DNA ANALYSIS: કોરોના વાયરસને હરાવવાની 'સંજીવની બુટી' ભારત પાસે? અનેક દેશોની પડાપડી
દુનિયાભરના તમામ દેશો કોરોના વાયરસ સામે પોત પોતાની રીતે જંગ લડી રહ્યાં છે. પરંતુ આ લડાઈમાં એક દવા એવી છે જેણે દુનિયાના અનેક દેશોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. આ દવાનું નામ છે Hydroxy-Chloro-quine. સમગ્ર દુનિયાની દવાઓની જરૂરિયાતના 10 ટકા ભારત પૂરી કરે છે અને જેનેરિક દવાઓના ઉત્પાદન અને સપ્લાય મામલે પણ ભારત દુનિયામાં સૌથી આગળ છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરના તમામ દેશો કોરોના વાયરસ સામે પોત પોતાની રીતે જંગ લડી રહ્યાં છે. પરંતુ આ લડાઈમાં એક દવા એવી છે જેણે દુનિયાના અનેક દેશોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. આ દવાનું નામ છે Hydroxy-Chloro-quine. સમગ્ર દુનિયાની દવાઓની જરૂરિયાતના 10 ટકા ભારત પૂરી કરે છે અને જેનેરિક દવાઓના ઉત્પાદન અને સપ્લાય મામલે પણ ભારત દુનિયામાં સૌથી આગળ છે.
Hydroxy-Chloro-quine પણ એક જેનેરિક દવા છે. આથી હવે અમેરિકા સહિત દુનિયાના 30 દેશો આ મામલે ભારતની મદદ ઈચ્છે છે. પરંતુ સવાલ એ છે કે શું 135 કરોડની વસ્તીવાળા ભારત પાસે આ દવાનો એટલો સ્ટોક છે કે સમગ્ર દુનિયાને મદદ કરી શકે? આ મહામારીને જોતા હાલ ભારતે જરૂરી દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા છે. આથી દુનિયાની મદદ કરવાનો ભારતનો ફેસલો કદાચ સરળ નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શનિવારે આ મુદ્દે ફોન પર વાત થઈ. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધુ કેસ અમેરિકામાં જોવા મળી રહ્યાં છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી Chloro-Quine અમેરિકાને વેચે. ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વાસ છે કે આ દવા લાખો અમેરિકનોના જીવ બચાવી શકે છે. આથી તેઓ ઈચ્છે છે કે ભારત તેની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવી લે. ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિષય પર વાત પણ કરી.
ડોનાલ્ડ ટ્રમ્પ આ દવાને લઈને ખુબ ઉત્સાહિત છે પરંતુ વૈજ્ઞાનિકો હજુ આ દવાના ઉપયોગને લઈને એકમત નથી. આમ છતાં દુનિયાભરની સરકારો ઈચ્છે છે કે તેઓ વધુમાં વધુ પ્રમાણમાં Chloro-Quine ભેગી કરે. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને આ દવાના સપ્લાયને સુનિશ્ચિત કરવાનો આગ્રહ તેઓ કરી ચૂક્યા છે.
સાર્ક દેશો ઉપરાંત ઈન્ડોનેશિયા અને યુએઈની સરકારો પણ આ મામલે ભારત પાસે મદદ માંગી રહી છે. બધુ મળીને કુલ 30 જેટલા દેશો આ મામલે ભારતને આગ્રહ કરી ચૂક્યા છે. કોરોના વાયરસ અગાઉ દુનિયાભરની દવાની જરૂરિયાતોનો એક મોટો ભાગ ભારત જ પૂરી કરતો હતો. દવાઓના ઉત્પાદનમાં ભારત આખી દુનિયામાં ત્રીજા નંબરે છે અને દુનિયાની જેનેરિક દવાઓની જરૂરિયાતનો 20 ટકા હિસ્સો ભારત જ પૂરી પાડે છે.
જેનેરિક દવાઓના ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે
આવું એટલા માટે કારણ કે જેનેરિક દવાઓના ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે છે. જેનેરિક દવાઓ એ એવા પ્રકારની દવાઓ હોય છે જેની પેટેન્ટ સમાપ્ત થઈ ચૂકી હોય છે. પરંતુ તેનો કેમિકલ ફોર્મ્યુલા મૂળ દવા જેવો જ હોય છે. Chloro-Quine પણ આવી જ એક જેનેરિક દવા છે. ભારતમાં બનેલી આવી દવાઓની ડિમાન્ડ એટલા માટે પણ દુનિયામાં વધુ છે કારણ કે તેની કિંમત અન્ય દેશોની સરખામણીએ ઓછી હોય છે. ભારત દુનિયાભરની સરકારોને આ દવા સપ્લાય કરવા માટે સક્ષમ છે. કારણ કે હાલ ભારતમાં કોરોના વાયરસના કેસ અન્ય દેશોની સરખામણીમાં ખુબ ઓછા છે. પરંતુ જો આ પોઝિટિવ કેસો બહુ ઝડપથી વધશે તો ભારતે આ દવા પોતાના લોકો માટે સુરક્ષિત રાખવી પડશે અને આ દવા કંપનીઓની આ જ સૌથી મોટી દુવિધા છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
ક્લોરોક્વિન મેલેરિયાની સારવારમાં કારગર ગણાય છે અને કેટલાક કેસોમાં તો કોરોના વાયરસના દર્દીઓને લાભ પણ થયો છે. પરંતુ હજુ સુધી તેને લઈને મોટા પાયે કોઈ રિસર્ચ થયું નથી કે જેથી કરીને તે કોરોના વાયરસનો રામબાણ ઈલાજ છે તેમ જાહેર થઈ શકે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે આ દવાના ઉપયોગની મંજૂરી આપેલી છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ દવા કોરોના વાયરસના સંક્રમણને ઠીક કરી શકે છે. તેનો અર્થ માત્ર એટલો જ છે કે આ દવા કદાચ સંક્રમણથી બચાવી શકે છે.
જો કે હજુ આ દવાની અસરને લઈને કઈ પણ કહેવું તે ઉતાવળ છે પરંતુ જે પ્રકારે દુનિયાભરની સરકારો ભારત પાસે આ દવા માગી રહી છે તેને જોતા કહી શકાય કે આખી દુનિયાને હાલ આ દવા સંજીવની બુટી જેવી લાગી છે. પરંતુ પરિણામ પર પહોંચતા પહેલા.... સમગ્ર દુનિયાએ આ દવાને લઈને મોટા પાયે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે