સંસદીય સમિતીએ FB, વોટ્સએપને ફેક ન્યૂઝથી બચવા કહ્યું, ECIના સંપર્કમાં રહેવા આદેશ

દેશમાં આવી રહેલી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈટી અંગે બનેલી સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ સાવચેત રહેવા માટે કેટલાક સુચનો કર્યા છે 

સંસદીય સમિતીએ FB, વોટ્સએપને ફેક ન્યૂઝથી બચવા કહ્યું, ECIના સંપર્કમાં રહેવા આદેશ

નવી દિલ્હીઃ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબૂકને ફેક ન્યૂઝ બાબતે સાવચેતી રાખવા સુચન કર્યું છે. સાથે જ તેમને ભારતીય ચૂંટણીપંચ સાથે સતત સંપર્કમાં રહેવા પણ જણાવાયું છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સંસદીય સમિતિએ ફેસબૂક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખવા માટે તેમણે લીધેલાં પગલાં અંગેનો રિપોર્ટ માગ્યો છે. અનુરાગ ઠાકુરના નેતૃત્વવાળી સમિતી આજે મળી હતી અને તેમણે સોશિયલ મીડિયા કંપનીઓને દેશમાં ફેક ન્યૂઝ ફેલાવા માટે લીધેલા પગલાં અંગેની વિગતો આપવા જણાવ્યું છે. 

સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જણાવ્યું છે કે, રાજકીય પક્ષની તરફેણ, પ્લેટફોર્મનો દુરૂપયોગ અને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સમાજમાં વેરભાવ પેદા કરવા જેવા મુદ્દાઓનો સામનો કરવા માટે કેવા પગલાં લીધા છે તેની જાણ કરવાની રહેશે. 

આજની મીટિંગમાં ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામના અધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યારે ટ્વીટર તરફથી કોઈ પ્રતિનિધિ આવ્યો ન હતું. ફેસબુક તરફથી હાજર રહેલા વાઈસ પ્રેસિડન્ટ જોએલ કપલાને જણાવ્યું કે, તેઓ તેમનાં મીડિયા પ્લેટફોર્મ પર નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. તેમણે ફેસબૂકના કર્મચારીઓ દ્વારા આતંકવાદ અને પુલવામા હુમલા અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે માફી પણ માગી હતી. 

સ્ટેટિસ્ટા ડોટ કોમ અનુસાર ભારતમાં ફેસબૂકના 300 મિલિયન, વોટ્સએપના 200 મિલિયન અને ઈન્સ્ટાગ્રામના 75 મિલિયન યુઝર્સ છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુ પારદર્શક્તા લાવવા માટે ફેસબૂક દ્વારા રાજકીય જાહેરાતો માટે એક નવું ટૂલ ઊભું કરવામાં આવ્યું છે. જે કોઈ રાજકીય જાહેરાત કરવા માગે તેણે પોતાની ઓળખ અને સ્થળની માહિતી આપવાની રહેશે. સાથે જ આ જાહેરાત કોના દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે અને તેનું પેમેન્ટ કોના દ્વારા કરાયું છે તેની વિગતો પણ આપવાની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news