BBC ડોક્યુમેન્ટ્રીને શેર કરનાર ટ્વીટ બ્લોક કરવાનો આદેશ, યૂટ્યુબ વીડિયો પર લાગી ચુક્યો છે પ્રતિબંધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો પર આધારિત બીબીસીની ડોક્યુમેન્ટ્રીને ભારતના દુષ્પ્રચારનો એક ભાગ ગણાવતા તેને નકારી દીધી હતી. 

BBC ડોક્યુમેન્ટ્રીને શેર કરનાર ટ્વીટ બ્લોક કરવાનો આદેશ, યૂટ્યુબ વીડિયો પર લાગી ચુક્યો છે પ્રતિબંધ

નવી દિલ્હીઃ BBC Documentary Row:ગુજરાત રમખાણો પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રીના પ્રથમ એપિસોડને શેર કરતા કેટલાક યુટ્યુબ વિડીયો બ્લોક કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા શનિવારે (21 જાન્યુઆરી) જારી સૂચનાઓ અનુસાર, આ ડોક્યુમેન્ટરીના એપિસોડને શેર કરતા યુટ્યુબ વીડિયોને બ્લોક કરવામાં આવ્યા હતા. આ સાથે કેન્દ્રએ ટ્વિટરને સંબંધિત યુટ્યુબ વીડિયોની લિંક ધરાવતી 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સૂચના તથા પ્રસારણ મંત્રાલય તરફથી શુક્રવારે IT નિયમ, 2021 હેઠળ ઈમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરતા કથિત રીતે નિર્દેશ જારી થયા બાદ યુટ્યુબ અને ટ્વિટર બંનેએ સરકારની સાથે અનુપાલન કર્યું. ઉલ્લેખનીય છે કે બીબીસીએ 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' શીર્ષકથી બે ભાગમાં એક નવી ડોક્યુમેન્ટરી બનાવી છે. આ સિરીઝ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો પર આધારિત છે, જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. 

સરકારે વ્યક્ત કરી નારાજગી
સૂત્રોએ કહ્યું કે બીબીસી તરફથી આ ડોક્યુમેન્ટ્રી સિરીઝને ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. પરંતુ કેટલીક યુટ્યુબ ચેનલોએ ભારત વિરોધી એજન્ડાને આગળ વધારવા માટે તેને અપલોડ કરી છે. આ પહેલા ભારતે ગુરૂવારે આ વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી સિરીઝની નિંદા કરી હતી. સરકારે ડોક્યુમેન્ટ્રી પર નારાજગી વ્યક્ત કરી અને તેને કેટલાક પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. 

યુટ્યુબ-ટ્વિટરને આપ્યો નિર્દેશ
સૂત્રોએ જણાવ્યું કે યુટ્યુબને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો વીડિયોને ફરીથી તેના પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે તો તેને બ્લોક કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ટ્વિટરને અન્ય પ્લેટફોર્મ પર વીડિયોની લિંકવાળી ટ્વીટની ઓળખ કરી તેને બ્લોક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

આ નિર્ણય ઘણા મંત્રાલયોના સર્વોચ્ચ સરકારી અધિકારીઓ તરફથી ડોક્યુમેન્ટ્રીની તપાસ કર્યા બાદ લેવામાં આવ્યો અને જાણવા મળ્યું કે તે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના અધિકાર અને વિશ્વસનીયતા પર આક્ષેપ લગાવવા અને વિવિધ ભારતીય સમુદાયો વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ છે. 

ભારતે શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આધારિત બીબીસીની ડોક્યુમેન્ટ્રી સિરીઝ પર ઉભા થયેલા વિવાદ વચ્ચે ભારતે ગુરૂવારે તેને 'દુષ્પ્રચારનો એક ભાગ' ગણાવતા નકારી દીધી હતી. ભારતે કહ્યું કે, આમાં પૂર્વગ્રહ, નિરપેક્ષતાનો અભાવ અને સંસ્થાનવાદી માનસિકતા સ્પષ્ટ દેખાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ હતુ કે તે એક ખોટા આખ્યાનને આગળ વધારવા માટે દુષ્પ્રચારનો એક ભાગ છે. બાગચીએ કહ્યુ હતુ કે અમને આ કવાયતના ઉદ્દેશ્ય અને તેની પાછળના એજન્ડા વિશે વિચારવા માટે મજબૂર કરે છે. તેમણે કહ્યું કે,સ્પષ્ટ રીતે તે આવા પ્રયાસોને મહત્વ આપવા માંગતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news