Russia-Ukraine War: યુક્રેનમાં જમીની સ્થિતિ કેવી છે, અત્યાર સુધીમાં કેટલા ભારતીયો સ્વદેશ પરત ફર્યા, વિદેશ મંત્રાલયે જણાવ્યું

અત્યાર સુધી છ ફ્લાઇટ્સ ભારતીયોને લઈને સ્વદેશ પરત ફરી ચુકી છે. યુક્રેનમાં સ્થિતિ કેવી છે અને ત્યાંથી કેટલા ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, આ વિશે વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે. 
 

Russia-Ukraine War: યુક્રેનમાં જમીની સ્થિતિ કેવી છે, અત્યાર સુધીમાં કેટલા ભારતીયો સ્વદેશ પરત ફર્યા, વિદેશ મંત્રાલયે જણાવ્યું

નવી દિલ્હીઃ રશિયા સામે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા છે, જેને કાઢવાની કવાયત સતત ચાલી રહી છે. અત્યાર સુધી છ ફ્લાઇટ્સ ભારતીયોને લઈને સ્વદેશ પરત ફરી ચુકી છે. યુક્રેનમાં કેવી સ્થિતિ છે અને ત્યાંથી કેટલા ભારતીયોને કાઢવામાં આવ્યા છે, આ વિશે વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ, ભારતીયોને કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જમીન પર સ્થિતિ ખુબ જટીલ છે અને ચિંતિત કરનારી છે પરંતુ અમે રાહત અને બચાવ કાર્ય તેજ કરી દીધુ છે. અમારા તરફથી એડવાઇઝરી જાહેર કર્યા બાદ 8000 ભારતીયોએ યુક્રેન છોડ્યુ છે, હુમલો થયા બાદ નહીં. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આગળ જણાવ્યું, હાલ 1400 ભારતીય નાગરિકોને લઈને છ ફ્લાઇટ્સ આવી ચુકી છે. 4 ફ્લાઇટ બુચારેસ્ટ (રોમાનિયા) અને 2 ફ્લાઇટ્સ બુડાપેસ્ટ (હંગરી) થી આવી છે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેનની સરહદે આવેલા ચાર દેશોમાં કેન્દ્રીય મંત્રીઓને વિશેષ દૂત તરીકે તૈનાત કરવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા જશે. જ્યારે કિરેન રિજીજુ સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે, હરદીપ પુરી હંગેરી જશે અને ભૂતપૂર્વ આર્મી સ્ટાફ વીકે સિંહ પોલેન્ડ જશે. આ તમામ મંત્રીઓ ભારતીયોને બહાર કાઢવા અને અન્ય બાબતોનું ધ્યાન રાખશે.

બાગચીએ કહ્યું કે યુક્રેન સરહદ પાર કર્યા પછી ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. પરંતુ લોકો સીધા સરહદ સુધી ન પહોંચે. તેઓ આવશે તો લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે. તેઓએ તેમના પડોશી શહેરોમાં આશ્રય લેવો જોઈએ. ત્યાં અમારી ટીમ મદદ કરશે. ટીમની સલાહ પર જ બોર્ડર તરફ જાઓ. વિદેશ મંત્રાલયે કહ્યું, અમારી પાસે મોલ્ડોવા થઈને નવો માર્ગ છે, તે હવે કાર્યરત છે, અમારી ટીમ તમને મદદ કરશે. તેઓ રોમાનિયા મારફતે ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરશે. યુક્રેનના રાજદૂતની વિનંતી મુજબ અમે યુક્રેનને દવાઓ સહિત માનવતાવાદી સહાય પણ મોકલીશું.

પોલેન્ડમાં વિઝાની જરૂર નહીં
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાં પોલેન્ડના રાજદૂત એડન બુરાકોવ્સ્કીએ જણાવ્યુ કે, ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફ્લાઇટ્સ હશે. પોલેન્ડ મદદ કરી રહ્યું છે અને ભારતના હાઈ લેવલ ડેલિગેશનને પોતાના નાગરિકોને કાઢવામાં મદદ કરશે. વગર કોઈ વિઝા વગર ભારતીય નાગરિક પોલેન્ડ બોર્ડર જઈ શકે છે. તેમણે આગળ કહ્યું, અમે યુક્રેનના સમર્થનમાં છીએ અને તમામ પ્રકારની મદદની સાથે હથિયાર પણ ઉપલબ્ધ કરાવીશું. યુરોપિયન યુનિયનનું એર સ્પેસ રશિયાના વિમાનો માટે બંધ છે, જેમાં ખાનગી જેટ્સ પણ સામેલ છે. રશિયા પર જાપાન, અમેરિકા અને અન્ય દેશોએ પ્રતિબંધ લગાવ્યા છે. 

યુદ્ધમાં 102 નાગરિકોના મોત
યુએન હ્યુમન રાઇટ્સના ચીફે જાણકારી આપતા કહ્યું કે, રશિયાના હુમલામાં અત્યાર સુધી 102 લોકોના મોત થયા છે, જેમાં 7 બાળકો પણ સામેલ છે. મહત્વનું છે કે રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં દરરોજ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. રશિયા મિસાઇલોથી હુમલો કરી રહ્યું છે. યુએને કહ્યું કે, જો હજુ યુદ્ધ ચાલતું રહેશે તો આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news