મહારાષ્ટ્રનો CM હું જ બનીશ, શિવસેના સાથે ક્યારેય 50-50 ફોર્મ્યુલા પર વાત નથી કરી: ફડણવીસ

મહારાષ્ટ્રમાં ભલે ભાજપ-શિવસેના ગઠબંધન સ્પષ્ટ બહુમતી સાથે જીતી ગયું હોય પરંતુ સત્તામાં આવતા પહેલા જ મુખ્યમંત્રી પદની દાવેદારીને લઈને પેચ ફસાયો છે.

મહારાષ્ટ્રનો CM હું જ બનીશ, શિવસેના સાથે ક્યારેય 50-50 ફોર્મ્યુલા પર વાત નથી કરી: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભલે ભાજપ-શિવસેના ગઠબંધન સ્પષ્ટ બહુમતી સાથે જીતી ગયું હોય પરંતુ સત્તામાં આવતા પહેલા જ મુખ્યમંત્રી પદની દાવેદારીને લઈને પેચ ફસાયો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રમાં સરકારની રચના પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ-શિવસેના ગઠબંધનની જ સરકાર બનશે અને હું આગામી પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી બનીશ. નવી સરકારના શપથગ્રહણનો સમય હજુ નક્કી થયો નથી. દેવેન્દ્ર ફડણવીસે આ સાથે જ સ્પષ્ટ કર્યું કે શિવસેના સાથે ક્યારેય 50-50 ફોર્મ્યુલા પર ચર્ચા કરી નથી. સામનામાં શિવસેનાએ જે લખ્યુ તેનાથી અમે 100 ટકા નારાજ છીએ. શિવસેના સાથ ન આપે તો પ્લાન બીના અહેવાલો પર ફડણવીસે કહ્યું કે અમારી પાસે ફક્ત પ્લાન એ છે અને કોઈ બીજો પ્લાન નથી. એટલે કે ભાજપ-શિવસેના ગઠબંધનની જ સરકાર બનશે. સીએમ આવાસ વર્ષા બંગલા પર સીએમ ફડણવીસે દિવાળીના અવસરે પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં આ વાતો કરી. 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદની વાત અમે ક્યારેય નક્કી કરી નથી. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં જ સરકાર બનશે. હું જ આગામી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહીશ અને તેના પર મને કોઈ શંકા નથી. તેમણે એમ પણ કહ્યું કે મુખપત્ર સામનામાં કહેવાતી વાતોનો ચર્ચા માટે કોઈ રોલ હોતો નથી. શિવસેનાને કયા કયા વિભાગ આપવામાં આવશે તે હજુ નક્કી નથી. જ્યારે બંને પાર્ટીઓની ચર્ચા થશે તે સમયે નિર્ણય લેવાશે. 1995ના ગઠબંધનનો ફોર્મ્યુલા, એવું કઈ નક્કી થયું નથી. 

જુઓ LIVE TV

શિવસેનાના સામના મુખપત્રમાં લખાયેલી વાતો પર સીએમ ફડણવીસે કહ્યું કે જે કઈ લખાયુ છે તેના પર અમારી 100 ટકા નારાજગી છે. કોંગ્રેસ-એનસીપી જે બોલતા પણ નથી તે પણ લખાય છે. જેવું અમારા વિરુદ્ધ લખવામાં આવે છે તે જ તાકાતથી કોંગ્રેસ-એનસીપી ગઠબંધન વિરુદ્ધ લખીને દેખાડો. ભાજપ અધ્યક્ષ અમિત શાહના 30 ઓક્ટોબરના સંભવિત પ્રવાસ અંગે કહ્યું કે તેઓ કાલે નહીં આવે. ભાજપ અને શિવસેનામાં અધિકૃત રીતે અનૌપચારિક વાતચીત ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news