પાક.ના જુઠ્ઠાણાનો પર્દાફાશ, આતંકી મસુદ અઝહર જેલમાં નહીં જૈશના વડામથકમાં છેઃ સૂત્ર

સમાચાર એજન્સી ANI અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા પછી પાકિસ્તાન સરકારે જૈશના વડાને અંડરગ્રાઉન્ડ રહેવા સુચના આપી છે. તેને જાહેરમાં ન આવવા અને મસ્જિદ કે કોઈ ધાર્મિક મેળાવડામાં પ્રવચન ન આપવા પણ આદેશ આપવામાં આવેલો છે. 

પાક.ના જુઠ્ઠાણાનો પર્દાફાશ, આતંકી મસુદ અઝહર જેલમાં નહીં જૈશના વડામથકમાં છેઃ સૂત્ર

નવી દિલ્હીઃ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનની કોઈ જેલમાં કેદ નથી, પરંતુ તે બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના વડામથકમાં આરામથી રહે છે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દુનિયાનું દબાણ વધ્યા પછી પાકિસ્તાને તેની ધરપકડ કરીને તેને જેલમાં કેદ કરવાનો દાવો કર્યો હતો. સૂત્રો અનુસાર, મસૂદ અઝહરનું છેલ્લું લોકેશન બહાવલપુરમાં આવેલા જૈશના વડામથકમાં આવેલું મરકઝ સુબ્હાનલ્લાહ હતું. 

આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મસૂદની તબિયત સારી છે, પરંતુ તે જાહેરમાં આવવા અને ઉપદેશ આપવાથી હાલ દૂર રહે છે. બીજી તરફ પાકિસ્તાન આખી દુનિયા સામે એવો દાવો કરી રહ્યું છે કે, તે પોતાની ધરતી પરથી સંચાલિત આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આંતકીઓને શરણ આપવી, તાલીમ આપવી, જમ્મુ-કાશ્મીરમાં મોકલવાના પુરાવા બાદ પણ પાકિસ્તાનના વડાપ્રધાન એ વાતનું ખંડન કરતા રહ્યા છે. 

સમાચાર એજન્સી ANI અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા પછી પાકિસ્તાન સરકારે જૈશના વડાને અંડરગ્રાઉન્ડ રહેવા સુચના આપી છે. તેને જાહેરમાં ન આવવા અને મસ્જિદ કે કોઈ ધાર્મિક મેળાવડામાં પ્રવચન ન આપવા પણ આદેશ આપવામાં આવેલો છે. 

ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝરને વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC-814ના અપહરણ પછી મુસાફરોને છોડવાના બદલામાં ભારતીય જેલમાંથી મુક્તી આપવામાં આવી હતી. મહિનાઓ પછી તે પાકિસ્તાનમાં મુક્ત રીતે ફરતો થઈ ગયો હતો અને તેણે જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનની સ્થાપના કરી હતી, જેણે ભારતમાં અસંખ્ય ઘાતક આતંકવાદી હુમલા કર્યા છે. 

જૈશ દ્વારા ભારતમાં કરવામાં આવેલા મુખ્ય હુમલાઓમાં  2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પરિસર પર હુમલો, 2001માં દિલ્હીમાં ભારતીય સંસદ પર કરેલો હુમલો, 2016માં પઠાણ કોટ એરબેઝ પર કરેલો હુમલો, 2017માં જમ્મુ અને ઉરીમાં લશ્કરી થાણા પર કરેલો હુમલો અને તાજેતરના વર્ષ 2019માં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરેલો હુમલાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારત સરકારે નવા બનાવેલા આતંકવાદી નિરોધક નવા કાયદા અંતર્ગત જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ, મુંબઈ હુમલાના આરોપી જકી-ઉર-રહેમાન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને આતંકવાદી જાહેર કર્યા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news