સબરીમાલાઃ મહિલાઓના પ્રવેશ બાદ કેરળમાં વિરોધ પ્રદર્શન, શુદ્ધિકરણ માટે કપાટ કરાયા બંધ

આ ઘટનાના સમચાર ફેલાતાંની સાથે જ તિરુવનંતપુરમમાં હિન્દુ સંગઠન પ્રદર્શન કરવા સડકો પર ઉતરી આવ્યા છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે 

સબરીમાલાઃ મહિલાઓના પ્રવેશ બાદ કેરળમાં વિરોધ પ્રદર્શન, શુદ્ધિકરણ માટે કપાટ કરાયા બંધ

તિરુવનંતપુરમઃ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ બાદ મંદિરના કપાટને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયા છે. મંદિરમાં 50 વર્ષની વયથી નીચેની મહિલાઓના પ્રવેશની ઘટના બાદ પૂજારીઓએ મંદિરને શુદ્ધિકરણ માટે બંધ કરી દીધું છે. જ્યારે આ ઘટના બાદ તિરુવનંતપુરમમાં હિન્દુ સંગઠન પ્રદર્શન કરવા માટે સડકો પર ઉતરી આવ્યા છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 

વહેલી પરોઢે બે મહિલાઓનો પ્રવેશ 
આજે વહેલી પરોઢે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી લીધો હતો. આ મહિલાઓએ કાળા રંગના વસ્ત્રો ધારણ કરેલા હતા અને તેમની સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારી પણ હતા. પ્રાપ્ત સમાચાર મુજબ આ બે મહિલાઓએ મોડી રાત્રે મંદિરમાં પ્રવેશ માટે ચઢાઈ શરૂ કરી હતી. મંદિરમાં પ્રવેશ કર્યા બાદ આ મહિલાઓએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા અને શાંતિપૂર્વ પાછી જતી રહી હતી. 

— ANI (@ANI) January 2, 2019

કેરળના સીએમ દ્વારા પુષ્ટિ
કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે તિરુવનંતપુરમમાં જણાવ્યું કે, "હા એ સાચું છે કે, મહિલાઓએ મંદિરમાં દર્શન કર્યા છે." આ ઘટના બાદ મુખ્ય પુજારી અને મંદિરના તંત્રીએ ચર્ચા કર્યા બાદ પંડાલમ શાહી પરિવાર સાથે વાટાઘાટો કરી હતી અને મંદિરના કપાટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તંત્રી કંતારારુ રાજીવેરૂએ જણાવ્યું કે, મંદિરને 'શુદ્ધિકરણ' માટે બંધ કરવામાં આવ્યું છે અને તેને ત્યાર પછી ફરીથી ખોલવામાં આવશે.

બિન્દુ અને કનક દુર્ગા નામની મહિલા 
બિન્દુ અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ જણાવ્યું કે, તેમણે વહેલી પરોઢે 3.30 કલાકે મંદિરમાં દર્શન કર્યા હતા. આ અગાઉ 24 ડિસેમ્બરના રોજ પણ આ બંને મહિલાઓએ પ્રવેશ માટે પ્રયાસ કર્યો હતો. જોકે, એ સમયે 10થી 50 વર્ષના વયજૂથની મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા પુરુષ ભક્તોએ આ બંનેને મંદિરમાં પ્રવેશવા દીધી ન હતી.

બિંદુએ ફોન પર મીડિયાને જણાવ્યું કે, તે દુર્ગા સાથે રાત્રે 1.30 કલાકે પંબા આધાર શિબિર પહોંચી હતી. અહીંથી સાદા ડ્રેસમાં રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ સાથે મંદિરના માર્ગ પર પહોંચી હતી. બિંદુએ વધુમાં જણાવ્યું કે, "સરકાર તરપથી અમને તમામ મદદની ખાતરી આપવામાં આવી હતી. અમે આધાર શિબિર પહોંચ્યા હતા અને મંદિર માર્ગ થઈને વહેલી પરોઢે 3.30 કલાકે મંદિરમાં દર્શન કર્યા હતા. અમે બંને પોલીસની સુરક્ષામાં જ મંદિરથી પાછી ફરી હતી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news