NDA vs PDA:: કોણ કોના પર ભારે? વિપક્ષની એકજૂથતાના જવાબમાં કાલે NDA નો મેગા શો

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ એકજૂથ વિપક્ષની દિશામાં જૂનમાં પટણામાં પહેલી બેઠક યોજાઈ હતી. બિહારના સીએમ નીતિશકુમાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં લગભગ 15 પક્ષ સામેલ થયા હતા. ત્યારબાદ 17-18 જુલાઈના રોજ બીજા રાઉન્ડની બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે 24 પક્ષોના નેતાઓએ હા પાડી છે. બીજી બાજુ એકજૂથ થતા વિપક્ષના તોડ માટે ભાજપે પણ નાના પક્ષોને સાથે લાવવા માટે સંપર્ક શરૂ કરી દીધો છે.

NDA vs PDA:: કોણ કોના પર ભારે? વિપક્ષની એકજૂથતાના જવાબમાં કાલે NDA નો મેગા શો

ઉત્તર પ્રદેશમાં ઓમ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં જોડાઈ ગઈ છે. ઓમ પ્રકાશ રાજભરે રવિવારે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી. ત્યારબાદ અમિત શાહે ટ્વીટ કરીને રાજભરની પાર્ટીના NDA ગઠબંધનમાં સામેલ થવાની જાણકારી આપી. શાહે કહ્યું કે રાજભરજીના આવવાથી યુપીમાં એનડીએને મજબૂતી મળશે. સુહેલદેવ પાર્ટી 2017માં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. 2017માં રાજભર યોગી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. પરંતુ ત્યારબાદ એનડીએમાંથી અલગ થઈ ગા અને 2022માં તેમણે સપા સાથે મળીને ચૂંટણી લડી.  સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એવા સમયે એનડીએમાં જોડાઈ છે જ્યારે બેંગલુરુમાં 17-18 જુલાઈના રોજ ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે. એવું કહેવાય છે કે આ બેઠકમાં 24 પાર્ટીઓ સામેલ થશે. એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે લોકસભા ચૂંટણીમાં...વિપક્ષી દળોનું નવું ગઠબંધ (PDA) ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં લાગ્યું છે. જ્યારે ભાજપના નેતૃત્વવાળું એનડીએ વિપક્ષનો તોડ શોધવામાં મગ્ન છે. 

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ એકજૂથ વિપક્ષની દિશામાં જૂનમાં પટણામાં પહેલી બેઠક યોજાઈ હતી. બિહારના સીએમ નીતિશકુમાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં લગભગ 15 પક્ષ સામેલ થયા હતા. ત્યારબાદ 17-18 જુલાઈના રોજ બીજા રાઉન્ડની બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે 24 પક્ષોના નેતાઓએ હા પાડી છે. બીજી બાજુ એકજૂથ થતા વિપક્ષના તોડ માટે ભાજપે પણ નાના પક્ષોને સાથે લાવવા માટે સંપર્ક શરૂ કરી દીધો છે. રાજભરનું એનડીએમાં જોડાવવું એ વાતનો સંકેત છે કે ભાજપ પોતાના જૂના સહયોગીઓને 2024 લોકસભા ચૂંટણી પહેલા સાથે લાવવામાં લાગી ગયો છે. 

ભાજપે પણ બોલાવી બેઠક
વિપક્ષી દળોની બેઠકોના જવાબમાં ભાજપે પણ 18 જુલાઈના રોજ એનડીએના સહયોગીઓની એક બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપે પોતાના તમામ જૂના પક્ષોને બેઠકમાં સામેલ થવા માટે બોલાવ્યા છે. ભાજપના આમંત્રણ પર 19 પક્ષો બેઠકમાં સામેલ થવાની પુષ્ટિ કરી ચૂક્યા છે. ભાજપે બોલાવેલી આ બેઠકમાં ચિરાગ પાસવાન (લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), ઉપેન્દ્ર કુશવાહા (લોકસમતા પાર્ટી), જીતનરામ માંઝી (હિન્દુસ્તાન અવામ મોરચા), સંજય નિષાદ (નિષાદ પાર્ટી), અનુપ્રિયા પટેલ (અપના દલ), પવન કલ્યાણ (જનસેના), ના સામેલ થવાની ચર્ચા છે. એટલું જ નહીં ચિરાગના કાકા પશુપતિનાથ પારસ જૂથને પણ એનડીએની બેઠકમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા છે. 

