આવતીકાલે PM મોદી પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2021નું કરશે ઉદ્ઘાટન
પ્રથમ પૂર્ણ સત્ર આત્મનિર્ભર ભારતમાં વિદેશી ભારતીય સમુદાયની ભૂમિકા પર રહેશે જેમાં વિદેશ મંત્રી તેમજ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સંબોધન કરશે જ્યારે બીજું પૂર્ણ સત્ર કોવિડ પછીના પડકારોનો સામનો - આરોગ્ય, અર્થતંત્ર, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર આધારિત રહેશે
Trending Photos
નવી દિલ્હી: પ્રવાસી ભારતીય દિવસ (PBD) એ વિદેશ મંત્રાલય દ્વારા યોજવામાં આવતી મુખ્ય યોજનાઓ પૈકી એક છે જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો સાથે જોડાવા અને સંકળાયેલા રહેવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. વિદેશમાં વસતા આપણા વાઇબ્રન્ટ ભારતીય સમુદાયની લાગણીઓને ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન કોવિડ મહામારી વચ્ચે પણ 9 જાન્યુઆરી 2021ના રોજ 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનના ઉપક્રમે તાજેતરમાં યોજવામાં આવેલી PBD પરિષદોની જેમ આ સંમેલન પણ વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવશે. 16મા PBD સંમેલન 2021ની થીમ "આત્મનિર્ભર ભારતમાં યોગદાન” રાખવામાં આવી છે.
PBD સંમેલન ત્રણ વિભાગમાં યોજવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PBD સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને સુરિનામ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખી અહીં મુખ્ય અતિથિ તરીકે સંમેલનમાં ઉપસ્થિતોને સંબોધન આપશે. યુવાનો માટે યોજવામાં આવેલી ઑનલાઇન પ્રશ્નોત્તરી સ્પર્ધા 'ભારત કો જાનીયે'ના વિજેતાઓના નામ પણ આ સંમેલન દરમિયાન જાહેર કરવામાં આવશે.
ઉદ્ઘાટન સત્ર બાદ બે પૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ પૂર્ણ સત્ર આત્મનિર્ભર ભારતમાં વિદેશી ભારતીય સમુદાયની ભૂમિકા પર રહેશે જેમાં વિદેશ મંત્રી તેમજ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સંબોધન કરશે જ્યારે બીજું પૂર્ણ સત્ર કોવિડ પછીના પડકારોનો સામનો - આરોગ્ય, અર્થતંત્ર, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર આધારિત રહેશે જેમાં આરોગ્ય મંત્રી તેમજ વિદેશમંત્રી સંબોધન આપશે. બંને પૂર્ણ સત્રોમાં અગ્રણી વિદેશી ભારતીય નિષ્ણાતોને આમંત્રિત કરીને પેનલ ચર્ચા પણ યોજવામાં આવશે.
અંતે સમાપન સત્રનું આયોજન કરવામાં આવશે જેમાં રાષ્ટ્રપતિ પ્રવાસી ભારતીય દિવસના પ્રસંગને અનુલક્ષીને સમાપન સંબોધન આપશે. વર્ષ 2020-21 માટે પ્રવાસી ભારતીય સન્માન વિજેતાઓના નામની પણ જાહેરાત કરવામાં આવશે. પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એવા પસંદગીના વિદેશી ભારતીયોને આપવામાં આવે છે જેમણે ભારત અને વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપ્યું હોય. તેમની સિદ્ધિઓને ધ્યાનમાં લઇને આ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે.
8 જાન્યુઆરી 2021ના રોજ "ભારત અને વિદેશી ભારતીય સમુદાયમાંથી સફળ યુવાનોને એકજૂથ કરવા” થીમ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી યુવા PBDની ઉજવણી કરવામાં આવશે અને યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. આ કાર્યક્રમના વિશેષ અતિથિ ન્યૂઝીલેન્ડના સામુદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર મંત્રી પ્રિયંકા રાધાક્રિશ્નન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે