ભીંડો, વટાણા, રોબોટ, ગરણી, ઘોડિયું, પગમોજા... આવા વિચિત્ર પ્રતીકો પર ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવારો

Loksabha Election 2024 : લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ૧૯૦ ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા લોકસભાની ચૂંટણીમાં મુક્ત ચૂંટણી પ્રતીકોમાં સૌથી વધુ શાકભાજી અને ફળફળાદીના ચિહ્નો... તરબૂચ, અખરોટ, વટાણા, નાસપતિ, મગફળી, ભીંડો, ફણસ, લીલું મરચું, દ્રાક્ષ, આદુ જેવા ચૂંટણી પ્રતીક ચિહ્નો... વિવિધ રમતના સાધનો સહિત કુલ ૧૨ જેટલા ચિહ્નોને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરાયા
 

ભીંડો, વટાણા, રોબોટ, ગરણી, ઘોડિયું, પગમોજા... આવા વિચિત્ર પ્રતીકો પર ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવારો

Election Symbols બ્યૂરો રિપોર્ટ : ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો માટે તો આવા ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવે છે, સ્વતંત્ર ઉમેદવારો માટે ચૂંટણી પ્રતીકોની વ્યવસ્થા કેવી રીતે થાય છે ? એ જાણવું રસપ્રદ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આ માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને મુક્ત પ્રતીકોની યાદી જાહેર કરવામાં આવે છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ૧૯૦ ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે, તેમાં સૌથી વધુ ૧૬ પ્રતીકો શાકભાજી, ફળફળાદીના છે. એ પછીનો ક્રમ રમતગમતના પ્રતીકોનો આવે છે. 

સૌથી વધુ શાકભાજી અને ફળફળાદીના પ્રતીક
ભારતના ચૂંટણી પંચ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં જાહેર કરવામાં આવેલા મુક્ત પ્રતીકોની યાદી પણ ઘણી રસપ્રદ છે. તેમાં સૌથી વધુ શાકભાજી અને ફળફળાદીના પ્રતીકો છે. તેમાં તરબૂચ, અખરોટ, વટાણા, નાસપતિ, મગફળી, ભિંડો, ફણસ, લીલું મરચું, દ્રાક્ષ, આદુ, સફરજન, ફળની ટોકરી, ફૂલાવર, શીમલા મરચું, નારિયેલી ફાર્મ, શેરડી અને ખેડૂતનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને જે તે રાજ્ય માટે કેટલાક પ્રતીકો અનામત આપવામાં આવ્યા છે. 

સ્પોર્ટસના પણ સિમ્બોલ લેવાયા
ચૂંટણી પ્રતીકોમાં રમતગમતનું પણ પ્રભુત્વ જોવા મળે છે. વિવિધ રમતના સાધનો સહિત કુલ ૧૨ જેટલા ચિહ્નોને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં બેટ, બેટ્સમેન, હોકી રમતો ખેલાડી, કેરમ, ચેસબોર્ડ, ડમ્બેલ, ફૂટબોલ ખેલાડી, હોકી અને બોલ, કુદવાનું દોરડું, સ્ટમ્પ, ટેનિસ બોલ અને રેકેટ, ભાલાફેંકને આવરી લેવામાં આવ્યા છે. 

ચૂંટણી પંચનો મહત્વનો નિયમ
ભારતના ચૂંટણી પંચના નિયમો એવા છે કે, કોઇ રાજકીય પક્ષ લોકસભાની કુલ બેઠકમાંથી બે ટકા અર્થાત ૧૧ બેઠકો જીતે અને તે પણ લઘુત્તમ ત્રણ રાજ્યમાંથી ! લોકસભા કે વિધાનસભાની સામાન્યની ચૂંટણીમાં લઘુત્તમ ચાર રાજ્યોમાં માન્ય મતોમાંથી ૬ ટકા મતદાન હિસ્સો મળવા ઉપરાંત ઓછામાં ઓછા ચાર રાજ્યમાં રાજ્યપક્ષનો દરજ્જો મળ્યો હોય તો તે પક્ષ રાષ્ટ્રીય પક્ષની માન્યતા માટે લાયકી ધરાવે છે. 

જ્યારે, રાજ્યકક્ષાના રાજકીય પક્ષની માન્યતા માટેના ધોરણો જોઇએ તો જે તે પક્ષ ઓછામાં ઓછા પાંચ વર્ષથી રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવો જોઇએ. આ ઉપરાંત લોકસભામાં પ્રતિ ૨૫ સભ્યોમાંથી એક  અને વિધાનસભામાં પ્રતિ ૩૦ સભ્યોએ એક સભ્ય જે તે પક્ષનો હોવો જોઇએ. તો રાજ્યકક્ષા માટે ચૂંટણી પંચ માન્યતા આપે છે. 

માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકો નોમિનેટ કરી શકે છે. મહત્વનું એ છે કે, તેમને માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. બાકીના પ્રતીકોને મુક્ત જાહેર કરવામાં આવે છે. 

આ વખતના મુક્ત પ્રતીકોની યાદીમાં રોબોટ, સિટી, રોડ રોલર, ગરણી, ટ્યુબલાઇટ, ઘોડિયું, રિમોટ, ટ્રક, ટેન્ટ, શટર, સ્ટેપલર, પગમોજા, ચીપિયો, સાબુદાની, કુલર, એસી જેવા પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોઇ સ્વતંત્ર ઉમેદવાર આવીને એમ કહે કે, મારે આ પ્રતીક ચિહ્ન સાથે ચૂંટણી લડવી છે, તો ચૂંટણી પંચ મનાઇ કરશે. કારણ કે, આ યાદી મુજબના પ્રતીકોમાંથી એક તેમને આપવામાં આવશે. પ્રતીક ચિહ્ન ફાળવણીની નિયમોનુસારની પ્રક્રીયા હોય છે. 

કોઇ સ્વતંત્ર ઉમેદવાર લોકસભા કે વિધાનસભાનો સભ્ય હોય તો તેમને અગ્રતા આપવામાં આવે છે. બાકીના ઉમેદવારો પાસેથી યાદીમાંથી ગમતા પ્રતીકોનો ક્રમ માંગવામાં આવે છે. એક જ પ્રતીક માટે વધુ માંગણી થવાના કિસ્સામાં ડ્રો કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news