ગોવા જવા નિકળેલા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો હરીફરીને પાછા મુંબઈ આવી ગયા

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર સામે બળવો પોકારનારા તમામ ધારાસભ્યો સોમવારે મુંબઈથી ગોવા જવા માટે નિકળ્યા હતા, પરંતુ તેમનો રસ્તો અચાનક બદલાઈ ગયો અને હવે તેઓ હરીફરીને પાછા એ જ શહેરમાં આવી ગયા જ્યાંથી તેઓ નિકળ્યા હતા 

ગોવા જવા નિકળેલા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો હરીફરીને પાછા મુંબઈ આવી ગયા

મુંબઈઃ કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની સ્થિતી પેલા હિન્દી ગીત જેવી થઈ ગઈ છે, જેના બોલ હતા 'જાના થા જાપાન, પહુંચ ગએ ચીન...'. કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર સામે બળવો પોકારનારા તમામ ધારાસભ્યો સોમવારે મુંબઈથી ગોવા જવા માટે નિકળ્યા હતા, પરંતુ તેમનો રસ્તો અચાનક બદલાઈ ગયો અને હવે તેઓ હરીફરીને પાછા એ જ શહેરમાં આવી ગયા જ્યાંથી તેઓ નિકળ્યા હતા.

હવે બળવાખોર ધારાસભ્યોનું નવું ઠેકાણું મુંબઈના પવઈમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટલ છે, તેઓ સતારાથી અહીં પહોંચ્યા છે, જ્યાં તેમને જવાનું ન હતું. બળવાખોર ધારાસભ્યો મુંબઈથી ગોવા માટે નિકળ્યા હતા, પરંતુ પુણેના રસ્તે સતારા થઈને તેઓ પાછા મુંબઈ આવી ગયા છે. 

તેમના ઠેકાણામાં ફેરફારનો આ નિર્ણય રાજકીય ન હતો, પરંતુ બળવાખોર ધારાસભ્યોને નિયંત્રણમાં રાખનારા હેન્ડલરનો હતો. કારણ કે, આ બળવાખોર ધારાસભ્યો સાથે સંપર્ક કરવાને યેનકેન પ્રકારેણ પ્રયાસ થઈ રહ્યો છે. કર્ણાટકમાં રાજીનામું આપ્યા પછી આ બળવાખોરોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમનું આ સરનામું જાહેર થઈ ગયું હતું. આથી કોઈ એક ધારાસભ્ય પણ ફુટી ન જાય એ વાતને ધ્યાનમાં રાખીને સોમવારે આ તમામને ગોવા લઈ જવાનો પ્લાન તૈયાર કરાયો હતો. 

બળવાખોર ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈથી ગોવા લઈ જવાના હતા, પરંતુ વરસાદે આ પ્લાન બગાડી નાખ્યો. આથી ધારાસભ્યોનો રૂટ બદલવાનો નિર્ણય લેવાયો. બળવાખોર ધારાસભ્યોને વિમાનને બદલે મોડી રાત્રે સડકના માર્ગે પુણેના તરફ રવાના કરવામાં આવ્યા. પુણે પહોંચે એ પહેલાં જ તેમને દક્ષિણની તરફ સતારા શહેરની દિશામાં લઈ જવાયા. મંગળવારે આ તમામ ધારાસભ્યોને સતારામાં આવેલા એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા. 

ફરી પાછો કોઈ અજાણ્યો આદેશ આવ્યો અને આ ધારાસભ્યોને સતારાથી પાછા મુંબઈ રવાના કરવામાં આવ્યા. પ્રાપ્ત અંતિમ માહિતી મુજબ અત્યારે આ બળવાખોર ધારાસભ્યોને મુંબઈના પવઈમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણ કરાવાયું છે. 

આ અંગે મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા માધવ ભંડારીએ ઝી મીડિયાને જણાવ્યું કે, બળવાખોર ધારાસભ્યો પોતાની રીતે જ અહીંથી તહીં ફરી રહ્યા છે. ભાજપ દ્વારા તેમના આવવા-જવાની વ્યવસ્થા કરવાની વાતમાં કોઈ દમ નથી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news