કર્ણાટક: કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના કારણે ગઠબંધન સરકાર પર સંકટ, આજે બજેટ રજુ થશે

કર્ણાટકમાં કોંગ્રેસના ચાર બળવાખોર અને કેટલાક અસંતોષી ધારાસભ્યોના કારણે એપ્રિલ-મે મહિનામાં થનારી લોકસભાની ચૂંટણી પહેલા જ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર સંકટના વાદળો છવાયા છે. પાર્ટીના વ્હિપની અવગણના કરતા કથિત રીતે કોંગ્રેસના 9 ધારાસબ્યો બુધવારે 10 દિવસના બજેટ સત્રના પહેલા દિવસે સદનમાં હાજર રહ્યાં નહતાં. 
કર્ણાટક: કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના કારણે ગઠબંધન સરકાર પર સંકટ, આજે બજેટ રજુ થશે

બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસના ચાર બળવાખોર અને કેટલાક અસંતોષી ધારાસભ્યોના કારણે એપ્રિલ-મે મહિનામાં થનારી લોકસભાની ચૂંટણી પહેલા જ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર સંકટના વાદળો છવાયા છે. પાર્ટીના વ્હિપની અવગણના કરતા કથિત રીતે કોંગ્રેસના 9 ધારાસબ્યો બુધવારે 10 દિવસના બજેટ સત્રના પહેલા દિવસે સદનમાં હાજર રહ્યાં નહતાં. 

વિધાનસભામાં ગુરુવારે બીજા દિવસે ભાજપના ધારાસભ્યોના હોબાળાના કારણે સદનની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હતી. ભાજપના ધારાસભ્યોએ એવો આરોપ લગાવ્યો કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પાસે બહુમત નથી. બુધવારે સદનની કાર્યવાહીમાં ગેરહાજર રહેનારા કોંગ્રેસના 9 ધારાસભ્યો ગુરુવારે  પણ સદનમાં હાજર રહ્યાં નહીં. 

જ્યારે સદનની કાર્યવાહી શરૂ થઈ તો ભાજપના ધારાસભ્યોનું પ્રદર્શન ચાલુ રહ્યું જેના કારણે અધ્યક્ષે શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી. મુખ્યમત્રી એચડી કુમારસ્વામીની સરકાર વર્ષ 2019-20 માટે બજેટ રજુ કરવાની છે. કર્ણાટક વિધાન પરિષદમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. જ્યાં ભાજપના સભ્ય અધ્યક્ષના આસનની નજીક પહોંચી ગયાં અને તેમણે એવો સૂત્રોચ્ચાર કર્યો કે સરકાર પાસે બહુમત નથી. 

બળવાખોર ધારાસભ્યો
બળવાખોર  ધારાસભ્યો રમેશ ઝારકિહોલી, મહેશ કુમાતલ્લી, ઉમેશ જાધવ અને બી. નાગેન્દ્ર સાથે સંપર્ક થતા નથી, કોંગ્રેસ ધારાસભ્ય દળ (સીએલપી)ના નેતા સિદ્ધારમૈયાએ ગુરુવારે ચેતવણી આપી છે કે જો શુક્રવાર સવાર સુધીમાં આ નેતાઓ સીએલપીની બેઠકમાં સામેલ નહીં થાય તો તેમને પક્ષ પલટા કાયદા હેઠળ અયોગ્ય જાહેર કરી શકાય છે. 

Image result for karnataka congress jds alliance zee news

જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના નેતા અને મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી શુક્રવારે એટલે કે આજે આગામી નાણાકીય બજેટ રજુ કરવાના છે. અસંતુષ્ટ ધારાસભ્યોને પહોંચી વળવા માટે કોંગ્રેસે સ્થિતિની સમીક્ષા કરી અને વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશકુમારને આ બાબતે પત્ર લખવાનો વિચાર થઈ રહ્યો છે. જેમાં બજેટ દરમિયાન ગેરહાજર  રહેનારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માગણી કરાશે. બજેટને 15 ફેબ્રુઆરીના રોજ ચર્ચા બાદ પસાર કરવાનું છે. બજેટ  પસાર કરવા માટે તમામ 79 કોંગ્રેસ ધારાસભ્યોની હાજરી સંસદમાં જરૂરી છે. 

