'ફેની વાવાઝોડા'થી પ્રભાવિત પુરીના હોટલ ઉદ્યોગને વિશેષ પેકેજ આપવા ધર્મેન્દ્ર પ્રધાનની નાણામંત્રીને અપીલ
તાજેતરમાં જ દક્ષિણ ભારતમાં ત્રાટકેલા ફેની વવાઝોડાએ ઓડીશા રાજ્યને ઝપટમાં લીધું હતું અને તેમાં પણ તેના બે શહેર પુરી તથા ભુવનેશ્વરમાં સંપત્તિઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે, હાલ ધાર્મિક શહેર ગણાતા પુરીનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 'ફેની વાવાઝોડા'થી પ્રભાવિત પુરીના હોટલ ઉદ્યોગને વિશેષ પેકેજ આપવા માટે વિનંતી કરતો પત્ર નાણા મંત્રી અરૂણ જેટલીને લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ફેની વાવાઝોડાએ પુરી શહેરના હોટલ ઉદ્યોગની કમર તોડી નાખી છે અને હાલ અહીં આવતા પ્રવાસીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ થાય એમ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દક્ષિણ ભારતમાં ત્રાટકેલા ફેની વવાઝોડાએ ઓડીશા રાજ્યને ઝપટમાં લીધું હતું અને તેમાં પણ તેના બે શહેર પુરી તથા ભુવનેશ્વરમાં સંપત્તિઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે, હાલ ધાર્મિક શહેર ગણાતા પુરીનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો છે.
'ફેની વાવાઝોડા' પછી ઓડીશા રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બેન્કના અધિકારીઓ અને સરકારી તંત્ર સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં તેમની સમક્ષ કેટલાક મુદ્દા બહાર આવ્યા હતા.
નાણા મંત્રી અરૂણ જેટલીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, પુરી શહેરમાં બેન્કિંગ ક્ષેત્ર પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. શહેરમાં 273માંથી માત્ર 20 ATM કામ કરી રહ્યા છે અને બેન્કની માત્ર 25 ટકા બેન્કો જ કાર્યરત છે. શહેરમાં રોકડની તંગી સર્જાઈ છે અને પાસબુક બતાવ્યા બાદ બેન્કો તરફથી માત્ર રૂ.2000 રોકડા આપવામાં આવે છે. આથી બેન્કોને POS ડિવાઈસ દ્વારા લોકોને નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવા સુચના આપી છે અને સાથે જ જિલ્લામાં મોબાઈલ ATMની સંખ્યા વધારવા વિનંતી કરી છે.
તેમણે નાણા મંત્રીને વધુમાં વિનંતી કરી છે કે, 'ફેની વાવાઝોડા'એ વેરેલા વિનાશના કારણે સમગ્ર પુરી જિલ્લાનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે. જિલ્લામાં આવેલી હોટલોને મોટું નુકસાન પહોંચ્યું છે. આથી હોટલ ઉદ્યોગને બેઠા થવા માટે વિશેષ આર્થિક સહાયની જરૂર છે. હોટલો બંધ થઈ જવાને કારણે ધાર્મિક શહેર એવા પુરીમાં પ્રવાસન ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. જિલ્લામાં અસંખ્ય લોકો પ્રવાસન ઉદ્યોગ થકી જ ગુજરાન ચલાવી રહ્યા છે અને હાલ પ્રવાસન ઉદ્યોગની કેડ ભાંગી ગઈ છે.
તેમણે નાણા મંત્રીને વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓ માટે એક વિશેષ પેકેજ આપવા જણાવ્યું છે. હાલ જે લોન ચાલી રહી છે તેમાં રાહત આપવા અને નવી લોન લેનારને વ્યાજ દરમાં વિશેષ છૂટ આપવા પણ વિનંતી કરી છે. સાથે જ જિલ્લામાં નુકસાનીના વળતર પેટે કરવામાં આવેલા વીમાના દાવાઓનો પણ ઝડપથી નિકાલ આવે તેવી વ્યવસ્થા કરવા તેમણે અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે