શાં માટે પીએમ મોદી માટે આપ્યું હતું વિવાદિત નિવેદન? CM કુમારસ્વામીએ કરી સ્પષ્ટતા

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમણે આપેલા વિવાદિત નિવેદન અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે.

શાં માટે પીએમ મોદી માટે આપ્યું હતું વિવાદિત નિવેદન? CM કુમારસ્વામીએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમણે આપેલા વિવાદિત નિવેદન અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. વાત જાણે એમ છે કે તેમણે 9 એપ્રિલના રોજ એક રેલીમાં કહ્યું હતું કે પીએમ મોદી દરરોજ સવારે ઉઠ્યા બાદ ચહેરા પર ચમક લાવવા માટે મેકઅપ કરે છે. પોતાના આ નિવેદન પર સ્પષ્ટીકરણ કરતા તેમણે કહ્યું કે, 'ભાજપના તમામ લોકો કહે છેકે પીએમ મોદીનો ચહેરો જુઓ અને અમને મત આપો, એટલે મેં આવું કહ્યું હતું.'

તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈક મુદ્દે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદી ચૂંટણી રેલીઓમાં એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેમના દ્વારા તેમની ઓફિસ (પીએમઓ)નો દૂરઉપયોગ કરવો એ ખોટું છે. તેમણે કહ્યું કે આ દેશમાં અગાઉ પણ અનેક વડાપ્રધાન રહ્યાં. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ થયા. પરંતુ ક્યારેય કોઈએ તેને મુદ્દો બનાવીને લાભ ઉઠાવ્યો નથી. પીએમ મોદી દેશની જનતાને ગુમરાહ કરી રહ્યાં છે. 

— ANI (@ANI) April 20, 2019

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે પહેલા લોકો મારો વિરોધ કરતા હતાં. પરંતુ હવે લોકોને ખાતરી થઈ ગઈ છે કે કોંગ્રેસ સાથે હાથ મીલાવીને સારું કર્યું છે. તેઓને ખબર પડી ગઈ છે કે કુમારસ્વામી હવે કર્ણાટકના વિકાસ માટે કાર્યરત છે. લોકોનું એ જ માનવું છે. 

સીએમ કુમારસ્વામીએ પિતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સવાલ પૂછ્યો કે જ્યારે 1995માં મારા પિતા એચડી દેવગૌડા 10 મહિના માટે વડાપ્રધાન હતાં તો ત્યારે  દેશમાં કોઈ આતંકી ઘટના થઈ હતી? તે સમયે ભારત-પાકિસ્તાન સરહદે કોઈ આતંકી ગતિવિધિ થઈ હતી? જ્યારે મારા પિતા પીએમ હતાં ત્યારે આખો દેશ શાંત હતો. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે એચડી દેવગૌડા એક સારા અને અનુભવી પ્રશાસક છે. મારા મતે તેઓ બીજા બધા કરતા ઘણા સારા છે. પરંતુ હવે તેમને આ બધામાં કોઈ રસ નથી. તેમણે પહેલેથી જ વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર કરી દીધુ છે. તેમણે કહ્યું કે ચૂંટણી બાદ ભાજપની સરકાર નહીં હોય. અમે અનેક સ્થાનિક પક્ષો સાથે મળીને સરકાર બનાવીશું. આવામાં દેવગૌડા સલાહકારની મહત્વની ભૂમિકા ભજવશે. હું પણ તે સરકારનો ભાગ રહીશ પરંતુ કર્ણાટકમાં જ રહીને. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news