સભ્યોનું ગણિત
225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં, જેમાં એંગ્લો ભારતીય સમુદાયના એક સભ્ય પણ સામેલ છે, અધ્યક્ષ મળીને કોંગ્રેસના 80 સભ્યો છે. જેડીએસના 37 અને ભાજપના 104 સભ્યો છે. આ ઉપરાંત બસપા અને સ્થાનિક પક્ષ કેપીજેપીના એક એક ધારાસભ્ય અને એક અપક્ષ છે. 

સત્તારૂઢ પાર્ટી પાસે ચાર બળવાખોર ધારાસભ્ય મળીને કુલ 116 ધારાસભ્યો છે. સરકાર બજેટ પાસ કરાવવામાં સક્ષમ હશે કારણ કે સામાન્ય બહુમત માટે 113ની સંખ્યા જરૂરી છે. એક કોંગ્રેસી નેતાએ કહ્યું કે જો ચાર બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરાય તો પણ સરકાર બજેટ પાસ કરાવી લેશે કારણ કે આવી સ્થિતિમાં સદનની ક્ષમતા 221ની થઈ જશે. બજેટ પસાર કરાવવા માટે માત્ર 111 સભ્યોની જરૂર પડશે. 

અપક્ષોએ સમર્થન પાછું લીધુ
કર્ણાટક પ્રગનાવેન્થા જનતા પાર્ટી (કેપીજેપી)ના એચ. નાગેશ અને અપક્ષ આર.શંકરે ગત મહિને ગઠબંધન સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચ્યુ હતું. બંને ધારાસભ્યો બુધવારે પણ સત્રમાં ગેરહાજર રહ્યાં. ગઠબંધનના સભ્યો જો કે નાગેશ અને શંકરને બજેટના પક્ષમાં મતદાન કે પછી સદનમાં ગેરહાજર રહેવાને લઈને લલચાવવાની કોશિશ કરી રહ્યાં છે. 

Image result for yeddyurappa zee news

ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પાએ જો કે દાવો કર્યો છે કે તેમની પાર્ટી ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરશે નહીં કે કુમારસ્વામીને બજેટ રજુ કરતા રોકશે નહીં. યેદિયુરપ્પાએ કહ્યું કે અમે અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં રજુ કરીએ કે ન તો રાજ્યપાલ પાસે જઈશું. સરકાર પોતે જ પોતાના ધારાસભ્યોના આંતરિક વિગ્રહના કારણે પડશે. સરકાર કોંગ્રેસના વિરોધના કારણે જોખમમાં છે અને ગઠબંધનના બે સાથીઓ વચ્ચે અનેક મુદ્દે ગંભીર  મતભેદો છે. સત્તાધારી ગઠબંધન જો કે અનિશ્ચિતતા અને સત્તાની વહેંચણી અંગે ઉથલપાથલ વચ્ચે પણ આઠ મહિનાથી સરકાર ચલાવવામાં સફળ રહી છે. 

કોઈને સ્પષ્ટ બહુમતી નહીં
પહેલીવાર એવું બન્યું કે સત્તાથી બહાર ગયેલી  કોંગ્રેસે રાજ્યમાં પોતાને પ્રાસંગિક બનાવી રાખવા માટે 23 મેના રોજ જેડીએસને બિનશરતી સમર્થન આપ્યું. આ અગાઉ 19 મેના રોજ ભાજપ સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. ખંડિત જનાદેશ વાસ્તવમાં કોંગ્રેસને સત્તામાંથી બહાર રાખવાનો હતો. જેને 2013માં 121 બેઠકો મળી હતી જ્યારે આ વખતે માત્ર 78 બેઠકો મળી. કોંગ્રેસે જો કે જેડીએસ સાથે મળીને સત્તા કબ્જે કરી લીધી. જ્યારે સૌથી વધુ સીટો મેળવીને પણ ભાજપ સત્તાથી દૂર રહ્યો. જ્યારે જેડીએસને માત્ર 37 બેઠકો મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news