આ ઉપરાંત હરિયાણામાં ભાજપની સહયોગી જનનાયક જનતા પાર્ટી, તમિલનાડુની એઆઈએમડીએમકે, તમિલ મનીલા કોંગ્રેસ, ઈન્ડિયા મકક્લ કલવી મુનેત્ર કડગમના નેતા આ બેઠકમાં સામેલ થશે. એટલું જ નહીં ઝારખંડના આજસૂ, મેઘાલયની એનપીપી, નાગાલેન્ડની એનડીપીપી, મિઝો નેશનલ ફ્રન્ટ, અસમ ગણ પરિષદ, સિક્કિમમાં ભાજપની સહયોગી એસકેએમએ પણ બેઠકમાં સામેલ થવાની હા પાડી દીધી છે. 

બીજી બાજુ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે (શિવસેના) અને એનસીપીના અજિત પવાર જૂથને પણ બેઠક માટે આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ભાજપ એનડીએમાં પોતાના જૂના સહયોગી શિરોમણી અકાલી દળ અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને પણ પોતાની સાથે લાવવાની કોશિશમાં લાગી છે. જો કે વાતચીત હજુ સુધી આ પાર્ટીઓ સાથે બનતી જોવા મળી રહી નથી. 

નાની પાર્ટીઓ પર ભાજપની નજર
ભાજપે જ્યાં યુપીમાં રાજભરને એનડીએમાં સામેલ કરાવ્યાં ત્યાં બિહારમાં ચિરાગ પાસવાન જૂથને પણ બેઠક માટે આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહા, જીતનરામ માંઝી, ઝારખંડની આજસૂ ઉપર પણ સરકારની નજર છે. હકીકતમાં ભાજપનું એવું માનવું છે કે જો રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ એકજૂથ થઈને ચૂંટણી લડે તો આ નાની પાર્ટીઓના 5-6 ટકા મત તેમના માટે ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. 

2014માં બિહારમાં ભાજપ આ  રણનીતિમાં સફળ થઈ હતી. ત્યારે તેણે નાના પક્ષોના સહારે રાજ્યમા મોટી લીડ મેળવી હતી. 2014 લોકસભા ચૂંટણીમાં એનડીએને બિહારમાં 31, જ્યારે યુપીએને 7 બેઠકો મળી હતી. આવામાં યુપી-બિહાર, ઝારખંડ, હરિયાણા જેવા રાજ્યો જ્યાં અનેક પ્રાદેશિક પક્ષો છે ત્યાં ભાજપ માટે નાના નાના પક્ષો મહત્વના સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમિલનાડુ, પંજાબ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં જો AIADMK, શિરોમણી અકાલી દળ અને તેલુગુ દેશમ પાર્ટી જેવી પાર્ટીઓ ભાજપ સાથે આવે તો તેમનું પ્રદર્શન પણ ભાજપ માટે મહત્વનું સાબિત થશે. 

વિપક્ષની 24 વિરુદ્ધ NDA ની 19...કોણ શક્તિશાળી?
વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં 24 પક્ષો જોડાવવા જઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ, ટીએમસી, જેડીયુ, આરજેડી, આમ આદમી પાર્ટી, જેવા મોટા પક્ષો પણ સામેલ છે. જો કે આ બેઠકમાં મહારાષ્ટ્રમાંથી સામેલ થનારી શિવસેના અને એનસીપીમાં હવે બે ફાડિયા થઈ ગયા છે. એક જૂથ એનડીએમાં અધિકૃત રીતે સામેલ થઈ ચૂક્યું છે. 

વિપક્ષી બેઠકમાં સામેલ થનારા પક્ષો નંબર ગેમમાં કેટલા મજબૂત?

પાર્ટી                              2019માં લોકસભા ચૂંટણી      મત

કોંગ્રેસ                                    52                         19 ટકા
ટીએમસી                                22                         4.1 ટકા
સીપીઆઈ                               02                         0.6 ટકા
સીપીઆઈએમ                         03                         1.8 ટકા
જેડીયુ                                     16                         1.5 ટકા
ડીએમકે                                  23                         2.3 ટકા
આમ આદમી પાર્ટી                   01                         0.4 ટકા
ઝારખંડ મુક્તિ મોરચા               01                         0.3 ટકા
આરજેડી                                 00                         1.1 ટકા
સમાજવાદી પાર્ટી                     05                         2.6 ટકા
જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ 03                   0.05 ટકા
પીડીપી                                  00                          0.02 ટકા
સીપીઆઈ (ML)                     00                          0.1 ટકા
આરએલડી                             00                          0.2 ટકા
ઈન્ડિયન મુસ્લિમ લીગ              03                          0.3 ટકા
કેરળ કોંગ્રેસ (એમ)                   01                          0.1 ટકા
એમડીએમકે                              -
વીસીકે                                    -
આરએસપી                               -
કેરળ કોંગ્રેસ                             -
એઆઈએફબી                           - 

