ્ર બોઝ તરફથી કોર્ટમાં તેમના ભાઈ સરતચંદ્ર બોઝ અને માણેકશા હાજર રહ્યા હતા.

અંતે 18 સપ્ટેમ્બર 1939ના રોજ સુભાષચંદ્ર બોઝની અરજી ફગાવાઈ અને હાઈકોર્ટનો નિર્ણય સ્વીકારી લેવાયો. સુભાષચંદ્ર બોઝ દ્વારા પ્રીવી કાઉન્સિલમાં અરજી કરવાનું ટાળવામાં આવ્યું. આ દાવાના ફુલ ઍન્ડ ફાઇનલ સેટલમૅન્ટ તરીકે ગોરધનભાઈ પટેલ દ્વારા એક લાખ રૂપિયાનો ચેક સરદાર પટેલને અપાયો. 11 ઑક્ટોબર, 1940ના રોજ વર્ધા ખાતે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગમાં સરદાર પટેલે વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપનાની જાહેરાત કરી. જે વિઠ્ઠલભાઈની ઇચ્છા પ્રમાણે આ નાણાંનો ઉપયોગ કરવાના હેતુસર રચાયું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news