Presidential Election 2022: ભાજપની મોટી બેઠક આજે, 14 નેતાઓની મદદથી બનશે ઇલેક્શન પ્લાન
Presidential Election 2022: ભાજપે કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના સમન્વયક બનાવ્યા છે. તો ભાજપે મહાસચિવ વિનોદ તાવડે અને સીટી રવિને સમિતિના ઉપ-સમન્વયક બનાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી રવિવારે મોટી બેઠક કરવા જઈ રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. ખાસ વાત છે કે પાર્ટીએ નડ્ડા અને રક્ષામંત્રી રાજનાથ સિંહને રાષ્ટ્રપતિ પદ માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહમતિ મેળવવાની જવાબદારી સોંપી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કાર્યક્રમ અનુસાર 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. તેના કારણે બાજપે રાજ્યોના એકમો અને સહયોગીઓ સાથે સમન્વય કરવા માટે 14 સભ્યોની સમિતિ બનાવી છે. ભાજપે કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના સમન્વયક બનાવ્યા છે. તો ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને સીટી રવિ સમિતિના ઉપ-સમન્વયક છે.
આ ટીમમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, અશ્વિની વૈષ્ણવ અને સર્વાનંદ સોનોવાલ, સંસદીય મામલાના મંત્રી અર્જુન રામ મેઘવાલ, સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પવાર, રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુઘ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડીકે અરૂણ અને રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હા સામેલ છે.
આ સિવાય ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખ વનતિ શ્રીનિવાસ, લોકસભા સાંસદ ડોક્ટર રાજદીપ રોય અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા આ સમિતિના સભ્યો છે. રવિવારે યોજાનારી આ બેઠકમાં સમિતિના સભ્યોને તેની જવાબદારી સોંપવામાં આવશે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી લખ્યું છે કે 14 સભ્યોને અલગ-અલગ રાજ્યોની જવાબદારી આપવામાં આવી શકે છે. આ સભ્યો રાજ્યમાં પહોંચશે અને ત્યાં કામ સંભાળશે.
તો વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્ત ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. 18 જુલાઈએ મતદાન બાદ 21 જુલાઈએ મતગણતરી થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે