ખુલીને UCC ના વિરોધમાં ઉતર્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, લો કમિશનને જણાવી પોતાની આપત્તિ
Uniform Civil Code: દેશના મુસલમાનોના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સમાન નાગરિક સંહિતા (UCC) પર પોતાની આપત્તિ સંબંધિત દસ્તાવેજ બુધવારે બોર્ડની જનરલ સભામાંથી પાસ થયા બાદ વિધિ આયોગને મોકલી દીધો.
Trending Photos
Uniform Civil Code: દેશના મુસલમાનોના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સમાન નાગરિક સંહિતા (UCC) પર પોતાની આપત્તિ સંબંધિત દસ્તાવેજ બુધવારે બોર્ડની જનરલ સભામાંથી પાસ થયા બાદ વિધિ આયોગને મોકલી દીધો. બોર્ડના પ્રવક્તા કાસિમ રસૂલ ઈલિયાસે જણાવ્યું કે બોર્ડની કાર્યસમિતિએ ગત 27 જૂનના રોજ યુસીસીને લઈને તૈયાર કરાયેલા પ્રતિવેદનના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી જેને આજે ઓનલાઈન માધ્યમથી થયેલી બોર્ડની સાધારણ સભામાં વિચાર માટે રજૂ કરાયો.
તેમણે જણાવ્યું કે બેઠકમાં આ ડ્રાફ્ટને સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને વિધિ આયોગ પાસે મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે વિધિ આયોગે યુસીસી પર વિવિધ પક્ષકારો અને હિતધારકોને પોતાની આપત્તિઓ જમા કરાવવા માટે 14 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જો કે બોર્ડે તેને છ મહિના સુધી આગળ વધારવાની અપીલ કરી હતી.
બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ UCC ને લઈને વિધિ આયોગ સમક્ષ પ્રસ્તુત કરાયેલી આપત્તિમાં બોર્ડે કહ્યું છે કે આયોગ તરફથી આ કડીમાં અપાયેલી નોટિસ અસ્પષ્ટ અને ખુબ જ સાધારણ જેવી છે. તેમાં કહેવાયું છે કે આયોગ આ અગાઉ પણ યુસીસીને લઈને જનમત લઈ ચૂક્યું છે અને તે સમયે તે એ તારણ પર પહોંચ્યુ હતું કે યુસીસી ન તો જરૂરી છે કે ન તો વાંછિત, આવામાં આયોગે પોતાની દાનતની કોઈ બ્લ્યુપ્રિન્ટ સામે રાખ્યા વગર ફરીથી તેના પર જનમત માંગ્યો છે જેનું ઔચિત્ય નથી.
બોર્ડે પોતાની પ્રતિવેદનમાં ભારતના બહુલતાવાદી સિદ્ધાંતો, વ્યાપક વિવિધતા અને બહુસાંસ્કૃતિક પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડે પ્રતિવેદનમાં કહ્યું છે કે દેશમાં વિભિન્ન સમુદાયોના વિવિધ પર્સનલ લો લાગૂ છે જે ભારતના બંધારણમાં વર્ણિત ધાર્મિક-સાંસ્કૃતિ અધિકારો હેઠળ સંરક્ષિત છે.
બોર્ડે કહ્યું કે ભારતનું બંધારણ પોતાનામાં સમાનતાપૂર્ણ નથી અને તેમાં વિવિધ સમુદાયો માટે અલગ અલગ સામંજસ્ય કરાયેલું છે. વિવિધ ક્ષેત્રો માટે અલગ અલગ આચરણ નક્કી કરાયું છે અને વિવિધ સમુદાયને તે સંબંધિત વિવિધ અધિકારો અપાયા છે.
બોર્ડે એમ પણ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોર્ડ શું છે તેનો જવાબ ભલે સરળ લાગતો હોય પરંતુ તે જટિલતાઓથી ભરેલો છે. વર્ષ 1949માં જ્યારે યુસીસી પર બંધારણીય સભામાં ચર્ચા થઈ હતી ત્યારે આ જટિલતાઓ ઊભરીને સામે આવી હતી અને મુસ્લિમ સમુદાયે પણ તેનો પૂરજોશમાં વિરોધ કર્યો હતો. તે સમયે ડોક્ટર ભીમરાવ આંબેડકરના સ્પષ્ટીકરણ બાદ આ વિવાદ સમાપ્ત થયો હતો. આંબેડકરે કહ્યું હતું કે આ બિલકુલ અશક્ય છે કે ભવિષ્યની સંસદ એક એવી જોગવાઈ કરી શકે છે કે સંહિતા ફક્ત એવા લોકો પર લાગૂ થશે જે તેમના માટે તૈયાર થવાની જાહેરાત કરશે, આથી સંહિતાને લાગૂ કરવાની શરૂઆતની સ્થિતિ સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક હશે.
ઈલિયાસે જણાવ્યું કે બેઠકમાં બોર્ડના 251માંથી લગભગ 250 સભ્યો સામેલ થયા. બેઠકમાં તમામ સભ્યોને કહેવાયું કે તેઓ વ્યક્તિગત રીતે પણ વિધિ આયોગમાં યુસીસી વિરુદ્ધ પોતાની વાત રજૂ કરે અને પોતાના સંબંધીઓ અને મિત્રો તથા અન્ય લોકોને પણ આમ કરવાનું કહે. તેમણે જણાવ્યું કે બોર્ડનું કહેવું છે કે યુસીસીના દાયરામાંથી ફક્ત આદિવાસીઓને જ નહીં પરંતુ દરેક ધાર્મિક અલ્પસંખ્યક વર્ગને અલગ રાખવો જોઈએ.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હંમેશાથી યુસીસીની વિરુદ્ધ રહ્યો છે. તેનું કહેવું છે કે ભારત જેવા બહુ સાંસ્કૃતિક અને બહુધાર્મિક દેશમાં યુસીસીના નામ પર એક જ કાયદો થોપવો એ લોકતાંત્રિક અધિકારોનું હનન છે. વિધિ આયોગે ગત 14 જૂનના રોજ યુસીસીને લઈને સૂચન અને આપત્તિઓ આમંત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેને આગામી 14 જુલાઈ સુધીમાં આયોગમાં જમા કરાવી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં યુસીસીનું ખુબ સમર્થન કર્યું હતું.
(એજન્સી ઈનપુટ સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે