કોરોના અને મંકીપોક્સ બાદ હવે આ વાયરસનું તોળાઈ રહ્યું છે જોખમ, તેના લક્ષણો ખાસ જાણો

પહેલા કોરોનાએ હાહાકાર મચાવ્યો અને હવે મંકીપોક્સના જોખમ વચ્ચે એક નવા વાયરસે દેશમાં પગપેસારો કરતા ચિંતા વધી છે.

કોરોના અને મંકીપોક્સ બાદ હવે આ વાયરસનું તોળાઈ રહ્યું છે જોખમ, તેના લક્ષણો ખાસ જાણો

Norovirus in Kerala: પહેલા કોરોનાએ હાહાકાર મચાવ્યો અને હવે મંકીપોક્સના જોખમ વચ્ચે એક નવા વાયરસે દેશમાં પગપેસારો કરતા ચિંતા વધી છે. દક્ષિણ ભારતીય રાજ્યમાં આ વાયરસના બે કેસ સામે આવ્યા છે. પ્રશાસને આ વાયરસના કેસ નોંધાતા બચાવ માટે જરૂરી કામગારી તેજ કરી દીધી છે અને લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે. 

દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં નોરો વાયરસના બે નવા કેસ નોંધાયા છે. બંને સંક્રમિત બાળકોની સ્થિતિ હાલ સ્થિર છે અને તેઓ નિગરાણી હેઠળ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે કેરળના પાટનગર તિરુવનંતપુરમમાં વિઝિંજમ વિસ્તારમાં આ નોરોવાયરસના બે કેસની પુષ્ટિ થઈ છે. જો કે ચિંતા કરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી છે. સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે અને બચાવ માટે જરૂરી કામગીરી પણ તેજ કરાઈ છે. આ સાથે જ તેમણે એમ પણ  કહ્યું કે સંક્રમિત બને બાળકોની સ્થિતિ હાલ સ્થિર છે. 

નોરો વાયરસ વિશે માહિતી જાણો
આ વાયરસ પશુઓ દ્વારા માણસોમાં ફેલાય છે. જેના કારણે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ બીમારી થાય છે. દુષિત જગ્યાના સંપર્કમાં આવવાથી કે દુષિત ભોજન લેવાથી વ્યક્તિ આ વાયરસની ઝપેટમાં આવી શકે છે. આ ઉપરાંત એક સંક્રમિત વ્યક્તિથી પણ બીજાને થઈ શકે છે. આ વાયરસ એક જ વ્યક્તિને અનેકવાર સંક્રમિત કરી શકે છે. કારણ કે તેના અનેક પ્રકાર છે. 

નોરોવાયરસના લક્ષણો!
નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિના પેટમાં સમસ્યા થાય છે અને આ વાયરસ પેટમાં જતા જ આંતરડાની દીવાલ પર સોજા આવે છે. સંક્રમિત વ્યક્તિમાં સામાન્ય રીતે ઝાડા, ઉલ્ટી, પેટનો દુ:ખાવો, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. આ ઉપરાંત દર્દીમાં તાવ, શરીરનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, વગેરે લક્ષણો પણ જોવા મળે છે. આ વાયરસ સામાન્ય રીતે કોઈ પણ ઉંમરની વ્યક્તિને પોતાની ઝપેટમાં લે છે પરંતુ આમ છતાં બાળકો, વૃદ્ધો અને પહેલેથી કોઈ બીમારીથી પીડાતા વ્યક્તિમાં તે સમસ્યા પેદા કરી શકે છે. વાયરસની ઝપેટમાં આવ્યાના 12થી 48 કલાકમાં લક્ષણો જોવા મળતા હોય છે. તરત સારવાર મળે તો સંક્રમિત વ્યક્તિ 3 દિવસની અંદર પણ સાજો થઈ શકે છે. 

બચવાના ઉપાય
પ્રાથમિક પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ જીવલેણ નથી. પરંતુ હજુ સુધી તેની સારવાર માટે કોઈ દવા પણ ઉપલબ્ધ નથી. આથી બચાવ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ડોક્ટર સંક્રમિત વ્યક્તિને વધુમાં વધુ પાણી અને પ્રવાહી પદાર્થના સેવનની સલાહ આપે છે. જાનવરોના સંપર્કમાં આવતા લોકો તેની ઝપેટમાં આવે તેવી શક્યતા વધુ હોય છે. ડોક્ટર આવા લોકોને સાબુથી અને હૂંફાળા પાણીથી હાથ બરાબર ધોવાની સલાહ આપે છે. આ ઉપરાંત તાજું ભોજન આરોગવું અને બીમાર હોવ તો ઘરે જ રહેવું. નોરોવાયરસ સેનેટાઈઝરથી પણ મરતો નથી આથી સેનેટાઈઝરથી હાથ ધોવાથી ફાયદો થાય નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news