કુલ 22 પક્ષો                           124 બેઠકો                                          34.47 ટકા કુલ મત

આ 22 પક્ષો ઉપરાંત વિપક્ષી દળની બેઠકમાં ઉદ્ધવ જૂથની શિવસેના અને શરદ પવારની એનસીપી પણ સામેલ થશે જો કે બંને પાર્ટીઓ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે અને બંને પક્ષોનું બીજુ જૂથ એનડીએની બેઠકમાં સામેલ થશે. 2019માં શિવસેનાએ 18 બેઠક જીતી હતી અને તેના મોટાભાગના સાંસદો  હાલ એકનાથ શિંદે જૂથમાં છે. જ્યારે એનસીપીએ 2019માં 5 સીટ જીતી હતી જો કે કેટલાક સાંસદ હજુ કયા જૂથમાં છે તે નક્કી થયું નથી. 

NDA ની બેઠકમાં સામેલ થનારા પક્ષોની કેટલી તાકાત?

પાર્ટી                                                                 2019માં બેઠકો                    મતોની ટકાવારી

ભાજપ                                                                     303                            37.3 ટકા મત
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) + LJP (પશુપતિ પારસ) 6                             0.5 ટકા
લોક સમતા પાર્ટી                                                           -                             0.24 ટકા
હિન્દુસ્તાન અવામ મોરચા                                               -                             0.16 ટકા
નિષાદ પાર્ટી                                                                 -                                -
અપના દલ (સોનેલાલ)                                                   2                             0.2 ટકા
જનનાયક જનતા પાર્ટી                                                   -                              0.1 ટકા
જનસેના                                                                     -                               0.31 ટકા
એઆઈએમડીએમકે                                                     1                              1.35 ટકા
તમિલ મનીલા કોંગ્રેસ                                                    -                               0.04 ટકા
ઈન્ડિયા મક્કલ કલવી મુનેત્ર કડગમ                                 -                                   -
આજસૂ                                                                      1                               0.11 ટકા
એનપીપી                                                                   1                                0.07 ટકા
એનડીપીપી                                                                1                                0.08 ટકા
એસકેએમ                                                                  1                                0.03 ટકા
મિઝો નેશનલ ફ્રન્ટ                                                      1                                 0.04 ટકા
અસમ ગણ પરિષદ                                                      -                                 0.24 ટકા
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી                                     -                                 0.05 ટકા

                                                                   કુલ સીટો- 317                       મતોની ટકાવારી 40.81 ટકા

આ ઉપરાંત ભાજપ તરપથી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

આ પક્ષો કોઈની સાથે નહીં!
ઓડિશાની બીજેડી, આંધ્ર પ્રદેશની વાયએસઆર કોંગ્રેસ સહિત અનેક એવા પક્ષો છે જેમણે પોતાના પત્તા ખોલ્યા નથી. આ પક્ષો ન તો ભાજપ સાથે કે ન તો કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનમાં સામેલ છે.  બીજેડી, વાયએસઆર અને કોંગ્રેસ સહિત આ પક્ષોમાં જેડી(એસ), બસપા, અકાલી દળ, તેલુગુ દેશમ પાર્ટી, બીઆરએસ જેવા મોટા નામ પણ સામેલ છે. આ પાર્ટીઓ હજુ કોઈ સાઈડ ગઈ નથી. બીઆરએસને બાદ કરીએ તો બાકીના 6 પક્ષો (બીજેડી, વાયએસઆર, જેડીએસ, અકાલી દળ, ટીડીપી, બસપા) નવા સંસદના ઉદ્ધાટન પ્રસંગે ભાજપને સંમર્થન આપી ચૂક્યા છે. આ પક્ષો પાસે લોકસભામાં લગભગ 50થી વધુ સાંસદ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીઓ ચૂંટણીના પરિણામ બાદ પોતાના પત્તા ખોલી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news