કર્ણાટક સંકટઃ 10 બળવાખોર ધારાસભ્ય મુંબઈ પહોંચ્યા, કોંગ્રેસની ઈમરજન્સી બેઠક

બંને પક્ષોના કુલ મળીને 14 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, જોકે, તેમનાં રાજીનામાનો હજુ સુધી વિધાનસભા સ્પીકર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો નથી 
 

કર્ણાટક સંકટઃ 10 બળવાખોર ધારાસભ્ય મુંબઈ પહોંચ્યા, કોંગ્રેસની ઈમરજન્સી બેઠક

બેંગલુરુ/નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર પર સંકટના વાદળો ઘેરા બનતાં જઈ રહ્યા છે. બંને પક્ષના કુલ મળીને લગભગ 14 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં છે. જોકે, તેમનાં રાજીનામાનો હજુ સુધી વિધાનસભા સ્પીકર દ્વારા સ્વીકાર કરાયો નથી, પરંતુ બંને પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. 

કોંગ્રેસના ધારાસભ્યો સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યા છે, તો જેડીએસના ધારાસભ્યો એવા આરોપ લગાવી રહ્યા છે કે, આ ગઠબંધન જનતાની અપેક્ષાઓ પુરું કરી શક્યું નથી. 10 બળવાખોર ધારાસભ્યોને બેંગલુરુથી ચાર્ટર્ડ પ્લેન મારફતે મુંબઈ લઈ જવાયા હતા. 

— ANI (@ANI) July 6, 2019

રાજીનામું આપનારા 14 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્ય બેંગલુરુમાં આવેલા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટડ(HAL)ના એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી તેઓ એક ચાર્ટર્ડ વિમાન દ્વારા મુંબઈ પહોંચ્યા છે. જ્યારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય રામલિંગા રેડ્ડી, એસ.ટી. સોમશેખર અને મુનિરત્ના હજુ પણ બેંગલુરુમાં જ છે. 

આ બાજુ સંકટમાં ઘેરાઈ ગયેલી કોંગ્રેસે દિલ્હીમાં એક ઈમરજન્સી બેઠક બોલાવી છે, જેમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ ભાગ લેવા આવી પહોંચ્યા છે. પી. ચિદમ્બરમ, રણદીપ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના નેતાઓ આ બેઠકમાં પહોંચ્યા છે. આ બેઠક પછી કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ સંકટ માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. 

— ANI (@ANI) July 6, 2019

આ બાજુ સરકાર પર આવી ગયેલા સંકટનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસે પોતાના નેતા વેણુગોપાલને દિલ્હીથી બેંગલુરુ માટે રવાના કરી દીધા છે. તેઓ સાંજે બેંગલુરુ પહોંચી ગયા છે. આ અગાઉ, રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યો સાથે કર્ણાટક સરકારમાં રહેલા શક્તિશાળી મંત્રી ડી.કે. શિવકુમારે બેઠક કરી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. અત્યાર સુધી કોંગ્રેસના 10થી વધુ અને જેડીએસના 3થી4 જેટલા ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી ચૂક્યા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news