સરકારનો એક નિર્ણય...અને મોંઘા થઈ જશે ઘર, જાણો 50 લાખવાળો 2 BHK કેટલામાં પડે? ક્રેડાઈએ ચિંતા વ્યક્ત કરી

Property News: બિલ્ડરોના સૌથી મોટા સંગઠન ક્રેડાઈએ સરકારને એફએસઆઈ અને વધારાના એફએસઆઈ ચાર્જ પર 18% જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર ફરી વિચાર કરવાની માંગણી કરી છે. જાણો આ એફએસઆઈ શું છે અને તે ઘરોની કિમત પર કેવી રીતે અસર કરે છે. 

સરકારનો એક નિર્ણય...અને મોંઘા થઈ જશે ઘર, જાણો 50 લાખવાળો 2 BHK કેટલામાં પડે? ક્રેડાઈએ ચિંતા વ્યક્ત કરી

કેન્દ્ર સરકારના એક નાનકડા પગલાંથી હવે ઘર લેવાનું વિચારતા લોકોને ખિસ્સા પર ભાર વધી શકે છે. સરકારના આ નવા નિયમ અંગે બિલ્ડર્સની સૌથી મોટી સંસ્થા ક્રેડાઈ (CREDAI) એ ચિંતા વ્યક્ત કરી છે. ક્રેડાઈનું માનીએ તો આ પગલાંથી 50 હજાર રૂપિયાની કિંમતવાળો ફ્લેટ 5 લાખ રૂપિયા જેટલો મોંઘો થઈ જશે. એક કરોડ રૂપિયાની કિંમતવાળો લક્ઝરી ફ્લેટ દસ લાખ રૂપિયા જેટલો મોંઘો થશે. બિલ્ડરોના સૌથી મોટા સંગઠન ક્રેડાઈએ સરકારને એફએસઆઈ અને વધારાના એફએસઆઈ ચાર્જ પર 18% જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર ફરી વિચાર કરવાની માંગણી કરી છે. 

10% સુધી વધી શકે છે ભાવ
સંગઠનનું કહેવું છે કે આમ થાય તો મકાનના ભાવ 10% સુધી વધી શકે છે જેનાથી ઘર ખરીદવાની યોજના ઘડી રહેલા લોકો પર આર્થિક બોજો વધશે અને માંગ ઘટશે. વાત જાણે એમ છે કે સરકારે એફએસઆઈ  ચાર્જ પર 18 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરી છે. જેનાથી ચિંતિત ક્રેડાઈ (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા)એ નાણામંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે આ પગલું મકાન બનાવવાનો ખર્ચ વધારશે જેનાથી સસ્તા મકાનોના પ્રોજેક્ટ પણ મોંઘા થશે. તેની અસર એવા મધ્યમવર્ગી પરિવારો પર પડશે જેમના માટે ઘર ખરીદવું પહેલેથી એક મોટો પડકાર બનેલો છે. 

FSI શું છે અને કેવી રીતે તેનો ખર્ચ પર પડશે પ્રભાવ

- FSI એ ગુણોત્તર છે જે કોઈ પ્લોટના કુલ ક્ષેત્રફળ અને તેના પર બનેલા કુલ ફ્લોર એરિયાને દર્શાવે છે. 

- ડેવલપર્સ એફએસઆઈ ખરીદે છે જેથી કરીને તેઓ વધુ ફ્લોર સ્પેસ બનાવી શકે. 

- જો FSI પર 18 ટકા જીએસટી લાગે તો તેની સીધી અસર નિર્માણ ખર્ચ પર પડશે. 

FSI ખર્ચ અને જીએસટી આ રીતે થાય છે ગણતરી

- માની  લો કે ડેવલપરે 1,000 વર્ગ મીટરનો પ્લોટ ખરીદ્યો.

- એફએસઆઈની કિંમત ₹5,000 પ્રતિ વર્ગ મીટર છે. 

- કુલ એફએસઆઈ ખર્ચ = ₹5,000 × 1,000 = ₹50,00,000।

- જીએસટી જોડ્યા બાદ-એફએસઆઈ પર 18% જીએસટી = ₹50,00,000 × 18% = ₹9,00,000।

- નવો ખર્ચ = ₹50,00,000 + ₹9,00,000 = ₹59,00,000। 

ક્રેડાઈએ એમ પણ કહ્યું કે જો સરકાર જૂની તારીખથી આ નિયમ લાગૂ કરે તો ડેવલપર્સ પર ભારે નાણાકીય બોજો પડશે. તેનાથી અનેક પ્રોજેક્ટ્સ અધવચ્ચે અટકી શકે છે, અને જે ઘર ખરીદાર પહેલેથી  રોકાણ કરી ચૂક્યા છે તેમની બચત ઉપર પણ અસર પડશે. 

સસ્તા મકાનો પર સંકટ
સંગઠને કહ્યું કે નિર્માણના ખર્ચ પહેલેથી કાચા માલની મોંઘવારીથી વધી રહ્યા છે. જો એફએસઆઈ ચાર્જ પર જીએસટી લાગશે તો આ સસ્તા મકાનોના પ્રોજેક્ટ્સને વધુ મોંઘા કરશે. મધ્યમ વર્ગના લગભગ 70% લોકો આવા મકાનો ખરીદે છે. પરંતુ વધેલા ભાવના કારણે હવે આ મકાન તેમની પહોંચ બહાર જઈ શકે છે. 

મકાન સપ્લાય અને માંગ પર અસર
ક્રેડાઈના અધ્યક્ષ બોમન ઈરાનીએ કહ્યું કે, એફએસઆઈ ચાર્જ કોઈ પણ પ્રોજેક્ટના ખર્ચનો મહત્વનો હિસ્સો છે. તેના પર 18% જીએસટી લગાવવાથી મકાનોના સપ્લાય અને માંગ, બંને પર ખરાબ અસર પડશે. મકાનોના ખર્ચ વધશે જેનાથી ઘર ખરીદવું વધુ મુશ્કેલ બનશે. સરકારે આ પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવો જોઈએ અને એફએસઆઈ ચાર્જને જીએસટીના દાયરામાંથી બહાર રાખવો જોઈએ. આ સિવાય આ મામલે કાનૂની સ્થિતિ સ્પષ્ટ છે. 

FSI ચાર્જને જીએસટીના નિયમોથી  બહાર રાખવાની અપીલ
નોટિફિકેશન 14/2017 અને 12/2017 મુજબ કેન્દ્ર કે રાજ્ય સરકારો સ્થાનિક એકમો કે સરકારી પ્રાધિકરણો દ્વારા બંધારણની કલમ 243W  હેઠળ અપાયેલા કાર્યો પર જીએસટી લગાવી શકે નહીં. જેમાં શહેરી યોજના, ભૂમિ ઉપયોગ, અને ઈમારત નિર્માણનું નિયમન તથા સ્લમ સુધાર જેવા કાર્યો સામેલ છે. આથી એફએસઆઈ આપવું અને તેના પર ચાર્જ લગાવવો એ પણ આવા કાર્યોમાં આવે છે, જેના કારણે તેને જીએસટીથી બહાર રાખવો જોઈએ. 

ઘરોની માંગણી, સપ્લાય અને અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસરથી બચવા માટે ક્રેડાઈએ સરકારને એફએસઆઈ ચાર્જને જીએસટીથી બહાર રાખવાની અને હાલના નિયમો યથાવત રાખવાની અપીલ કરી છે જેથી કરીને હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર તેની નકારાત્મક અસર ન પડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news