283 બેઠકો પર મતદાન પૂર્ણ : 10 રાજ્યની 96 બેઠક પર થશે 13મીએ મતદાન, આ 5 કેન્દ્રીયમંત્રીઓ છે મેદાને
દેશમાં લોકસભાની ચૂંટણીમાં 3 તબક્કામાં મતદાન થઈ ગયું છે. હવે 13 મેએ ચોથા તબક્કામાં મતદાન થવાનું છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાતા પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. આ તબક્કામાં પાંચ કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણી મેદાનમાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. હવે ચોથા તબક્કા માટે રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો. કેમ કે 13 મેના રોજ 10 રાજ્યની 96 બેઠક પર મતદાન થશે. આ દિવસે મતદારો 5 કેન્દ્રીય મંત્રી, 1 પૂર્વ મુખ્યમંત્રી, 2 ક્રિકેટર અને 1 અભિનેતા સહિત 1717 ઉમેદવારોના નસીબનો નિર્ણય કરશે ત્યારે કોણ છે ચોથા તબક્કાના મોટા મહારથી?.કયા રાજ્યની કેટલી બેઠકો પર થશે ખરાખરીનો જંગ?... આ સવાલના જવાબ જોઈશું આ રિપોર્ટમાં...
ચોથા તબક્કાના મતદાન પહેલાં વિવિધ વિસ્તારોમાં રેલીઓ અને સભાઓ જોવા મળી જેમાં વિવિધ રાજકીય મતદારોને આકર્ષિત કરવા માટેના તમામ પ્રયાસો કર્યા. 3 તબક્કાના મતદાન પછી 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. તેના પ્રચારના પડઘમ શનિવારે સાંજે શાંત થઈ ગયા છે.
ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠક પર મતદાન થશે... ત્યારે કયા રાજ્યમાં મતદાન થશે તેની વાત કરીએ તો....
તેલંગાણાની 17 બેઠક પર 525 ઉમેદવારો લડી રહ્યા છે...
આંધ્ર પ્રદેશની 25 બેઠક પર 454 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે...
બિહારની 5 બેઠક પર 55 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે...
જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર 24 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે....
ઝારખંડની 4 બેઠક પર 45 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે...
મધ્ય પ્રદેશની 8 બેઠક પર 74 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે...
મહારાષ્ટ્રની 11 બેઠક પર 298 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે....
ઓડિશાની 4 બેઠક પર 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે....
પશ્વિમ બંગાળની 8 બેઠક પર 75 ઉમેદવારો લડી રહ્યા છે...
ઉત્તર પ્રદેશની 13 બેઠક પર 130 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે.
પહેલા તબક્કામાં 66.14 ટકા મતદાન. બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું છે. હજુ ચોથા તબક્કા માટે 13 મેના રોજ મતદાન થશે. પરંતુ તે પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં મોટો દાવો કરતાં જણાવ્યું કે આ વખતે નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી નહીં બની શકે....
ચોથા તબક્કામાં રાજકીય પક્ષોના કયા મુખ્ય મહારથીઓ ચૂંટણી મેદાનમાં છે. તેના પર નજર કરીએ તો તેલંગાણાની હૈદરાબાદ બેઠક પર ભાજપ તરફથી માધવી લતા મેદાનમાં છે. આ જ બેઠક પરથી AIMIMના વર્તમાન સાંસદ અસદુદ્દીન ઓવૈસી લડી રહ્યા છે. લખીમપુર ખરી બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ લડી રહ્યા છે. બિહારની બેગુસરાય બેઠક પરથી ભાજપના ગિરિરાજ સિંહ મેદાનમાં છે. ઉજિયારપુર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય લડી રહ્યા છે. આંધ્ર પ્રદેશની કડપા બેઠક પરથી કોંગ્રેસના YS શર્મિલા ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડની ખૂંટી બેઠક પરથી ભાજપના અર્જુન મુંડા મેદાનમાં છે. પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટીએમસીના શત્રુધ્ન સિંહા લડી રહ્યા છે. પશ્વિમ બંગાળની બહરામપુર બેઠક પરથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ટીએમસીએ યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે. પશ્વિમ બંગાળની કૃષ્ણાનગર બેઠક પરથી TMCએ મહુઆ મોઈત્રાને ટિકિટ આપી છે.
પહેલા તબક્કામાં 102, બીજા તબક્કામાં 88 અને ત્રીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રીજા તબક્કા સુધી કુલ 283 બેઠકો પર મતદાન થઈ ગયું છે. હવે ચોથા તબક્કામાં 96 બેઠકો માટે મતદાન થશે. એટલે 13 મે સુધી કુલ 379 બેઠકો પર મતદાન પૂરું થઈ જશે. એટલે અંતિમ 3 તબક્કામાં માત્ર 164 બેઠકો પર મતદાન બાકી રહેશે ત્યારે એ જોવાનું રહેશે કે મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે