ખેડૂતોને આપેલી આર્થિક મદદ 'ખૈરાત' નથી, પરંતુ દેશના અન્નદાતાઓનું સન્માન છેઃ પીયુષ ગોયલ

વિરોધ પક્ષ પર નિશાન સાધતાં ગોયલે જણાવ્યું કે, એસી રૂમમાં બેસનારા લોકો એ જાણતા નથી કે રૂ.6,000 કેટલા મહત્વના છે 

ખેડૂતોને આપેલી આર્થિક મદદ 'ખૈરાત' નથી, પરંતુ દેશના અન્નદાતાઓનું સન્માન છેઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ સમાચાર એજન્સી ANIને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "ખેડૂતોને આપવામાં આવેલી આર્થિક મદદ એ 'ખૈરાત' નથી, પરંતુ આ દેશના 12 કરોડ અન્નદાતાઓનું સન્માન છે. " વિરોધ પક્ષ પર નિશાન સાધતા ગોયલે જણાવ્યું કે, એસી રૂમમાં બેસતા લોકો એ નથી જાણતા કે રૂ.6000 કેટલા મહત્વપૂર્ણ હોય છે, જોકે ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે ખેડૂતો અત્યારે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 

ગોયલે જણાવ્યું કે, "ખેડૂત આ રકમનો ઉપયોગ દવા ખરીદવા, ખાતર-બિયારણ ખરીદવા માટે કરી શકે છે. આ પ્રકારની અગાઉ કોઈ યોજના ન હતી. પીએમ મોદી ખેડૂતોની વધુ ચિંતા કરી રહ્યા છે. અગાઉની સરકારોએ ખેડૂતો અને લોકોના આરોગ્યની ચિંતા કરી નથી. અમે ગામડાઓને વીજળી આપી છે અને ગ્રામીણ ભારતના લોકો માટે આયુષમાન ભારત યોજના લોન્ચ કરી છે."

ખેડૂતોની ધિરાણમાફી અંગે તેમણે કોંગ્રેસને ઘેરતા જણાવ્યું કે, કોંગ્રેસે માત્ર લાંબા વચનો આપ્યા છે અને ગણતરીના લોકોનું ધિરાણ માફ કર્યું છે. ગોયલે દેશમાં બેરોજગારી દર 2017-18માં 45 વર્ષના સર્વોચ્ચ સતર 6.1 ટકા સુધી પહોંચી જવા અંગેના રિપોર્ટનો ફગાવી દેતા જણાવ્યું કે, મોદી સરકારે છેલ્લા સાડા ચાર વર્ષના કાર્યકાળમાં વિવિધ પ્રોજેક્ટ અને આધારભૂત માળખાઓ દ્વારા રોજગાર આપ્યા છે. તેમણે જણાવ્યું કે, 'વડા પ્રધાન મોદીએ સમાજના તમામ વર્ગો માટે કામ કર્યું છે અને સાહસિક પગલાં લીધાં છે.'

ગોયલને જ્યારે પુછવામાં આવ્યું કે, એનડીએ શાસનકાળમાં પણ ખેડૂતોની આત્મહત્યાની અનેક ઘટનાઓ સામે આવી છે. આ સવાલના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું કે, 'મોદી સરકારે ખેડૂતો પર ઘણું ધ્યાન આપ્યું છે. અમે ખેડૂતોને એક વર્ષમાં ત્રણ પાક લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. મોદી સરકાર ખેડૂતોને શિક્ષિત કરવા અને તેમને વધુ સારી સિંચાઈ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહી છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news