પાર્કિંગની જગ્યા નહી હોય તો તમે કાર નહી ખરીદી શકો...
જો તમે નવી કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા આયોજન પર પાણી ફેરવી શકે છે
Trending Photos
નવી દિલ્હી : જો તમને કોઇ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા પ્લાન પર પાણી ફેરવી દેશે. આ સમાચારને વાંચીને તમને જરૂર આંચકો લાગશે. વાત જાણે એમ છે કે, બેંગ્લોર ટ્રાન્સપોર્ટ વિભાગ એક નવો નિયમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જો આ નિયમ બન્યો તો તમારૂ ગાડી ખરીદવાનું સ્વપન પુરૂ ના પણ થાય તેવી શક્યતાઓ છે. જેમની પાસે પાર્કિંગ માટે ડેડિકેટેડ સ્પેસ નથી તેઓ ગાડી નહી ખરીદી શકે.
વાહન વ્યવહાર મંત્રી ડીસી થમન્નાએ કહ્યું કે, આવો નિર્ણય લેતા પહેલા ટ્રાન્સપોર્ટ વિભાગ લોકોને કાર પૂલિંગ માટે અપીલ કરશે અને એક અભિયાન ચલાવશે. જેમાં લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવા માટે કહેવામાં આવશે. થનમ્નાએ કહ્યું કે, બેંગ્લુરૂ શહેરમાં ટ્રાફીક એક મોટી સમસ્યા છે અને તેવામાં ઘણા બધા લોકો જેમણે એક કરતા વધારે ફોર વ્હીલર ખરીદેલી છે તેઓનાં કારણે આ સમસ્યા વધારે થાય છે.
જે લોકો પાસે ડેડિકેટેડ પાર્કિંગ નથી તેઓ રસ્તા પર વાહન પાર્ક કરે છે અને તેવામાં રસ્તા પર જામની પરિસ્થિતી સર્જાય છે. આ સમસ્યા ધીરે ધીરે વધી રહી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે કહ્યું કે, જામની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે કાર પુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ એક સારો વિકલ્પ છે. તેમણે કહ્યું કે, ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી એક પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યું છે. ડિઝલથી ચાલનારા વાહનો પર પણ પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.
તે ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતી સુધારવા માટે બેંગ્લુરૂનાં ટ્રાન્સપોર્ટ વિભાગની તરફથી 80 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે. આ બસની ખરીદીને મજુરી મળી ચુકી છે અને 70 બસો માટે પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ફ્રી બસ પાસના કોંગ્રેસનાં વચન અનુસાર મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામી ટુંકમાં જ આ મુદ્દે જાહેરાત કરશે. રાજ્યનાં આશરે 19.60 લાખ વિદ્યાર્થીઓને ફ્રી બસ પાસ આપવાનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે , જામ અને પ્રદૂષણની દિવસે દિવસે વકરતી સમસ્યાનાં ઉકેલ માટે દેશનાં દરેક વિસ્તારમાં અલગ અલગ પદ્ધતીઓ પર વિચારણા ચાલી રહી છે. ગત્ત દિવસોમાં યુપીનાં નોએડામાં પણ આ પ્રકારનાં આઇડિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનાં હેઠલ પાર્કિંગ સ્પેસ હોય તેવી વ્યક્તિની કારનું જ રજીસ્ટ્રેશન થાય તેવુ તંત્ર વિકસાવવા માટેની વાત કરવામાં આવી હતી. જો કે હજી સુધી આ નિયમ નથી બની શક્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્કિંગ અને ટ્રાફીકની વકરતી જતી સમસ્યાને ધ્યાને રાખીને દરેક રાજ્ય સરકારો આ અંગે પગલા ઉઠાવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ આ પ્રકારનું કોઇ પગલું ઉઠાવે તો નવાઇ નહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે