હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘર અને ઓફિસે IT ની રેડ, જાણો શું છે આરોપ?
દેશના સૌથી મોટા દ્વિચક્કી વાહન નિર્માતા હીરો મોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પવન મુંજાલના ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ પડી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના સૌથી મોટા દ્વિચક્કી વાહન નિર્માતા હીરો મોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પવન મુંજાલના ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ પડી છે. કહેવાય છે કે પવન મુંજાલના ગુરુગ્રામ અને દિલ્હી સ્થિત ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી. જો કે હીરો મોટોકોર્પ તરફથી દરોડાની કાર્યવાહી વિશે કોઈ નિવેદન આવ્યું નથી.
પવન મુંજાલ અને હીરો મોટોકોર્પ પર શું છે આરોપ?
હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલ સામે આરોપ છે કે તેમણે પોતાના એકાઉન્ટમાં બોગસ ખર્ચ દેખાડ્યો છે. આવકવેરા ડિપાર્ટમેન્ટ તે અંગે દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. આવકવેરા વિભાગની ટીમને જે શંકાસ્પદ ખર્ચા મળ્યા છે તેમા કેટલીક ઈનહાઉસ કંપનીઓના પણ છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વિભાગના અધિકારીઓની એક ટીમ કંપની અને તેના પ્રમોટરોના નાણાકીય દસ્તાવેજો તથા અન્ય વ્યાપારી લેવડ દેવડની તપાસ કરી રહી છે.
2001થી સતત ટોપ પર છે હીરો મોટોકોર્પ
અત્રે જણાવવાનું કે હીરો મોટોકોર્પે વર્ષ 2001માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ યુનિટ વોલ્યુમનું વેચાણ કર્યું હતું અને દુનિયાની સૌથી મોટી દ્વિચક્કી વાહન નિર્માતા કંપની બની હતી. ત્યારબાદ કંપનીએ છેલ્લા 20 વર્ષથી સતત આ ખિતાબ પોતાની પાસે રાખ્યો છે. અત્યાર સુધીમાં હીરો મોટોકોર્પે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 100 મિલિયનથી વધુ બાઈક્સનું વેચાણ કર્યું છે. પવન મુંજાલના નેતૃત્વમાં કંપનીની એશિયા, આફ્રિકા અને દક્ષિણ તથા મધ્ય અમેરિકામાં 40 દેશોમાં ઉપસ્થિતિ છે.
કંપનીના શેરમાં સતત ઘટાડો ચાલુ
આવકવેરા વિભાગના દરોડા બાદ હીરો મોટોકોર્પના શેરમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ગત એક સપ્તાહમાં કંપનીના શેરમાં એક ટકાનો ઘટાડો થયો છે અને આ એક મહિનામાં 11 ટકા ભાવ તૂટ્યા છે. આ ઉપરાંત માર્ચ 2021ની સરખામણીમાં માર્ચ 2022 સુધી શેરમાં 23 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેર્સે 4 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.
હીરો મોટોકોર્પનું ફેબ્રુઆરીમાં 29 ટકા વેચાણ ઘટ્યું
હીરો મોટોકોર્પનું જથ્થાબંધ વેચાણ ફેબ્રુઆરી 2022માં 29 ટકા ઘટીને 3,58,254 યુનિટ રહ્યું. હીરો મોટોકોર્પે હાલમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ગત વર્ષે આ જ મહિનામાં 5,05,467 યુનિટ વેચ્યા હતા. કંપનીનું ઘરેલુ વેચાણ પણ ફેબ્રુઆરી 2022 દરમિયાન 31.57 ટકા ઘટીને 3,31,462 યુનિટ રહ્યું. જે ફેબ્રુઆરી 2021માં 4,84,433 યુનિટ રહ્યું. આ ઉપરાંત હીરો મોટોકોર્પે ગત મહિને 3,38,454 મોટરસાઈકલ વેચી જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં કંપનીએ 4,63,723 યુનિટ વેચ્યા હતા. કંપનીના સ્કૂટરનું વેચાણ પણ ફેબ્રુઆરી 2022માં ઘટીને 19,800 યુનિટ પર આવી ગયું. એક વર્ષ પહેલા આ જ મહિનામાં કંપનીએ 41,744 સ્કૂટર વેચ્યા હતા. કંપનીની નિકાસ જો કે ગત મહિને વધીને 26,792 યુનિટ પર પહોંચી ગઈ જે ફેબ્રુઆરી 2021માં 21,034 યુનિટ હતું.
(ઈનપુટ- ન્યૂઝ એજન્સી પીટીઆઈ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે