કોલકાતા કેસમાં ખુલાસા પર ખુલાસા, ડોક્ટર દીકરીના પિતાએ હવે પૂર્વ પ્રિન્સિપાલ વિશે આપ્યું ચોંકાવનારું નિવેદન
તપાસની કમાન સીબીઆઈના હાથમાં આવ્યા બાદ પણ હજુ અનેક રહસ્યો પરથી પડદો ઉચકાવવાનો બાકી છે. આ બધા વચ્ચે પીડિત ડોક્ટરના પિતાએ પૂર્વ પ્રન્સિપાલ વિષે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Trending Photos
કોલકાતામાં ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું હજુ ઉકેલાયું નથી. પરંતુ રોજે રોજ એવા ખુલાસા થઈ રહ્યા છે કે લોકોમાં હવે આક્રોશ વધી રહ્યો છે. તપાસની કમાન સીબીઆઈના હાથમાં આવ્યા બાદ પણ હજુ અનેક રહસ્યો પરથી પડદો ઉચકાવવાનો બાકી છે. આ બધા વચ્ચે પીડિત ડોક્ટરના પિતાએ પૂર્વ પ્રન્સિપાલ વિષે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ઘટનાના દિવસે કોલેજના પૂર્વ પ્રિન્સિપાલે તેમને ફોન કર્યો હતો.
શું કહ્યું પિતાએ
મૃત ડોક્ટરના પિતાએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ વિશે કહ્યું કે અમે તેમની સાથે વાત કરી શક્યા નહીં. ઘટનાના દિવસે તેમણે અમને ફોન કર્યો હતો પરંતુ વિદ્યાર્થીઓએ અમને ન જવા માટે કહ્યું. તેઓ ત્યાં (ઘટનાસ્થળે) આવ્યા પરંતુ અમારી સાથે વાત કરી નહીં.
સીબીઆઈ તપાસ પર બોલ્યો પરિવાર
કોલકાતા હાઈકોર્ટના સીબીઆઈ તપાસના નિર્દેશ પર તેમણે કહ્યું કે સીબીઆઈ દશની સૌથી મોટી એજન્સીઓમાંથી એક છે. પરંતુ તેમણે હજુ સુધી 10 દિવસમાં આ કેસને હાથમાં લીધા બાદ કોઈ સારું પરિણામ આપ્યું નથી. અમે માંગણી કરીએ છીએ કે જેમ બને તેમ જલદી કાર્યવાહી કરે અને કડક સજા થાય.
#WATCH | Kolkata doctor rape-murder case: "...We have not been able to speak with him. The day the incident occurred, he called us but the students told us not to go. He came there (incident spot) but he did not speak with us," says the father of deceased doctor on former… pic.twitter.com/u87u98MXAl
— ANI (@ANI) August 23, 2024
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે તો તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ પણ જઈશું. અમે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
પૂર્વ પ્રિન્સિપાલનો પોલીગ્રાફ ટેસ્ટ થશે
સીબીઆઈ હવે આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ સહિત 5 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ કરી શકે છે. જેમાં 4 ડોક્ટર સામેલ છે જેમની સાથે ઘટનાવાળા દિવસે પીડિત ડોક્ટરે મોત પહેલા ભોજન કર્યું હતું અને એક સહાયક કર્મચારી પણ છે. આ સિવાય કોલકાતા હાઈકોર્ટે ડો. સંદીપ ઘોષ વિરુદ્ધ આર્થિક ગેરરીતિઓની તપાસ પણ સીબીઆઈને સોંપી છે. જે પહેલા એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા થઈ રહી હતી. કોર્ટે સીબીઆઈને 17 સપ્ટેમ્બર સુધી તપાસમાં અત્યાર સુધી જે પ્રગતિ થઈ તે અંગે રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે.
આ મામલે આરોપી સંજય રોયને કોર્ટે 14 દિવસ સુધી કસ્ટડીમાં મોકલ્યો છે. આ અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટે ડોક્ટરના બળાત્કાર અને હત્યા સંબંધિત કેસમાં સુઓમોટો લેતા કેસની સુનાવણી દરમિયાન કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલી સુરક્ષાને સીઆરપીએફને સોંપવાનો આદેશ આપ્યો. કોલકાતાની હોસ્પિટલની સુરક્ષા વધારવા માટે સુપ્રીમના આદેશ બાદ ત્યાં સીઆરપીએફના જવાન તૈનાત કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે