Awantipora Encounter: સુરક્ષાદળો આકરા પાણીએ, કાશ્મીરી TV અભિનેત્રીની હત્યા કરનારા આતંકીઓનો 24 કલાકમાં ખાતમો

Awantipora Encounter: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ ટીવી અભિનેત્રી અમરિન ભટની હત્યા કરીને દહેશત પેદા કરવાની કોશિશ કરી પરંતુ સુરક્ષાદળોએ ગણતરીના કલાકોમાં તે આતંકીઓને મોતને ઘાટ ઉતારી તેમના અંજામે પહોંચાડી દીધા.

Awantipora Encounter: સુરક્ષાદળો આકરા પાણીએ, કાશ્મીરી TV અભિનેત્રીની હત્યા કરનારા આતંકીઓનો 24 કલાકમાં ખાતમો

Awantipora Encounter: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ ટીવી અભિનેત્રી અમરિન ભટની હત્યા કરીને દહેશત પેદા કરવાની કોશિશ કરી પરંતુ સુરક્ષાદળોએ ગણતરીના કલાકોમાં તે આતંકીઓને મોતને ઘાટ ઉતારી તેમના અંજામે પહોંચાડી દીધા. અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા જે અમરિનની હત્યામાં સંડોવાયેલા હતા. આ ઉપરાંત શ્રીનગરમાં પણ બે આતંકી ઠાર થયા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયારો મળી આવ્યા છે. પોલીસ હવે આતંકીઓને શરણ આપનારા સ્લિપર સેલની શોધમાં છે. 

જમ્મુ અને કાશ્મીરના આઈજીપી વિજયકુમારે માહિતી આપતા કહ્યું કે અવંતીપોરાના અગનહાંજીપોરા વિસ્તારમાં બાતમી મળ્યા બાદ સર્ચ અભિયાન શરૂ કરાયું. સર્ચ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરવા માંડ્યું અને પછી અથડામણ શરૂ થઈ. અથડામણમાં બંને આતંકીઓ ઠાર થયા. તેમણે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આપતા કહ્યું કે તેમની ઓળખ બડગામ રહીશ શાદી મુશ્તાક ભટ અને પુલવામાના ફરહાન હબીબ તરીકે થઈ છે. બંનેએ લશ્કર એ તૈયબાના કમાન્ડર લતીફના કહેવા પર ટીવી અભિનેત્રી અમરિન ભટની હત્યા કરી હતી. તેમની પાસેથી એક પિસ્તોલ, 4 ભરેલી મેગેઝીન અને એક એ કે 56 રાઈફલ મળી આવી છે. 

— Kashmir Zone Police (@KashmirPolice) May 26, 2022

બીજી બાજુ શ્રીનગરમાં થયેલી અથડામણમાં લશ્કર એ તૈયબાના 2 આતંકીઓનો ખાતમો બોલાવ્યો. શ્રીનગરમાં જે આતંકીઓ માર્યા ગયા તેમની ઓળખ શાકિર અહમદ વાઝા અને આફરિન આફતાબ મલિક તરીકે થઈ છે. તેઓ શોપિયાના રહીશ હતા. હથિયારો અને ગોળા બારૂદ સહિત આપત્તિજનક સામગ્રી તેમની પાસેથી મળી આવી છે. 

અત્રે જણાવવાનું કે આતંકીઓએ બડગામ જિલ્લાના ચદૂરામાં રહેતી કાશ્મીરી ટીવી અભિનેત્રી અમરિન ભટની તેના ઘરની બહાર હત્યા કરી નાખી. અભિનેત્રી તે સમયે તેના ભત્રીજા સાથે ઘર બહાર ઊભી હતી. આતંકીઓને પકડવા માટે પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આ અગાઉ મંગળવારે જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી પર ફાયરિંગ થયું હતું જેમાં તેઓ શહીદ થયા.

આ અગાઉ સુરક્ષાદળોએ ગુરુવારે કૂપવાડામાં ઘૂસણખોરી કરી રહેલા 3 આતંકીઓે ઠાર કર્યા. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ લશ્કર એ તૈયબાના હોવાનું કહેવાય છે. તે પહેલા બુધવારે પણ બારામુલ્લામાં 3 આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. આ આતંકીઓ પાકિસ્તાની હતા. બારામુલ્લા એન્કાઉન્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન પણ શહીદ થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news