સચિને સાચી સાબિત કરી બતાવ્યું કે બાપ એવા બેટા, ઉડી ગઈ છે રાહુલની નિંદર

કોંગ્રેસ પાર્ટીને 11 ડિસેમ્બરના દિવસે આવેલા ચૂંટણીના પરિણામોમાં આખરે જીત મળી ગઈ છે

સચિને સાચી સાબિત કરી બતાવ્યું કે બાપ એવા બેટા, ઉડી ગઈ છે રાહુલની નિંદર

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીને 11 ડિસેમ્બરના દિવસે આવેલા ચૂંટણીના પરિણામોમાં આખરે જીત મળી ગઈ છે. આ જીતની પાર્ટી લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. જોકે જીત પછી કોંગ્રેસમાં મહત્વાકાંક્ષાનું વાવાઝોડું ફુંકાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ  ગાંધીએ લાંબી મંત્રણા પછી મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી ન બનવા માટે સમજાવી લીધા છે પણ આ મામલે રાજસ્થાનમાં સચિન પાયલોટને સમજાવાનું અઘરું સાબિત થઈ રહ્યું છે. 

રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટ મુખ્યમંત્રી બનવાના મામલે અડગ છે અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ટસના મસ થવા તૈયાર નથી. રાજસ્થાનમાં મુખ્યપ્રધાન પદનો નિર્ણય લેવાનો અધિકાર રાહુલ  ગાંધીને આપવામાં આવ્યો છે પણ રાહુલ પણ અશોક ગેહલોત અને સચિન પાયલોટ બંને સંમત થાય એવો નિર્ણય લેવામાં કાચા પડી રહ્યા છે અને તેમની મુસીબત વધી છે. 

આ પરિસ્થિતિને બે દાયકા જુના ઘટનાક્રમ સાથે સરખાવી શકાય. એ સમયે રાહુલના માતા સોનિયા ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન હતી. એ સમયે સચિનના પિતા રાજેશ પાયલોટ અને જ્યોતિરાદિત્યના પિતા માધવરાય સિંધિયા કોંગ્રેસના મોટા નેતા હતા. આ બંને નેતાઓ પર પણ સોનિયા ગાંધીનો કાબૂ નહોતો. જોકે ખાસ વાત એ હતી કે માધવરાવે ક્યારેય જાહેરમાં પક્ષ સાથેના મતભેદની ચર્ચા નહોતી કરી જ્યારે રાજેશ પાયલોટે જાહેરમાં આ ચર્ચા કરી હતી. 

રાજેશ પાયલોટે પોતાનો બાગી અંદાજ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીને દેખાડ્યો અને કોંગ્રેસ અધ્યક્ષના પદ માટેની ચૂંટણી લડી. એ સમયે શરદ પવારે પણ કોંગ્રેસ અધ્યક્ષના પદ માટેની ચૂંટણીમાં સક્રિય હિસ્સો લીધો હતો. આ બંને નેતા સીતારામ કેસરી સામે હારી ગયા. આ પછી પક્ષની કમાન સોનિયા ગાંધીના હાથમાં આવી ત્યારે શરદ પવારે બળવો કરીને પક્ષ છોડી દીધો પણ રાજેશ પાયલોટે પક્ષમાં જ રહીને સોનિયા સામે મોરચો ખોલી દીધો હતો. સોનિયાનો વિરોધ કરવામાં કોંગ્રેસ નેતા જિતેન્દ્ર પ્રસાદ અને રાજેશ પાયલટ અગ્રેસર હતા. 

કોંગ્રેસ નેતા જતિન પ્રસાદના પિતા જિતેન્દ્ર પ્રસાદ 2000ના વર્ષમાં સોનિયા ગાંધી સામે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાજેશ પાયલોટે તેના સમર્થનમાં રેલીઓ કરી હતી. બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાજેશ પાયલોટે તો સોનિયા ગાંધીની આકરી ટીકા પણ કરી હતી. એ ઇન્ટરવ્યૂમાં રાજેશ પાયલોટે સ્વીકાર્યું હતું કે તેઓની મહેચ્છા વડાપ્રધાન બનવાની છે. જોકે 9 જૂન, 2000ના દિવસે એક કાર એક્સિડન્ટમાં તેમનું અચાનક અવસાન થયું હતું. 

હવે બે દાયકા પછી હવે જ્યારે આ નેતાઓની બીજી પેઢી મેદાનમાં છે ત્યારે સોનિયાની જગ્યાએ રાહુલ, રાજેશની જગ્યાએ સચિન અને માધવરાવની જગ્યાએ જ્યોતિરાદિત્ય છે. આ બંને નેતાઓને મનમોહન સિંહની સરકારમાં રાજ્ય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને બંને રાહુલ ગાંધીની નિકટ છે. હવે ફરીથી એવું જ સંકટ ઉભું થયું છે જેવું બે દાયકા પહેલાં ઉભું થયું હતું. જ્યોતિરાદિત્ય એ જ કરી રહ્યા છે જે તેના પિતાએ કર્યું હતું, શાંતિથી સમય સાથે ચાલવાનો નિર્ણય. સામા પક્ષે સચિને પણ પોતાના પિતા જેવો ખુલીને સ્પષ્ટ વાત કરવાનો અભિગમ અપનાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news