Karnataka Assembly Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 10મી મેના રોજ મતદાન, જાણો ક્યારે પરિણામ
Karnataka Assembly Election Dates: ચૂંટણી પંચે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. કર્ણાટકમાં 24મી મેના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. અહીં ગત વખતે મે 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે.
Trending Photos
Karnataka Assembly Election 2023: ચૂંટણી પંચે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. કર્ણાટકમાં 10મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 તારીખે મતગણતરી હાથ ધરાશે એટલે કે પરિણામ જાહેર થશે. કર્ણાટકમાં 24મી મેના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. અહીં ગત વખતે મે 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે.
ચૂંટણી કાર્યક્રમ
નોટિફિકેશન 13 એપ્રિલે બહાર પડશે. નામાંકન માટે છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. નામાંકનની સ્ક્રૂટીની માટે 21 તારીખ છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે. આ ઉપરાંત રાજ્યમાં 10મી મેના રોજ મતદાન હાથ ધરાશે જ્યારે 13મી મેના રોજ મતગણતરી થશે. જે પરિણામનો દિવસ હશે.
એક જ તબક્કામાં મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મતદાન એક જ તબક્કામાં કરાવવામાં આવશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે. જે 224 વિધાનસભા બેઠકો માટે મતદાન કરશે. 9.17 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. તેમણે કહ્યું કે અમે એક પ્રોસેસ પહેલા શરૂ કરી હતી જે હેઠળ જે લોકો એક એપ્રિલના રોજ 18 વર્ષના થશે તેઓ પણ મતદાન કરી શકશે. આ માટે અમે એડવાન્સ અરજીઓ મંગાવી લીધી હતી.
Karnataka Assembly elections will be held on 10th May; counting of votes on 13th May pic.twitter.com/SYcfTnFnDB
— ANI (@ANI) March 29, 2023
ગત ચૂંટણી પરિણામ
ગત વખતે મે 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. ગત ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 78 બેઠકો અને JDS એ 37 અને અન્યએ 3 બેઠકો જીતી હતી. બહુમત માટે મેજીક ફિગર 113 બેઠકનો છે. રાજ્યમાં ગત વખતે જેડીએસ-કોંગ્રેસે સરકાર બનાવી હતી. પરંતુ આ વખતે જેડીએસ અલગ ચૂંટણી લડશે.
5 વર્ષમાં 3 સીએમ બદલાયા
કર્ણાટકમાં છેલ્લા 5 વર્ષમાં ઘણી રાજકીય ઉથલપાથલ જોવા મળી. 5 વર્ષમાં 3 વાર રાજ્યમાં સીએમ બદલાયા. સૌથી પહેલા કુમાર સ્વામીએ 23મી મે 2018ના રોજ સીએમ પદના શપથ લીધા. તેઓ 23 જુલાઈ 2019 સુધી સીએમ રહ્યા. ત્યારબાદ યેદિયુરપ્પા 26 જુલાઈ 2019થી 28 જુલાઈ 2021 સુધી સીએમ રહ્યા. યેદિયુરપ્પાના રાજીનામા બાદ 28 જુલાઈ 2021ના રોજ બસવરાજ મુખ્યમંત્રી બન્યા. તેઓ હાલ રાજ્યના સીએમ છે.
2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી સૌથી મોંઘી
કર્ણાટકમાં 12મે 2018ના રોજ 222 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં 5.06 કરોડથી વધુ મતદારોમાંથી રેકોર્ડ 72.13 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. સેન્ટર ફોર મીડિયા સ્ટડિઝે પોતાના સર્વેમાં તેને સૌથી મોંઘી ચૂંટણી ગણાવી હતી. કર્ણાટક ચૂંટણીમાં લગભગ 10 હજાર 500 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
ભાજપનો 150 બેઠકોનો ટાર્ગેટ
ભાજપે આગામી ચૂંટણી માટે 150 બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 મહિનામાં 7 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે. છેલ્લા પ્રવાસમાં બીએસ યેદિયુરપ્પા અને મોદી વચ્ચે મુલાકાત ચર્ચાનો વિષય રહી. મોદી 27 ફેબ્રુઆરીના રોજ શિવમોગા પહોંચ્યા હતા. અહીં તેમણે યેદિયુરપ્પાનું ઝૂકીને અભિવાદન કર્યું હતું. યેદિ સન્યાસ જાહેર કરી ચૂક્યા છે. 4 વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા 79 વર્ષના યેદિયુરપ્પા કેમ્પેઈન કમિટીના હેડ બનાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ યેદિયુરપ્પા પોતાના પુત્રો માટે રસ્તો બનાવવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે