પાક.ની કસ્ટડીમાં પાઈલટઃ પીએમ મોદીએ બોલાવી ત્રણેય સેના પ્રમુખ સાથે ઉચ્ચસ્તરીય બેઠક
ભારતીય વાયુસેનાના પાઈલટના પાકિસ્તાનના કબ્જામાં હોવાની પુષ્ટિ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મોડી સાંજે બીજી વખત હાઈલેવલ મીટિંગ બોલાવી હતી. તેમની સાથેની આ બેઠકમાં ભારતની ત્રણેય સેનાના પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના પાઈલટના પાકિસ્તાનના કબ્જામાં હોવાની પુષ્ટિ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મોડી સાંજે બીજી વખત હાઈલેવલ મીટિંગ બોલાવી હતી. તેમની સાથેની આ બેઠકમાં ભારતની ત્રણેય સેનાના પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ બુધવારે સવારે પણ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. સાંજની બેઠક લગભગ 1 કલાક અને 20 મિનિટ સુધી ચાલી હતી.
નવી દિલ્હીમાં મોડી સાંજે પીએમ મોદીના 7, લોકકલ્યાણ માર્ગ ખાતે આવેલા નિવાસસ્થાને હાઈલેવલની મિટિંગ મળી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના કબ્જામાં રહેલા ભારતીય પાઈલટ અંગે અને ભારતની આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે બપોરે પાકિસ્તાનને જણાવ્યું છે કે, અમારા પાઈલટને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચવું ન જોઈએ. ભારતીય પાઈલટને તાત્કાલિક છોડી મુકવાની સાથે ભારતે જણાવ્યું કે, પાકિસ્તાને આ પ્રકારના વીડિયો વાઈરલ કરીને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જીનેવા કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાન દ્વારા સાંજે સોશિયલ મીડિયામાં તેણે પકડેલા ભારતીય પાઈલટના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરાયા હતા. ભારતે આ બાબતનો કડક શબ્દોમાં વાંધો ઉઠાવાયો છે અને જણાવાયું છે કે, તે પાકિસ્તાન આ પ્રકારની નાપાક હરકતો કરવાનું બંધ કરી દે. આમ કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
મોડી સાંજે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને તાત્કાલિક બોલાવ્યા હતા. ભારત સરકાર તેમને પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદની હાજરી અંગેના પુરાવા સાથેનું ડોઝિયર સોંપ્યું હતું અને જણાવ્યું કે, પાક. સેનાની કસ્ટડીમાં રહેલા ભારતીય પાઈલટને કોઈ પણ જાતનું નુકસાન પહોંચવું જોઈએ નહીં. સાથે જ તેને તાત્કાલિક સુરક્ષિત છોડી મુકવાની પણ માગણી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે મંગળવારે કરેલા હુમલાના જવાબમાં પાકિસ્તાને બુધવારે ભારતમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. તે વિમાનમાંથી પેરાશૂટથી એક પાયલોટને ઉતરતા પણ જોવા મળ્યો હતો, આ કાર્યવાહીમાં ભારતની મીગ-21 પણ તુટી પડ્યું હતું પાકિસ્તાન તરફથી ભારતીય પાઈલટને પોતાના કબ્જામાં લેવાનો દાવો કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે