Pakistan ચલાવે છે ખોટા સમાચારોની ફેક્ટરી, ભારતે બ્લોક કરી 35 યુટ્યૂબ ચેનલો અને 2 વેબસાઇટ
મંત્રાલય દ્વારા બ્લૉક કરવામાં આવેલા તમામ 35 એકાઉન્ટ્સ પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવતા હતા અને ખોટી માહિતીના ચાર સંકલિત નેટવર્કનો તે હિસ્સો હોવાનું ઓળખી કાઢવામાં આવ્યું છે. આમાં અપની દુનિયા નેટવર્ક સામેલ છે જે 14 યુટ્યૂબ ચેનલો ચલાવે છે.
Trending Photos
નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયા પર સંકલિત રીતે ભારત વિરોધી ખોટા સામાચારો ફેલાવવામાં સામેલ હોય તેવી 35 યુટ્યૂબ ચેનલો અને 2 વેબસાઇટને બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલય દ્વારા બ્લૉક કરવામાં આવેલી યુટ્યૂબ ચેનલોમાં કુલ 1 કરોડ 20 લાખ કરતાં વધારે સબ્સ્ક્રાઇબરો છે અને તેમના વીડિયોને 130 કરોડ કરતાં વધારે વ્યૂ મળેલા છે. આ ઉપરાંત, બે ટ્વીટર એકાઉન્ટ, બે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક ફેસબુક એકાઉન્ટને પણ સરકાર દ્વારા બ્લૉક કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સ પણ ઇન્ટરનેટના માધ્યમથી સંકલિત રીતે ભારત વિરોધી ખોટી માહિતી ફેલાવવાના કૃત્યમાં સંડોવાયેલા છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા) કાયદા, 2021ના નિયમ 16 હેઠળ પાંચ અલગ અલગ આદેશો મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાન સ્થિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટ્સને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ ખૂબ જ નીકટતાથી આના પર દેખરેખ રાખી રહી હતી અને મંત્રાલય દ્વારા તાત્કાલિક પગલાં લેવા માટે તેને ફ્લેગ કરવામાં આવી હતી.
Yesterday on 20th January, based on fresh intelligence inputs which the Ministry received, we have issued directions for blocking 35 YouTube channels, 2 Twitter accounts, 2 Instagram Accounts, 2 websites & a Facebook account: Vikram Sahay, Joint Secretary (P&A), I-B Ministry pic.twitter.com/rO2YFJOYlX
— ANI (@ANI) January 21, 2022
મોડસ ઓપેરન્ડી: ખોટી માહિતીનું સંકલિત નેટવર્ક
મંત્રાલય દ્વારા બ્લૉક કરવામાં આવેલા તમામ 35 એકાઉન્ટ્સ પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવતા હતા અને ખોટી માહિતીના ચાર સંકલિત નેટવર્કનો તે હિસ્સો હોવાનું ઓળખી કાઢવામાં આવ્યું છે. આમાં અપની દુનિયા નેટવર્ક સામેલ છે જે 14 યુટ્યૂબ ચેનલો ચલાવે છે, તલ્હા ફિલ્મ્સ નેટવર્ક છે જે 13 યુટ્યૂબ ચેનલો ચલાવે છે. ચાર ચેનલો અને બે અન્ય ચેનલો પણ એકબીજા સાથે તાલમેલમાં કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ તમામ નેટવર્ક ભારતીય પ્રેક્ષકોને ખોટા (જુઠ્ઠા) સમાચાર ફેલાવવાના એક માત્ર ઉદ્દેશથી ચલાવવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે ચેનલો નેટવર્કના ભાગ રૂપે ચાલી રહી હતી તે એવા સામાન્ય હૅશટેગ્સ અને સંપાદન શૈલીઓનો ઉપયોગ કરતી હતી, તે સામાન્ય વ્યક્તિઓ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી અને એકબીજાની સામગ્રીને તેઓ સામસામે પ્રોત્સાહન આપતી હતી. કેટલીક યૂટ્યુબ ચેનલો પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલોના એન્કરો દ્વારા ચલાવવામાં આવી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.
સામગ્રીનો પ્રકાર
મંત્રાલય દ્વારા બ્લૉક કરવામાં આવેલી યુટ્યૂબ ચેનલો અને વેબસાઇટ્સ તેમજ અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારત વિરોધી ખોટા સમાચારો ફેલાવવા માટે પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હતા અને ભારત સંબંધિત સંવદેનશીલ વિષયો વિશે ખોટી માહિતીનો પ્રસાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમાં ભારતીય સૈન્ય, જમ્મુ અને કાશ્મીર તેમજ ભારતના વિદેશ સાથેના સંબંધો જેવા મુદ્દાઓ પણ સામેલ છે. એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે, ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દિવંગત જનરલ બિપિન રાવતના નિધન વિશે યૂટ્યુબ ચેનલો દ્વારા પ્રચંડ માત્રામાં નકલી સમાચાર ફેલાવવામાં આવ્યા હતા. આ યૂટ્યુબ ચેનલોએ પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણીની લોકશાહે ઢબે થતી પ્રક્રિયાને નબળી પાડવા માટે સામગ્રી પોસ્ટ કરવાનું પણ શરૂ કર્યું હતું.
આ ચેનલો દ્વારા ભાગલાવાદને પ્રોત્સાહન આપતી અપ્રચાર કરતી સામગ્રીઓ, ભારતને ધર્મના નામે વિભાજિત કરવાના ઇરાદા સાથેની સામગ્રીનો પણ ફેલાવો કરવામાં આવ્યો છે અને ભારતીય સમાજના વિવિધ વર્ગોમાં વેરભાવના ઊભી કરવા માટે ખોટી માહિતીનો પ્રસાર કર્યો છે. આવી માહિતી દેશમાં જાહેર વ્યવસ્થા પર વિપરિત અસર કરતા ગુનાઓ માટે લોકોને ઉશ્કેરવાની સંભાવના ધરાવતી હોવાની આશંકા હતી.
સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાંરૂપે 20 યુટ્યૂબ ચેનલો અને 2 વેબસાઇટને ડિસેમ્બર 2021માં બ્લૉક કરવામાં આવી હતી. તે સમયે IT કાયદા, 2021 હેઠળ પહેલી વખત કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને આવા ભારત વિરોધી ખોટા સમાચારોના નેટવર્કો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતમાં એકંદરે માહિતીનો માહોલ સુરક્ષિત રીતે જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુપ્તચર એજન્સીઓ અને મંત્રાલય સતત ઘનિષ્ઠતાપૂર્વક કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે