રાજકોટના ક્રિશ્ના વોટરપાર્કમાં પોલીસની દારૂ પાર્ટી પર 'પોલીસની રેડ', 30ની ધરપકડ

એસઓજીના નિવૃત્ત કર્મચારીની પાર્ટી ચાલતી હતી, પાર્ટીમાં 45થી પણ વધારે પોલીસ કર્મચારીઓ હાજર હોવાની ચર્ચા છે, મોટી રાજકીય હસ્તીઓ પણ હાજર હોવાની શક્યતા 
 

રાજકોટના ક્રિશ્ના વોટરપાર્કમાં પોલીસની દારૂ પાર્ટી પર 'પોલીસની રેડ', 30ની ધરપકડ

રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ક્રિશ્ના વોટર પાર્ક પર મોડી રાત્રે પોલીસે દરોડા પાડ્યા છે. વોટર પાર્કમાં SOGના નિવૃત્ત કર્મચારીની પાર્ટી ચાલતી હતી. હાલ ક્રિશ્ના વોટર પાર્કના તમામ ગેટ બંધ કરી દેવાયા છે અને મીડિયા કર્મીઓને બહાર અટકાવી દેવાયા છે. વોટર પાર્કની બહાર પણ પોલીસનો મોટો ખડકલો કરી દેવાયો છે. 

રાજકોટના એસીપી ટંડેલ દ્વારા રેડ પાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્ટીની અંદર મોટા પ્રમાણમાં નિવૃત અને ફરજ પર હોય તેવા પોલીસ અધિકારીઓ પાર્ટીમાં હાજર હતા. પાર્ટીમાં મોટી રાજકીય હસ્તીઓ પણ હાજર હોવાની શક્યતા છે. 

પ્રાથમિક માહિતી અનુસાર SOGના નિવૃત્ત કર્મચારીના જન્મદિવસ નિમિત્તે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45થી વધુ ફરજ પરના અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ક્રિશ્ના વોટર પાર્કમાં મોટા પ્રમાણમાં મોંઘીદાટ ગાડીઓ પાર્ક કરાઈ હોવાનું દેખાઈ રહ્યું છે. આ દરમિયાન પાર્ટીમાં રહેલા કેટલાક લોકો ક્રિશ્ના વોટર પાર્કના પાછળના ભાગેથી દિવાલ કૂદીને ભાગી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

ક્રિશ્ના વોટરપાર્ક ભાજપના અગ્રહણી હરીભાઈ પટેલ અને ખેડૂત આગેવાન સુરેશભાઈ પટેલની માલિકીનો છે. ઝી 24 કલાકે જ્યારે ભાજપના અગ્રણી હરીભાઈ પટેલનો આ રેડ અંગે સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે, તેઓ હાલ બહાર છે પરંતુ તેમના મેનેજરનો પોલીસ દ્વારા રેડ પાડી હોવાની જાણ કરાઈ છે. તેમના ત્યાં નાની-મોટી જન્મદિવસની પાર્ટીઓ થતી રહે છે. મેનેજર પાર્ટીના દરેક આયોજકને ઓળખતો ન હોય.  

આંતરિક વર્તુળો પાસેથી મળેલી માહિતી અનુસાર, રાજકોટના પ્રખ્યાત ક્રિશ્ના વોટર પાર્કમાં આ રેડ રાજકોટ પોલીસ દ્વારા પાડવામાં આવી નથી. આ રેડ પાડવા માટે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તેના આધારે રાજકોટ પોલીસે રેડ પાડી છે. હાલ, આ રેડને અટકાવી દેવા અને દબાવી દેવા માટે ચારે તરફથી રાજકીય દબાણ થઈ રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

વિશાળ જમીન પર પથરાયેલા આ વોટરપાર્કમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા ફીટ કરેલા હોવાના કારણે વોટરપાર્કમાં કોણ આવ્યું અને કોણ બહાર ગયું તેની સંપૂર્ણ વિગતો કેદ થઈ હશે. જોકે, હાલ દરોડા પછી ક્રિશ્ના વોટર પાર્કના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે અને મીડિયાકર્મીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા છે.

રાજકોટ એસીપી એસ.આર ટંડેલે રેડ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, " પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ક્રિશ્ના વોટરપાર્કમાં પાર્ટી ચાલી રહી છે. અહીં 30 જેટલી વ્યક્તિઓ પાર્ટી હતા. તેમાં પુછપરછમાં જાણવા મળ્યું કે, રિટાયર્ડ પીએસઆઈ રાજભા વાઘેલાના જન્મદિવસની પાર્ટી હતી, જેનું તેમના સાળા દ્વારા આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં 10 જેટલા લોકો નશાની હાલતમાં હતા અને બાકીના 20 લોકોની પણ પુછપરછ કરવામાં આવી છે. નશાની હાલમાં રહેલા 10 વ્યક્તિમાંથી 5ની પાસે પરમીટ હતી, જ્યારે 5 વ્યક્તિ પાસે પરમીટ ન હતી. પકડાયેલા 30 લોકોમાં એક ડીવાયએસપી,  4 ASI અને 3 કોન્સ્ટેબલ છે. અહીં અમે પંચોની સાથે રેડ પાડી છે. અહીં કડકમાં કડક કાર્યવાહી કરીશું. પરમીટ ધરાવતા લોકોનું પણ બ્લડ સેમ્પલ લઈને તેમનો ટેસ્ટ કરાશે. પકડાયેલા 30 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે." 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news