પી. ચિદમ્બરમની ધરપકડ અને અમર્યાદિત સંપત્તિ મુદ્દે પરિવારે શું કહ્યું? જાણવા કરો ક્લિક....
દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની INX મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને રિમાન્ડ પર મોકલવામાં આવેલા છે ત્યારે મીડિયામાં આવી રહેલા અહેવાલોને પગલે તેમના પરિવાર દ્વારા વિશેષ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની INX મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને રિમાન્ડ પર મોકલવામાં આવેલા છે ત્યારે મીડિયામાં આવી રહેલા અહેવાલોને પગલે તેમના પરિવાર દ્વારા વિશેષ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
ચિદમ્બરમના પરિવારે જણાવ્યું છે કે, "છેલ્લા કેટલાક દિવસોથી પી. ચિદમ્બરમ સામે મીડિયામાં જે તદ્દન પાયાવિહોણા અને પુરવાર થયા વગરના આરોપો પ્રકાશિત થઈ રહ્યા છે તેનાથી અમે અત્યંદ દુખી છીએ. અમે જાણીએ છીએ કે, આમ કરવા પાછળનો સરકારનો હેતુ માત્ર પી ચિદમ્બરમની છબી ખરાબ કરવાનો અને તેમને હેરાન-પરેશાન કરવાનો છે. અમને એ વાતનું વધુ દુખ છે કે મીડિયા પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ નથી કરી રહ્યું."
પરિવારે વધુમાં જણાવ્યું કે, "કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધી નિર્દોષ જ માનવામાં આવે છે જ્યાં સુધી તેને કાયદાની અદાલતમાં દોષી સાબિત કરવામાં ન આવે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સત્ય તો આખરે સામે આવશે. પી. ચિદમ્બરમ છેલ્લા 50 વર્ષથી જાહેર જીવન ગુજારી રહ્યા છે અને તેમની પ્રામાણિક્તા અને કામને માત્ર બદનામી દ્વારા વખોડી શકાશે નહીં."
"અમારો એક નાનકડો પરિવાર છે અને અમે ગર્ભશ્રીમંત છીએ. અમારી તમામ સંપત્તિની વિગતો આવકવેરા વિભાગ પાસે છે. અમે નાણાના ભૂખ્યા નથી અને ગેરકાયદે પ્રવૃત્તિ દ્વારા પૈસા કમાવાની અમારે કોઈ જરૂર પણ નથી. વિવિધ દેશોમાં અમારી સંપત્તિ છે, અમારા અસંખ્ય બેન્ક એકાઉન્ટ છે અને સંખ્યાબદ્ધ શેલ કંપનીઓમાં અમારું રોકાણ છે વગેરે જેવા આરોપોથી અમને આશ્ચર્યની સાથે આઘાત પહોંચ્યો છે."
પરિવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "આ બધી વાતો માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી છે. ઉપજાવી કાઢેલી વાતો એક દિવસ દફન થઈ જતી હોય છે. અમે આ સરકારને પડકાર ફેંકીએ છીએ કે, તેઓ દુનિયાના કોઈ પણ દેશમાં આવેલા અમારા કોઈ છુપા બેન્ક એકાઉન્ટ, છુપી સંપત્તી અથવા શેલ કંપની અંગેનો પુરાવો રજુ કરે."
પરિવારે મીડિયાને અપીલ કરતા જણાવ્યું કે, "અમારી આપને વિનંતી છે કે તેઓ સંયમ જાળવે, પોતાની પ્રતિષ્ઠા જાળવે અને સ્વતંત્રતાનો સદુપયોગ કરે. હંમેશાં યાદ રાખે કે 'કાયદાનું શાસન' જ આપણા સૌની સુરક્ષા કરશે."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે