લોકસભામાં વચગાળાનું બજેટ પસાર, કોંગ્રેસ, NCP, CPI-Mનો વોક-આઉટ

સંસદના નીચલા ગૃહમાં અવાજના મતદાન સાથે નાણા બિલ, 2019 પસાર થયું 

લોકસભામાં વચગાળાનું બજેટ પસાર, કોંગ્રેસ, NCP, CPI-Mનો વોક-આઉટ

નવી દિલ્હીઃ લોકસભામાં સોમવારે કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ-એમના વોકઆઉટ વચ્ચે વચગાળાનું બજેટ પસાર થઈ ગયું હતું. સંસદના નીચલા ગૃહમાં અવાજના મતદાન સાથે નાણા બીલ, 2019 પસાર થઈ ગયું હતું. 

આ અગાઉ, વચગાળાના બજેટ પરની ચર્ચામાં નાણામંત્રી પીયુષ ગોયલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પાર્ટી સરકારની નીતિઓનો વિરોધ કરીને દેશના ગરીબ લોકો અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. 

પીયુષ ગોયલે જણાવ્યું કે, મોદી સરકાર દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે જે પગલાં લેવામાં આવ્યાં છે, તે અગાઉ કોઈ સરકારે લીધા નથી. વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ તેનું જ એક સ્ટેપ છે. 

નાણા મંત્રીએ સરકાર દ્વારા લોન્ચ કરાયેલી નવી યોજના 'પ્રધાન મંત્રી કિસન સમ્માન નીધિ' અંગે વાત કરતા જણાવ્યું કે, તેમાં દેશના નાના ખેડૂતોને દર વર્ષે રૂ.6,000 આપવામાં આવશે અને તેનાથી તેમને આર્થિક મદદ મળશે. 

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે, જે લોકો મહેલોમાં રહે છે તેઓ દર ચાર મહિને મળનારા રૂ.2000ની કિંમત જાણતા નથી. આ કારણે જ તેઓ આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે. 

પીયુષ ગોયલે વધુમાં જણાવ્યું કે, "આ સરકારે કોંગ્રેસની જે કામ કરવાની પદ્ધતિ હતી તેમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. અમે એક પારદર્શક સરકાર લાવ્યા છીએ."  ગોયલે જણાવ્યું કે, દેશમાં નકલી કંપનીઓનો જો રાફડો ફાટ્યો હતો, તેના પર ભાજપ સરકારે ગાળિયો કસ્યો છે અને સાથે જ જે ઈમાનદાર કંપનીઓ છે તેમને સરકારે જરૂરી મદદ પણ કરી છે અને તેમનાં માટે પગલાં પણ લીધાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news