ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો
ભારતીય અંતરિક્ષ રિસર્ચ સંગઠન (ISRO) એ વિક્રમ લેન્ડર (Vikram Lander) મામલે મંગળવારે મહત્વપૂર્ણ વાત કરી છે. ઇસરોએ કહ્યું કે, વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ રિસર્ચ સંગઠન ઇસરો (ISRO) એ વિક્રમ લેન્ડર (Lander Vikram) મામલે મંગળવારે કહ્યું કે, વિક્રમ સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અંતરિક્ષ એજન્સીએ મંગળવારે ટ્વિટ કરી કહ્યું કે, ચંદ્રયાન 2 ઓર્બિટરે વિક્રમ લેન્ડરની ભાળ મેળવી લીધી છે પરંતુ હજુ સુધી એની સાથે સંપર્ક થઇ શક્યો નથી. સંપર્ક સ્થાપિત કરવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇસરોએ જોકે એ નથી જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર હાલ કેવી સ્થિતિ અને સંજોગોમાં છે. આ અગાઉ સોમવારે ઇસરોએ કહ્યું હતું કે, ચંદ્રયાન 2 નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીએ પડ્યા બાદ તૂટ્યું નથી. ઇસરોના સુત્રોએ કહ્યું હતું કે, લેન્ડર વિક્રમને જે રીતે ઉતરાણ કરવાનું હતું એ રીતે એનું ઉતરાણ થયું નથી. ઇસરોએ એ પણ કહ્યું કે, લેન્ડર વિક્રમથી સંપર્ક કરવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ઇસરોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જેના એક દિવસ અગાઉ ઇસરોના ચેરમેન ડો. કે સિવાને કહ્યું હતું કે, ચંદ્રયાન 2 ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ ઇમેજ મોકલી છે. કે સિવાને રવિવારે કહ્યું હતું કે, અમે વિક્રમ સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. આ અંગે જલ્દી જાણકારી આપવામાં આવશે. જોકે એમણે એ પણ કહ્યું હતું કે, આ મામલે હાલ વધુ કહેવું ઉતાવળ ગણાશે.
ઉલ્લેખનિય છે કે, સાત સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાનું હતું જોકે ગણતરીની છેલ્લી મિનિટોમાં એનો સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રની સપાટીથી તે માત્ર 2.1 કિલોમીટર જ દૂર હતું ત્યારે એનો સંપર્ક તૂટી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે