PM મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- સૈનિકો આપશે જડબાતોડ જવાબ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થતા પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. 

PM મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- સૈનિકો આપશે જડબાતોડ જવાબ 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થતા પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. મન કી બાતની આ 48મી શ્રેણીમાં વડાપ્રધાને ભારતીય સેના અને સશસ્ત્ર દળોને ખુબ પ્રોત્સાહિત કર્યાં. આ સાથે જ સરહદપારથી પાડોશી દેશ દ્વારા ભારતીય જવાનો પર થઈ રહેલા કાયરતાપૂર્ણ હુમલાને લઈને પાકિસ્તાનને કડક સંદેશ પણ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે એ નક્કી થઈ ગયુ છે કે જે આપણા દેશમાં શાંતિ અને ઉન્નતિના માહોલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે તેમને આપણા સૈનિકો જડબાતોડ જવાબ આપશે. 

દરેક ભારતીય સૈનિકો પ્રત્યે પોતાનું સમર્થન દેખાડવા તત્પર-પીએમ
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, કદાચ જ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે જેને આપણા સશસ્ત્ર દળો, આપણા સેનાના જવાનો પર ગર્વ ન હોય. પ્રત્યેક ભારતીય પછી ભલે તે કોઈ પણ ક્ષેત્ર, ધર્મ, પંથ કે ભાષાનો કેમ ન હોય આપણા સૈનિકો પ્રત્યે તે સમર્થન દેખાડવા માટે હંમેશા તત્પર રહે છે. 

અમે પ્રોક્સી યુદ્ધની ધૃષ્ટતા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો-મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરતા પરાક્રમ પર્વ મનાવ્યું. જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર આતંકવાદની આડમાં પ્રપંચ યુદ્ધની ધૃષ્ટતા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પરાક્રમ પર્વ પર દેશમાં અલગ અલગ સ્થાનો પર આપણા સશસ્ત્ર દળોએ પ્રદર્શનો લગાવ્યાં જેથી કરીને નાગરિકો ખાસ કરીને યુવા પેઢી એ જાણી શકે કે આપણી તાકાત શું છે. આપણે કેટલા સક્ષમ છીએ અને કેવી રીતે આપણા સૈનિકો જીવ જોખમમાં નાખીને દેશવાસીઓની રક્ષા કરે છે. 

ભારત હંમેશા શાંતિ પ્રત્યે વચનબદ્ધ અને સમર્પિત રહ્યું-પીએમ
વડાપ્રધાને આગળ કહ્યું કે ભારત હંમેશા શાંતિ પ્રત્યે વચનબદ્ધ અને સમર્પિત રહ્યું છે. 20મી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં આપણા એક લાખથી વધુ સૈનિકોએ શાંતિ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. આજે પણ સંયુક્ત રાષ્ટ્રના અલગ  અલગ શાંતિ નિયંત્રણ દળોમાં ભારત સૌથી વધુ સૌનિક મોકલનારા દેશોમાંથી એક છે. 

સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નહીં પરંતુ સ્ત્રી શક્તિનું પણ યોગદાન-વડાપ્રધાન 
દેશમાં સ્ત્રી અને પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવા વાયુસેનાએ મિસાલ કાર્યક્રમ કરીને પોતાના પ્રત્યેક વિભાગના દ્વાર તેમના માટે ખોલી નાખ્યા છે. હવે મહિલાઓ પાસે શોર્ટ સર્વિસ કમિશનની સાથે સ્થાયી કમિશનનો વિકલ્પ પણ છે. જેની જાહેરાત વડાપ્રધાને લાલ કિલ્લા પરથી કરી છે. ભારત ગર્વથી કહી શકે છે કે ભારતની સેનામાં સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નહીં પરંતુ સ્ત્રી શક્તિનું પણ એટલું જ યોગદાન રહ્યું છે. નારી સશક્ત તો છે, હવે સશસ્ત્ર પણ બની રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news