રાફેલ પર ઘમાસાણ: રક્ષામંત્રીએ વિપક્ષ પર લગાવ્યો ગંભીર આરોપ

: રાફેલ ડીલનો મુદ્દો આજે પણ લોકસભામાં છવાયેલો રહ્યો. એકજૂથ વિપક્ષે એક અખબારના અહેવાલનો હવાલો આપતા આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસ તથા વડાપ્રધાનના રાજીનામાની માગણી કરી.

રાફેલ પર ઘમાસાણ: રક્ષામંત્રીએ વિપક્ષ પર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી: રાફેલ ડીલનો મુદ્દો આજે પણ લોકસભામાં છવાયેલો રહ્યો. એકજૂથ વિપક્ષે એક અખબારના અહેવાલનો હવાલો આપતા આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસ તથા વડાપ્રધાનના રાજીનામાની માગણી કરી. આ બાજુ સરકારે આરોપ લગાવ્યો કે વિપક્ષ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને નીહિત સ્વાર્થ સાથે જોડાયેલા તત્વોના હાથા બની રહ્યાં છે.

રાફેલ ડીલને લઈને એક અખબારના અહેવાલને જડમૂળથી ફગાવતા લોકસભામાં રક્ષામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે "વિપક્ષ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને નીહિત સ્વાર્થવાળા તત્વોના હાથા બની રહ્યાં છે. તેમની (વિપક્ષ) વાયુસેનાને મજબુત બનાવવામાં કોઈ રૂચિ નથી." અખબારના અહેવાલ દ્વારા લગાવવામાં આવેલા વડાપ્રધાન કાર્યાલય( પીએમઓ)ના હસ્તક્ષેપના આરોપને ફગાવતા સીતારમને કહ્યું કે "પીએમઓ તરફથી વિષયો અંગે સમય સમય પર જાણકારી લેવી એ હસ્તક્ષેપ ન કહી શકાય." 

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે" યુપીએ સરકાર દરમિયાન રાષ્ટ્રીય સલાહકાર પરિષદ (એનએસી) બનાવવામાં આવી હતી. જેમના અધ્યક્ષ સોનિયા ગાંધી હતાં. તેમનો પીએમઓમાં કેટલો હસ્તક્ષેપ હતો?" તેમણે કહ્યું કે "ત્યારે એનએસી એક પ્રકારે પીએમઓ ચલાવી રહી હતી." 

— ANI Digital (@ani_digital) February 8, 2019

મીડિયાના રિપોર્ટના સંદર્ભમાં રક્ષામંત્રીએ કહ્યું કે" તેમાં એથિક્સનું પાલન કરવું જોઈતું હતું. અને જો અખબાર નહતું ઈચ્છતું કે સત્ય સામે આવે તો તેણે તે વખતના રક્ષા મંત્રી મનોહર પાર્રિકરનું નિવેદન પણ સામેલ કરવું જોઈતું હતું. પાર્રિકરે કહ્યું હતું કે તેમાં ચિંતાની કોઈ વાત નથી અને ચીજો સારી રીતે આગળ વધી રહી છે." તેમણે કહ્યું કે આ અગાઉ પણ તેઓ 4 જાન્યુઆરીના રોજ આ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે. 

અગાઉ લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન  ખડગેએ મીડિયામાં આવેલા રિપોર્ટનો હવાલો આપતા આરોપ લગાવ્યો હતો કે "આ કોઈ નાની વાત નથી. વડાપ્રધાન કહે છે કે કોંગ્રેસ ફાઈટર વિમાન ખરીદતા રોકે છે. જ્યારે હકીકત બિલકુલ અલગ છે." ખડગેએ કહ્યું હતું કે "કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારના સમયે 126 ફાઈટર વિમાન ખરીદવાની સહમતિ બની હતી. પરંતુ 36 વિમાન ખરીદાઈ રહ્યાં છે. એક બાજુ રક્ષા મંત્રાલય છે અને બીજી બાજુ વડાપ્રધાન કાર્યાલય છે. બીજી અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે." 

તેમણે કહ્યું કે "આવામાં આ મામલે જેપીસી તપાસ થવી જોઈએ તો જ સત્ય સામે આવશે." રાફેલ વિમાન ડીલ પર વિપક્ષી દળોના સભ્યોની નારેબાજીના કારણે શુક્રવારે લોકસભાની બેઠક શરૂ થઈ તેની ગણતરીની મિનિટોમાં બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હહતી. આ દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી દળો રાફેલ મુદ્દે મીડિયા રિપોર્ટની કોપીઓ હાથમાં લઈને નારેબાજી કરી રહ્યાં હતાં કે "ચોકીદાર ચોર" છે અને "વડાપ્રધાન રાજીનામું આપે" ના નારા  લગાવી રહ્યાં હતાં. 

સંસદીય કાર્ય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે "આ મુદ્દે વિપક્ષ તરફથી ચર્ચાની માગણી થઈ હતી. ચર્ચા થઈ અને રક્ષામંત્રીએ પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ પણ આપ્યાં. સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો આવી ગયો છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. અખબારમાં કઈંક છપાઈ જાય ત્યારબા તેને લઈને બજેટમાં વિધ્ન નાખવા યોગ્ય નથી." 

— ANI (@ANI) February 8, 2019

તૃણમૂલ કોંગ્રેસના સોગત રાયે કહ્યું કે" અખબારના અહેવાલમાં એ વાત સામે આવી છે કે વડાપ્રધાન કાર્યાલય આ મામલે સમાન્તર વાતચીત કરી રહ્યું હતું. આ અંગે રક્ષા મંત્રાલય તરફથી આ સમાન્તર વાતચીત પર આપત્તિ વ્યક્ત કરાઈ  હતી." તેમણે કહ્યું કે "વડાપ્રધાન કાર્યાલય આમાં કેમ હસ્તક્ષેપ કરી રહ્યું હતું?" વડાપ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે "તેમણે દેશની ડિફેન્સને નબળી બનાવી છે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે આ મુદ્દે ચર્ચા થઈ ગઈ છે અને ફક્ત કોી અખબારમાં કઈંક છપાઈ જાય તેને લઈને વારંવાર મુદ્દો ઉછાળવામાં આવે છે." 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news