ISROએ લોન્ચ કર્યો સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-7A, ભારતીય વાયુસેના બનશે 'શક્તિશાળી'

આ ઉપગ્રહ ભારતીય વિસ્તારમાં Ku બેન્ડમાં વાયુસેનાની સંદેશાવ્યવહાર ક્ષમતામાં વધારો કરશે, તેના લોન્ચિંગથી વાયુસેનાની નેટવર્કિંગ ક્ષમતા મજબૂત બનશે 

ISROએ લોન્ચ કર્યો સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-7A, ભારતીય વાયુસેના બનશે 'શક્તિશાળી'

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી જીઓસ્ટેશનરી મિલિટરી કમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-7A જીઓસિન્ક્રોનસ લોન્ચ વ્હિકલ- GSLV-F11ની મદદથી લોન્ચ કરાયો હતો. GSAT-7Aનું વજન 2,250 કિગ્રામ છે. તે ભારતીય વિસ્તારમાં Ku બેન્ડમાં વાયુસેનાની સંદેશાવ્યવહારની ક્ષમતામાં વધારો કરશે. 

GSAT-7A વર્ષ 2018માં શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ થનારો 7મો ઉપગ્રહ છે. ઈસરોના લોન્ચ વ્હિકલ GSLV-F11નું આ 69મું મિશન હતું. GSLV-F11 ઈસરોનું ચોથી પેઢીનું લોન્ચ વ્હિકલ છે, જે ત્રણ તબક્કામાં આગળ વધે છે. 

આ લોન્ચથી ઈસરોની સફળતામાં એક નવું છોગું ઉમેરાયું છે. તેની સાથે જ ભારતીય વાયુસેનાની સંદેશાવ્યવહાર ક્ષમતામાં વધારો થઈ ગયો છે. તેની મદદથી હવે ફાઈટર જેટ વિમાન તેમની ઉડાન દરમિયાન પણ એક-બીજા સાથે સંદેશાવ્યવહાર કરી શકશે. ઈસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહની મદદથી હવાથી હવામાં અને હવાથી જમીન પરનો સંદેશાવ્યવહાર વધુ સ્પષ્ટ થઈ જશે. ઉપગ્રહમાં રિસિવિંગ અને એમ્પિલફાઈંગ સિગ્નલ્સ જેટ વિમાનમાં સિગ્નલ મેળવીને તેને બીજા જેટ વિમાનમાં અથવા તો ગ્રાઉન્ડ સ્ટેશન સુધી પહોંચાડશે. 

આ સાથે જ તે નિરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનના સંચાલનને પણ વધુ સરળ બનાવશે. માનવરહિત ડ્રોનને હવે વધુ સારી રીતે સંચાલિત કરી શકાશે. 

2,250 કિગ્રા વજન ધરાવતા GSAT-7Aનું આયુષ્ય 8 વર્ષનું છે. આ ઉપગ્રહ ભારતીય વિસ્તારમાં Ku બેન્ડમાં સંદેશાવ્યવહારની ક્ષમતામાં વધારો કરશે. 

ઈસરોના લોન્ચ વ્હિકલ GSLV-F11 દ્વારા GSAT-7A ઉપગ્રહને જીયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં પ્રક્ષેપિત કરાયો હતો. આ ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા માટેની 26 કલાકની ઊંધી ગણતરી મંગળવારે બપોરે ભારતીય સમયાનુસાર બપોરે 2 કલાક 10 મિનિટે શરૂ કરાઈ હતી. તેના પ્રક્ષેપણનો સમય બુધવારે સાંજે 4.10નો રાખવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news