Video: ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, નૈનીતાલમાં નૈની લેકનું પાણી ઉચ્ચતમ સ્તરે, રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ

ઉત્તરાખંડ (Uttarakhand) માં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પ્રદેશમાં તબાહી મચી છે. હવામાન ખાતાએ આજે એટલે કે 19 ઓક્ટોબર માટે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

Video: ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, નૈનીતાલમાં નૈની લેકનું પાણી ઉચ્ચતમ સ્તરે, રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ

નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand) માં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પ્રદેશમાં તબાહી મચી છે. હવામાન ખાતાએ આજે એટલે કે 19 ઓક્ટોબર માટે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથૌરાગઢના 3500 મીટરથી ઊંચા વિસ્તારોમાં બરફવર્ષાની પણ ચેતવણી છે. નૈનીતાલના રામગઢમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 

આ ઘટના પર નૈનીતાલના એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ કહ્યું કે રામગઢમાં વાદળ ફાટવાની ઘટના ઘટી છે. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેટલા લોકો ઘાયલ છે તે હજુ જાણી શકાયું નથી. આ બધા વચ્ચે પ્રશાસને ચારધામ યાત્રા માટે આવેલા તીર્થયાત્રીઓને હરિદ્વાર અને ઋષિકેશમાં રોક્યા છે. હવામાન ચોખ્ખુ થયા બાદ જ તેમને કેદારનાથ, બદ્રીનાથ માટે રવાના કરાશે. ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ છે. ટ્રેક્ટરથી લઈને કાર સુધી બધુ પાણીમાં વહેતું જોવા મળી રહ્યું છે. 

— ANI (@ANI) October 19, 2021

ઉત્તરાખંડમાં આકાશમાંથી એવી આફત વરસી રહી છે કે જમીન પર ત્રાહિમામ છે. વરસાદના પાણી વચ્ચેના તેજ પ્રવાહના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. ઋષિકેશમાં જ્યાં ગંગા ઉછાળા મારી રહી છે ત્યાં નૈનીતાલમાં તળાવનું પાણી માલ રોડ પર આવી ગયું છે. ગંગા અને તેની સહાયક નદીઓ રૌદ્ર સ્વરૂપમાં છે. 

— ANI (@ANI) October 19, 2021

નૈનીતાલમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં 500 એમએમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદના કારણે નૈની લેકનું પાણી મંગળવારે સવારે રોડવેઝ બસ ડેપો સહિત ડીએમ કાર્યાલય તરફ જતા રસ્તા સુધી પહોંચી ગયું. અહીંથી પાણી આસપાસની દુકાનોની અંદર પહોંચી ગયું. નૈનીતાલનો રોડ સંપર્ક પણ દેશના અન્ય વિસ્તારો સાથેથી કપાઈ ગયો છે. કાલાઢૂંગી, હલ્દ્વાની, ભવાની તરફ જતા તમામ રસ્તાઓ પર ભૂસ્ખલનના કારણે કાટમાળ આવી જવાથી બંધ છે. ભારે વરસાદના કરાણે નૈનીતાલ આવનારા મુસાફરો પણ પરેશાન છે. નૈનીતાલ ફરવા આવેલા પર્યટકો આસમાની આફતના કારણે પરેશાન જોવા મળ્યા છે. 

તમામ પર્યટકો હોટલોમાં રહેવા માટે મજબૂર છે. કેટલાક પર્યટકો આ દરમિયાન રસ્તાઓ પર ઘૂમતા નજરે ચડ્યા. તેમનું કહેવું હતું કે તેમને બંધ હોટલમાં ડર લાગી રહ્યો છે તથા હોટલ સંચાલક તેમને બીજા દિવસના ભાડા જમા કરવા માટે પણ કહી રહ્યા છે જે કારણે હવે તેઓ નવી હોટલ શોધી રહ્યા છે. 

ગંગાએ ઋષિકેશના ઘાટોને પોતાની આગોશમાં લઈ લીધા છે. ખતરાના નિશાનને પાર કરી ચૂકેલી ગંગા એ હદે ડરાવી રહી છે કે પ્રશાસનની ઊંઘ ઉડી ગઈ છે. સુરક્ષા કારણોસર લોકોને કહી દેવાયું છે કે જીવ બચાવવા માટે સુરક્ષિત વિસ્તારોમાં જતા રહો. ઉત્તરાખંડના નૈનીતાલમાં શિપ્રા નદીએ કહેર વર્તાવેલો છે. આમ તો શાંત રહેતી શિપ્રા નદીના વિકરાળ સ્વરૂપે નદી કિનારે રહેતા લોકોના હોશ ઉડાવી દીધા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હાલાત જોતા સ્થાનિક રહીશો વચ્ચે ખુબ ડરનો માહોલ છે. પ્રશાસન સતત સ્થિતિ મોનિટર કરી રહ્યું છે. આફતગ્રસ્ત લોકોને તહસીલ અને રાજકીય ઈન્ટર કોલેજમાં હંગામી રીતે શરણ અપાઈ રહી છે. 

— ANI (@ANI) October 19, 2021

ઉત્તરાખંડમાં હવામાન ખાતાની હાઈ અલર્ટ બાદથી જ આફત બનેલા વરસાદે પ્રદેશમાં જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. ઉત્તરાખંડના હાલાત પર પીએમ મોદીએ સીએમ પુષ્કર ધામી સાથે ટેલિફોન પર વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 16 લોકોના જીવ ગયા છે. આ બધા વચ્ચે 24 કલાકનું ભારે વરસાદનું પણ અલર્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news