દેવેન્દ્ર ફડણવીસ જ નહીં આ નેતાઓ પણ રહ્યા છે 'થોડા' દિવસના 'મુખ્યમંત્રી'!!!

ફડણવીસ જેટલી ઝડપથી મુખ્યમંત્રી બન્યા એટલા જ ઝડપથી તેમને રાજીનામું પણ આપવું પડ્યું. મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે જ્યારે 30 કલાકમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો. તેના થોડા કલાકમાં જ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. જોકે, તેઓ દેશના પ્રથમ મુખ્યમંત્રી નથી કે જે માત્ર થોડા દિવસ માટે આ પદ પર રહ્યા હોય. તેના પહેલા પણ અનેક નેતાઓ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે. 

દેવેન્દ્ર ફડણવીસ જ નહીં આ નેતાઓ પણ રહ્યા છે 'થોડા' દિવસના 'મુખ્યમંત્રી'!!!

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મહાભારતમાં મંગળવારે ફરી એક નવો વળાંક આવ્યો. શનિવારે વહેલી સવારે મુખ્યમંત્રી પદના શપથ લઈને ભારતના લોકોને ચોંકાવી દેનારા દેવેન્દ્ર ફડણવીસને માત્ર સાડા ત્રણ દિવસમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. 

રોમાંચથી ભરપૂર કોઈ ફિલ્મની જેમ શનિવારે સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે આખો દેશ ચોંકી ગયો હતો. શુક્રવારે રાત્રે જ્યારે લોકો ઊંઘ્યા ત્યારે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બનવાનું જાહેર થઈ ગયું હતું. બીજા દિવસે સવારે આંખ ખુલી તો સવારે 8 કલાકે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લઈ રહ્યા હતા. એક રાતમાં આ ઘટનાક્રમ કેવી રીતે સર્જાયો એ કોઈ સમજી શક્યું નહીં. 

જોકે, ફડણવીસ જેટલી ઝડપથી મુખ્યમંત્રી બન્યા એટલા જ ઝડપથી તેમને રાજીનામું પણ આપવું પડ્યું. મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે જ્યારે 30 કલાકમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો. તેના થોડા કલાકમાં જ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. જોકે, તેઓ દેશના પ્રથમ મુખ્યમંત્રી નથી કે જે માત્ર થોડા દિવસ માટે આ પદ પર રહ્યા હોય. તેના પહેલા પણ અનેક નેતાઓ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે.

 

દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર (ત્રણ દિવસના મુખ્યમંત્રી) 
દેવેન્દ્ર ફડણવીસે 23 નવેમ્બર, 2019ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને 26 નવેમ્બર, 2016ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું. વિધાનસભામાં બહુમત સાબિત કરે એ પહેલા જ તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. 

અર્જુન સિંઘ, મધ્યપ્રદેશ (બે દિવસના મુખ્યમંત્રી)
કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા અર્જુન સિંઘ સૌથી ઓછા સમય એટલે કે માત્ર બે દિવસના મુખ્યમંત્રી રહ્યા છે. વર્ષ 1985માં તેઓ 11 અને 12 માર્ચ એમ માત્ર બે દિવસના મુખ્યમંત્રી બન્યા હતા. 

જગદંબિકા પાલ, ઉત્તર પ્રદેશ (3 દિવસના મુખ્યમંત્રી)
1998માં ઉત્તર પ્રદેશમાં મહારાષ્ટ્ર જેવો જ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. રાજ્યપાલ રોમેશ ભંડારીએ કલ્યાણ સિંહને સસ્પેન્ડ કરીને જગદમ્બિકા પાલને 21 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી બનાવી દીધા હતા. જોકે, કોર્ટના હસ્તક્ષેપ પછી 23 ફેબ્રુઆરીના રોજ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. 

બી.એસ. યેદિયુરપ્પા, કર્ણાટક ( ત્રણ અને 8 દિવસના મુખ્યમંત્રી) 
ગયા વર્ષે કર્ણાટકમાં ભજવાયેલું નાટક તો સૌને યાદ હશે. બી.એસ.યેદીયુરપ્પાએ બહુમત વગર જ 17 મે, 2018ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા હતા. જોકે, ગૃહમાં બહુમત સાબિત કરતા પહેલા જ તેમણે 19 મેના રોજ રાજીનામું આપી દીધું હતું. 

ભાજપના નેતા યેદિયુરપ્પાને આ અગાઉ પણ મુખ્યમંત્રી પદની ખુરશીનો માત્ર સ્વાદ ચાખવા મળ્યો હતો. 2007માં તેમણે 12 જુલાઈના રોજ શપથ લીધા હતા અે 17 જુલાઈના રોજ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. 

સતિષ પ્રસાદ સિંઘ, બિહાર (5 દિવસના મુખ્યમંત્રી) 
સતિષ પ્રસાદ સિંઘ બિહારના છઠ્ઠા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે કોંગ્રેસના ટેકાથી સોશિત સમાજ દલની ગઠબંધન સરકાર બનાવી હતી. તેઓ 28 જાન્યુઆરી, 1968થી 1 ફેબ્રુઆરી, 1968 એમ 5 દિવસના મુખ્યમંત્રી બન્યા હતા. 

ઓમ પ્રકાશ ચૌટાલા, હરિયાણા (6 દિવસના મુખ્યમંત્રી) 
હરિયાણાના દિગ્ગજ નેતા ઓમ પ્રકાશ ચૌટાલા 1990માં 12 જુલાઈના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. જોકે, 17 જુલાઈના રોજ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. 

નીતિશ કુમાર, બિહાર (8 દિવસના મુખ્યમંત્રી)
બિહારમાં 19 વર્ષ પહેલા મહારાષ્ટ્ર જેવી જ સ્થિતિ સર્જાઈ હતી. વર્ષ 2000માં નીતિશ કુમારે બહુમત સાબિત કરતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. બહુમત માટે જરૂરી 8 ધારાસભ્ય ઓછા હોવા છતાં તેમણે 3 માર્ચના રોજ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા અને પછી 10 માર્ચના રોજ તેમણે રાજીનામું આપી દીધું હતું.  

એમ.સી. મારક, મેઘાલય (12 દિવસના મુખ્યમંત્રી) 
1998માં મેઘાલયના મુખ્યમંત્રી એમ.સી. મારકની સરકાર માત્ર 12 દિવસ ચાલી હતી. 17 ફેબ્રુઆરીના રોજ તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા અને 10 માર્ચના રોજ તેમણે રાજીનામું આપી દીધું હતું. 

શિબુ સોરેન, ઝારખંડ (10 દિવસના મુખ્યમંત્રી)
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનવા માગતા હતા. જોકે, તેમનું સપનું સાકાર થયું ન હતું. 2005માં તેમણે 2 માર્ચના રોજ મુખ્યમંત્રી પદે શપથ લીધા અને 12 માર્ચના રોજ રાજીનામું આપી દેવું પડ્યું હતું. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news