આ સીટ કોંગ્રેસ માટે બની વટનો સવાલ, પ્રિયંકા ગાંધીએ કોના વિશે ચોખ્ખું ચટ કહી દીધુ કે 'હરાવવી જ પડશે'

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે હિમાચલ પ્રદેશની એક બેઠક જાણે નાકની લડાઈ બની ગઈ છે. કોઈને આ સીટ જાય તે પોસાય એવું જ નથી.

આ સીટ કોંગ્રેસ માટે બની વટનો સવાલ, પ્રિયંકા ગાંધીએ કોના વિશે ચોખ્ખું ચટ કહી દીધુ કે 'હરાવવી જ પડશે'

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે હિમાચલ પ્રદેશની એક બેઠક જાણે નાકની લડાઈ બની ગઈ છે. કોઈને આ સીટ જાય તે પોસાય એવું જ નથી. આ બેઠક છે. મંડી લોકસભા સીટ. અહીંથી ભાજપે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે જ્યારે કોંગ્રેસે વિક્રમાદિત્ય સિંહનું નામ ફાઈનલ કર્યું હોવાની ચર્ચા છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. બીજી બાજુ વિક્રમાદિત્ય સિંહનું પણ કહેવું છે કે જો પાર્ટી કહે તો તેઓ મંડી બેઠકથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. જ્યારથી ટિકિટ મળી છે ત્યારથી કંગના સતત કોંગ્રેસ અને તેમાં પણ ખાસ કરીને રાહુલ ગાંધી પર પર વધુ નિશાન સાંધી રહી છે. તાજેતરમાં કંગનાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને કટાક્ષ પણ કરેલો. કંગનાએ કહ્યું હતું કે બંનેનું રાજકારણમાં કોઈ ભવિષ્ય નથી. આવામાં હવે જ્યારે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના નેતાઓને મંડીની આ નાકની લડાઈ બનેલી ચૂંટણીને કાઠી કરીને ભાજપને કોઈ પણ ભોગે હરાવવા કહી દીધુ છે. 

હરાવવી જ પડશે!
વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ મુજબ શનિવારે મોડી રાતે હિમાચલ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે પ્રિયંકા ગાંધીની બેઠક થઈ હતી. આ બેઠકમાં ચૂંટણી અંગે મંથન કરવામાં  આવ્યું. 'ટ્રિબ્યુન' ના રિપોર્ટમાં સૂત્રોને હવાલે જણવવામાં આવ્યું છે કે બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'કંગનાને હરાવવી જ પડશે'. તેમણે કહ્યું કે કોંગ્રેસે તમામ બેઠકો પર ઉત્સાહ સાથે કેમ્પેઈન કરવું પડશે. ખાસ કરીને મંડી બેઠક પર. સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રિયંકા ગાંધી નથી ઈચ્છતા કે કંગના રનૌત ચૂંટણી જીતીને સંસદમાં જાય. બેઠકમાં પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું હોવાનું કહેવાય છે કે તેઓ ચૂંટણીના અંતિમ બે સપ્તાહ દરમિયાન પોતાના શિમલાવાળા ઘરમાં રહેશે. આ સાથે જ તેઓ તમામ ઉમેદવારો માટે પ્રચાર પણ કરશે. 

કેમ બની નાકની લડાઈ?
હિમાચલ પ્રદેશમાં કુલ 4 લોકસભા બેઠક છે. જેમાંથી 3 પર ભાજપનો કબજો છે. જ્યારે મંડી લોકસભા બેઠકથી પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ સાંસદ છે. આવામાં ભાજપે હવે આ સીટથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે. કંગના સતત કોંગ્રેસ અને રાહુલ-પ્રિયંકા પર પારાવાર શાબ્દિક હુમલા કરી રહી છે. ત્યારે કોંગ્રેસ માટે આ બેઠક હવે વટનો સવાલ બની રહી છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે આ બેઠક પરથી હારવા માંગતી નથી. આવામાં પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું નામ આ સીટથી હાઈકમાને ફાઈનલ કર્યું છે. 

શું કહ્યું હતું કંગનાએ?
અત્રે જણાવવાનું કે કંગના રનૌતે હાલમાં જ કહ્યું હતું કે રાહુલ ગાંધી હાલાતથી મજબૂર છે. તેમના માતાએ તેમના પર દબાણ બનાવેલું  છે આથી તેઓ રાજકારણમાં સફળ થઈ શકતા નથી. કંગનાએ રાહુલના અંગત જીવન પર કમેન્ટ કરતા કહ્યું હતું કે ન તો તેમનો પરિવાર વસી શક્યો છે કે ન તો કરિયર બની શકી છે. કંગનાએ પ્રિયંકા ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું હતું. આવામાં હવે પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના નેતાઓને જોર દઈને કેમ્પેઈન કરવાનું કહ્યું છે. 

દિલ્હીમાં થયેલી કોંગ્રેસ કોઓર્ડિનેશન કમિટીની બેઠક બાદ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં નવો ટ્વિસ્ટ જોવા મળ્યો. મંડી બેઠકથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહની  હા અને ના વચ્ચે તેમની જગ્યાએ પીડબલ્યુડી મંત્રી અને તેમના પુત્ર વિક્રમાદિત્યનું નામ આગળ કરવામાં આવ્યું છે. હવે દિલ્હીમાં જ 10 એપ્રિલના રોજ પ્રસ્તાવિત સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકમાં વિક્રમાદિત્ય સિંહના નામ પર અંતિમ નિર્ણય લેવાશે. જ્યારે શિમલા સીટ પર ભાજપના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યમની કોંગ્રેસમાં એન્ટ્રીની પણ ચર્ચાઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news