Same Sex Marriage: સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 5 જજોનો 3-2થી ચુકાદો

સમલૈંગિક લગ્ન અને રિલેશનશિપના સોશિયલ સ્ટેટસને માન્યતા આપવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં 18 સમલૈંગિક કપલે અરજી દાખલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. 

Same Sex Marriage: સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 5 જજોનો 3-2થી ચુકાદો

નવી દિલ્હીઃ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સંસદનું અધિકાર ક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 3-2થી ચુકાદો આપ્યો છે. સેમ સેક્સ મેરેજ પર ચુકાદો આપતા ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ વિશેષ લગ્ન અધિનિયમોની જોગવાઈઓને રદ્દ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે બાકી સિવિલ અધિકાર માટે જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર નાખી છે. કોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફારની ના પાડી. શરૂઆતમાં જ્યારે ચીફ જસ્ટિસે પોતાના ચુકાદો સંભળાવ્યો તો સમલૈંકિગ કપલને આશા જાગી કે તેને બાળક દત્તક લેવાની મંજૂરી મળી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની મંજૂરી આપી નહીં. આ પહેલા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે સમલૈંગિકોને બાળક દત્તક લેવાની મંજૂરીનો વિરોધ કર્યો હતો. પંચે કોર્ટમાં કહ્યું હતું કે આ પ્રકારના પ્રયોગ ન થવા જોઈએ. રિસર્ચ તરીકે તર્ક આપવામાં આવ્યો હતો કે સમલૈંગિક જે બાળકનું પાલન કરશે તેનો માનસિક અને ભાવનાત્મક વિકાસ ઓછો થઈ શકે છે. 

ચીફ જસ્ટિસે પોતાનો ચુકાદો આપતા સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે તેમના મત પ્રમાણે સંસદને સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો નિર્ણય કરવો જોઈએ. તેમણે સમલૈંગિક સમુદાય વિરુદ્ધ ભેદભાવ રોકવા માટે કેન્દ્ર અને પોલીસ દળોને ઘણા દિશા-નિર્દેશો જાહેર કર્યાં છે. 

સીજેઆઈના ચુકાદા બાદ જસ્ટિસ સંજય કિશન કૌલે પણ સમલૈંગિક કપલના અધિકારીની વાત કરી. સમલૈંગિક લગ્ન પર ચાર જજો સીજેઆઈ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટ અને દસ્ટિસ પીએસ નરસિમ્હાનો સ્પ્લિટ ચુકાદો આપ્યો. જસ્ટિસ હિમા કોહલી પણ આ બેંચનો ભાગ છે. 

ચીફ જસ્ટિસ બોલ્યા- સમલૈંગિક લગ્નને કાયદાકીય દરજ્જો આપે સરકાર
ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું- પોતાના સાથી પસંદ કરવાનો અધિકાર બધાને છે. આ સાથે આર્ટિકલ 21 હેઠળ સન્માનની સાથે જીવન એક મૌલિક અધિકાર છે. સરકારે ખુદ નાગરિકોના મૌલિક અધિકારીની રક્ષા કરવી જોઈએ. લગ્નને કાયદાકીય દરજ્જો જરૂર છે, પરંતુ તે મૌલિક અધિકાર નથી. 

સ્પેશિયલ મેરેજ એક્ટને અલગ-અલગ ધર્મ અને જાતિના લોકોને લગ્ન કરવા માટે બનાવવામાં આવ્યો છે. સમલૈંગિક લગ્ન માટે તેને રદ્દ કરવું ખોટું હશે. જો આ કાયદા (સ્પેશિયલ મેરેજ એક્ટ) હેઠળ સમલૈંગિક લગ્નને દરજ્જો આપવામાં આવશે, તો તેની અસર અન્ય કાયદાઓને પણ થશે. આ તમામ બાબતો સંસદને જોવાની છે.

સરકાર આ પ્રકારના સંબંધોને કાયદાકીય દરજ્જો આપે, જેથી તેને પણ જરૂરી કાયદાકીય અધિકાર મળી શકે. સુનાવણી દરમિયાન સરકારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં તે માટે એક કમિટી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

અરજીકર્તાની શું હતી માંગ?
અરજીમાં લગ્નને કાયદેસર અને સોશિયલ સ્ટેટસની સાથે પોતાની રિલેશનશિપને માન્યતા આપવાની માંગ કરી હતી. અરજીઓ પર સુનાવણી કરનારી બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ એસકે કૌલ, એસઆર ભટ્ટ, હેમા કોહલી અને પીએસ નરસિમ્હા સામેલ હતા. 

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટે 11 મેએ સુનાવણી પૂરી કરી લીધી હતી. ત્યારે ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. 

સેમ સેક્સ મેરેજ પર શું છે સરકારનો પક્ષ?
સમલૈંગિક લગ્નના મામલામાં કેન્દ્ર સરકારનો તર્ક હતો કે આ મુદ્દા પર કાયદો બનાવવાનો હક સરકારનો છે. સરકારનું કહેવું છે કે આ ન માત્ર દેશની સાંસ્કૃતિક અને નૈતિક પરંપરા વિરુદ્ધ છે, પરંતુ તેને માન્યતા આપતા પહેલા 28 કાયદા અને 160 જોગવાઈઓમાં ફેરફાર કરવો પડશે અને પર્સનલ લો સાથે છેડછાડ કરવી પડશે. 

34 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા
દુનિયાના 34 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા છે. તેમાં કેનેડા, અમેરિકા, બ્રાઝીલ, આર્જેન્ટીના, બ્રિટન, જર્મની, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news