રાફેલ ડીલઃ સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ, સીલબંધ કવરમાં આપે સમગ્ર સોદાની માહિતી

રાફેલ ડીલ સામે ત્રણ જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દ્વારા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે 

રાફેલ ડીલઃ સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ, સીલબંધ કવરમાં આપે સમગ્ર સોદાની માહિતી

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સ વચ્ચે ફાઈટર પ્લેન રાફેલ ડીલ અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની ત્રણ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ મુદ્દે બે અરજીકર્તાઓએ અપીલ કરી છે કે, ભારત સરકારે આ ડીલ અંગે વિમાનની કિંમતનો ખુલાસો કરવો જોઈએ. ત્રીજા અરજીકર્તા તહસીન પૂનાવાલાએ સુનાવણીથી પહેલાં પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. 

આ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સીલબંધ કવરમાં ડીલ અંગે માહિતી આપવા આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવીદીધું છે કે તે 29 ઓક્ટોબર સુધી આ અંગેની માહિતી પુરી પાડે. સુપ્રીમ કોર્ટ આ કેસની હવે પછીની સુનાવણી 31 ઓક્ટોબરે હાથ ધરવાની છે. 

કોર્ટમાં કેન્દ્ર સરકારે કઈ દલીલ રજૂ કરી?
કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું કે, આ રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે. આ કોઈ જાહેર હિતની અરજી નથી, પરંતુ રાજનીતિથી પ્રેરિત થઈને કરવામાં આવેલી અરજી છે. સરકારે જણાવ્યું કે, અત્યારે ચૂંટણીનો સમય ચે અને જો કોર્ટ અરજી અંગે કોઈ નોટિસ ફટકારે છે તો તે સીધી વડા પ્રધાન પાસે જશે. આ અરજી પર સુનાવણીની જરૂર નથી. 

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સણસણતો જવાબ
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની દલીલોનો સણસણતો જવાબ આપતા જણાવ્યું કે, ચાલો, તમારી એ વાત માની લો કે હું તમને આ ડીલ અંગેની માહિતી માત્ર કોર્ટને આપવા માટે જણાવું છું? તો શું તમે કોર્ટને આપશો? કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમે રાફેલ ડીલ અંગે લેવામાં આવેલા નિર્ણયની પ્રક્રિયાની માહિતી કેન્દ્ર સરકાર પાસે માગી રહ્યા છીએ. સુપ્રીમે જણાવ્યું કે, અમે કેન્દ્રનો નોટિસ નથી ફટકારી રહ્યા. 

એ પણ સ્પષ્ટ કરી રહ્યા છીએ કે, અરજીકર્તાઓની દલીલીને પણ રેકોર્ડ પર નથી લઈ રહ્યા, કેમ કે તેમની દલીલો પુરતી નથી. અમે માત્ર ડીલ અંગે જે નિર્ણય લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેના અંગે પોતાને સંતુષ્ટ કરવા માગીએ છીએ. કોર્ટે જણાવ્યું કે, આ કેસમાં અમે સ્યુટેબિલીટી કે કિંમત પર નથી જઈ રહ્યા. 

કોણે કરી છે અરજી?
એક વકીલ વિનીત ઢાંડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, કોર્ટ રાફેલ ડીલ પર સરકાર પાસેથી રિપોર્ટ માગે અને એ જૂએ કે બધું જ યોગ્ય છે કે નહીં. અન્ય એક વકીલે પોતાની અરજીમાં ડીલને રદ્દ કરવાની માગણી કરી છે. સાથે જ અરજીમાં વડા પ્રધાન અને અનિલ અંબાણી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની પણ માગણી કરી છે. 

સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે જણાવ્યું કે, આ કેસ પહેલાથી જ સંસદમાં ચાલી રહ્યો છે. અરજીકર્તાના વકીલ એમ.એલ. શર્માએ કોર્ટને જણાવ્યું કે, જો આ કેસમાં ભ્રષ્ટાચાર થયો છે તો તેની તપાસ થવી જોઈએ. અમે કોર્ટમાં જે દસ્તાવેજ રજૂ કર્યા છે તેમાં એક રાફેલ વિમાનની કિંમત રૂ.71 મિલિયન યુરો છે અને તેમાં ભ્રષ્ટાચાર થયો છે. 

વિનીત ઢાંડા તરફથી જ્યારે દલીલ રજૂ કરાઈ તો CJIએ પુછ્યું કે, આ વિનીત કોણ છે તો તેમના વકીલે જણાવ્યું કે, તેઓ એક વકીલ છે. CJIએ પુછ્યું કે, આ કેસમાં તેઓ શું કહેવા માગે છે? તો શર્માએ જણાવ્યું કે, ફ્રાન્સ સાથે કરાર અંગે વિએના કન્વેન્શનનો ઉલ્લેખ કરાયો છે. ફ્રાન્સની સંસદમાં રજૂ થયેલા ઓરિજિનલ દસ્તાવેજનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાફેલની મૂળ અને અસલ કિંમત 71 મિલિયન છે. સરકાર પર 206 મિલિયન યુરોના ભ્રષ્ટાચારનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. 

શું છે રાફેલ ડીલ?
રાફેલ ડીલ અંતર્ગત 35 રાફેલ યુદ્ધ વિમાનની ખરીદી માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર કરાયા હતા. રાફેલ યુદ્ધ વિમાન ડબલ એન્ઝિન ધરાવતું અને યુદ્ધના સમયમાં અનેક પ્રકારની ભૂમિકા ભજવી શકવા સક્ષમ છે. તેનું નિર્માણ ફ્રાન્સની એરોસ્પેસ કંપની ડસોલ્ટ એવિએશન દ્વારા કરાયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news