જેમને સોંપાયું છે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદના ઉકેલનું કામ, તે જસ્ટિસ કલીફુલ્લા વિશે ખાસ જાણો 

સુપ્રીમ કોર્ટે આજે પોતાના મહત્વના આદેશમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલો સ્થાયી ઉકેલ લાવવા માટે મધ્યસ્થતાને હવાલે કર્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પેનલે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો. 

જેમને સોંપાયું છે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદના ઉકેલનું કામ, તે જસ્ટિસ કલીફુલ્લા વિશે ખાસ જાણો 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે પોતાના મહત્વના આદેશમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલો સ્થાયી ઉકેલ લાવવા માટે મધ્યસ્થતાને હવાલે કર્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પેનલે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એફ એમ ઈબ્રાહિમ કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પંચુને મધ્યસ્થ તરીકે નિયુક્ત કર્યાં. મધ્યસ્થતાની આખી પ્રક્રિયા ફૈઝાબાદમાં બંધ બારણે કેમેરા સામે થશે. એટલે કે તેનું વીડિયો રેકોર્ડિંગ થશે અને મીડિયાને તેના કવરેજથી દૂર રહેવાના પણ આદેશ અપાયા છે. 

સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ એફ એમ કલીફુલ્લા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે મધ્યસ્થતા કરનારી પેનલના પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. આ રીતે જોઈએ તો કલીફુલ્લા પેનલમાં મુખ્ય ભૂમિકા ભજવશે. 

આવો જાણીએ જસ્ટિસ કલીફુલ્લા અંગે...

- જસ્ટિસ કલીફુલ્લાનો જન્મ 23 જુલાઈ 1951ના રોજ તામિલનાડુના શિવગંગઈ જિલ્લાના કરાઈકુડીમાં થયો હતો. 

- તેમનું આખુ નામ ફકીર મોહમ્મદ ઈબ્રાહીમ કલીફુલ્લા છે. 

- જસ્ટિસ કલીફુલ્લા 20 ઓગસ્ટ 1975ના રોજ એક વકીલ તરીકે નામાંકિત થયા, ત્યારબાદ તેમણે ટી.એસ.ગોપાલન એન્ડ કંપની લો ફર્મમાં શ્રમ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. 

- 2 માર્ચ 2000માં તેઓ મદ્રાસ હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા.

- ફેબ્રુઆરી 2011માં તેઓ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના સભ્ય બન્યાં અને તેના બે મહિના બાદ કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 

- સપ્ટેમ્બર 2011માં તેમને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા. 

- 2 એપ્રિલ 2012માં તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયા અને મુખ્ય ન્યાયાધીશ સરોશ હોમી કાપડિયાએ તેમને શપથ લેવડાવ્યાં. 

- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડીયા (બીસીસીઆઈ)ને પારદર્શક બનાવવાની પ્રક્રિયામાં તેમણે જસ્ટિસ લોઢા સાથે મળીને ઘણુ કામ કર્યું હતું.

- ન્યાયમૂર્તી કલીફુલ્લા 22 જુલાઈ 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર થઈ ગયાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news