BJPના દિગ્ગજ નેતા સુમિત્રા મહાજને લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો, જાણો શું કહ્યું? 

લોકસભા ચૂંટણી 2019માં ઈન્દોરથી ભાજપના સાંસદ અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. સુમિત્રા મહાજને પત્ર લખીને ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે.

BJPના દિગ્ગજ નેતા સુમિત્રા મહાજને લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો, જાણો શું કહ્યું? 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ઈન્દોરથી ભાજપના સાંસદ અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. સુમિત્રા મહાજને પત્ર લખીને ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે. જો કે પોતાના પત્રમાં સુમિત્રા મહાજને આ નિર્ણય લેવા માટે પણ પાર્ટીને જવાબદાર ઠેરવી છે. સુમિત્રા મહાજનનું કહેવું છે કે પાર્ટી ઈન્દોર લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આટલી વાર કેમ લગાડે છે? ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 19મી મેના રોજ મતદાન થવાનું છે. 

અત્રે જણાવવાનું કે 2 એપ્રિલના રોજ મીડયા સાથે વાતચીતમાં સુમિત્રા મહાજને કહ્યું હતું કે તેમણે પોતાના 3 દાયકાઓના લાંબા સંસદીય જીવનમાં આજ સુધી પાર્ટી પાસે ક્યારેય માગણી કરી નથી કે તેઓ તેમને ચૂંટણીમાં ઉમેદવાર બનાવે. સતત આઠવાર લોકસભામાં ઈન્દોરનું પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ ભાજપ નેતાએ એમ પણ કહ્યું કે જો આ વખતે તેમની ઉમેદવારીના વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે તો એ 'સ્વાભાવિક પ્રક્રિયા' થવાની સાથે તેમના માટે પણ 'ગૌરવ'ની વાત છે. કારણ કે તેનાથી માલુમ પડે છે કે ભાજપમાં યોગ્ય ઉમેદવારોની અછત નથી. 

'તાઈ' (મરાઠીમાં મોટી બહેનનું સંબોધન)ના હુલામણા નામથી મશહૂર સુમિત્રા મહાજને આ વાત એવા સમયે કહી છે કે જ્યારે ઈન્દોર બેઠક પરથી ભાજપના ઉમેદવારની જાહેરાત કરવામાં થઈ  રહેલા વિલંબના પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે અને અટકળો થઈ રહી છે કે લાલકૃષ્ણ આડવાણી (91), મુરલી મનોહર જોશી (85) જેવા વરિષ્ઠ નેતાઓની જેમ આ વખતે સુમિત્રા મહાજનને પણ વિરામ આપવામાં આવશે?

આ મહિનાની 12 તારીખે 76 વર્ષ પૂરા કરવા જઈ રહેલા સુમિત્રા મહાજને અહીં પીટીઆઈ ભાષાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે સૌથી પહેલી વાત એ છે કે જ્યારે મેં વર્ષ 1989માં ઈન્દોરથી પહેલી લોકસભા ચૂંટણી લડી હતી ત્યારે મેં પાર્ટી પાસે ટિકિટ માંગી નહતી. પાર્ટીએ મને જાતે ટિકિટ આપી હતી. મેં આજ સુધી પાર્ટી પાસે ટિકિટ માંગી નથી. 

ઈન્દોરની બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં થઈ રહેલા વિલંબ અંગે પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ તો ભાજપનું સંગઠન જ આપી શકે. બની શકે કે તેમના (ભાજપ સંગઠનના નેતાઓ) મનમાં કઈંક વાત હોય. આ અંગે જ્યા સુધી ભાજપ સંગઠન કશું બોલે નહીં ત્યાં સુધી હું કઈ બોલી શકું નહીં. 

તેમણે કહ્યું કે મેં ભાજપના સંગઠનના કોઈ પણ નેતા સાથે વાત કરી નથી કે ઈન્દોરથી પાર્ટીના ઉમેદવારની જાહેરાત કેમ રોકવામાં આવી? અમારી પાર્ટીમાં આ પ્રકારના સવાલ કરતા નથી. કારણ કે ઉમેદવાર નક્કી કરવાનું કામ સંગઠનનું છે. ઈન્દોરથી ઉમેદવારની પસંદગીના મામલે ભાજપ સંગઠન યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. 

ઈન્દોર સીટના ઉમેદવાર તરીકે તેમના વિકલ્પ સ્વરૂપે કેટલાક સ્થાનિક નેતાઓના નામ સામે આવ્યાં છે. આ અંગે મહાજને કહ્યું કે આ (વિકલ્પોની ચર્ચા) સારી વાત છે અને સ્વાભાવિક પ્રક્રિયા છે. (પાર્ટીમાં) અનેક વિકલ્પ હોવા જોઈએ. તેનાથી પાર્ટી મજબુત ગણાય છે અને એ પણ માલુમ પડે છે કે પાર્ટીમાં એટલા યોગ્ય કાર્યકર્તા છે કે તેમાથી ગમે તેને ટિકિટ અપાય તો પણ  તે ચૂંટણી જીતી જશે. 

તેમણે કહ્યું કે જો ઈન્દોરમાં મારા વિકલ્પ પર ચર્ચા થઈ રહી  છે તો તે મારા માટે ગૌરવની વાત છે  કારણ કે હું પણ પાર્ટીની એક ઘટક છું. હાલ તો જો કે પોતાની ટિકિટ કપાવવાની અટકળોથી દૂર મહાજને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓના માર્ગદર્શક તરીકે ચૂંટણી મેદાનમાં રાહ પકડી લીધી છે. તેઓ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપના અભિયાન અંતર્ગત શહેર ભરમાં પાર્ટી  કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

વર્ષ 1982માં ઈન્દોર નગર નિગમની ચૂંટણીમાં કોર્પોરેટરના પદની ઉમેદવારીથી પોતાની ચૂંટણી કેરિયરની સફળ શરૂઆત કરનારા ભાજપના નેતાએ કહ્યું કે ચૂંટણી એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પાર્ટી લડે છે. વ્યક્તિ તો સહાયકની ભૂમિકા ભજવે છે. હાલ અમારા મનમાં એક જ લક્ષ્ય છે કે લોકસભા ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકવાર ફરીથી બહુમતવાળી સરકાર બનાવવી. 

મહાજન ઉપરાંત ઈન્દોર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે શહેરના મેયર તથા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડ, ભાજપના જ અન્ય એક ધારાસભ્ય ઉષા ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, પૂર્વ ધારાસભ્ય ભંવરસિંહ શેખાવત, અને ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન શંકર લાલવાનીનું નામ પણ ચર્ચામાં છે. 

(ઈનપુટ એજન્સી ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news