Delhi: કોરોના આઉટ ઓફ કંટ્રોલ, આજ રાતથી આટલા દિવસ માટે લાગશે લોકડાઉન, CM કેજરીવાલે કરી જાહેરાત

સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવાયો.

Delhi: કોરોના આઉટ ઓફ કંટ્રોલ, આજ રાતથી આટલા દિવસ માટે લાગશે લોકડાઉન, CM કેજરીવાલે કરી જાહેરાત

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસથી હાલાત બેકાબૂ થઈ રહ્યા છે અને કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (Lockdown)  લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે. સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવાયો. આ લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે અને વિકેન્ડ લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાગુ રહેશે. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)  પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે આ લડાઈમાં જનતાની મદદ જરૂરી છે. અમે દરેક ચીજને જનતા સામે રજુ કરી છે. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈ પણ મોતના આંકડા છૂપાવ્યા નથી. દિલ્હીમાં કેટલા બેડ્સ, આઈસીયુ બેડ્સ અને હોસ્પિટલોની શું હાલત છે તે અમે જનતાને જણાવી છે. 

— ANI (@ANI) April 19, 2021

તેમણે કહ્યું કે દિલ્હીમાં દરરોજ 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. દિલ્હીમાં બેડ્સની ભારે અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલોમાં દવાઓ નથી. ઓક્સિજન નથી. દિલ્હીની હેલ્થ સિસ્ટમ હવે વધુ દર્દીઓ લઈ શકે તેમ નથી આથી લોકડાઉન (Lockdown) ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે લોકડાઉનથી કોરોના નથી જતો પણ સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન નાનું રહેશે. તે દરમિયાન અમે દિલ્હીમાં બેડ્સની સંખ્યા વધારીશું. 

પૂર્ણ લોકડાઉનમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. આ દરમિયાન લગ્નો માટે લોકોને ઈ પાસ આપવામાં આવશે. જો કે કાર્યક્રમમાં ફક્ત 50 લોકોને સામેલ થવાની મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે જરૂરી સેવાઓ ઉપરાંત ફૂડ સર્વિસ, અને મેડિકલ સર્વિસ ચાલુ રહેશે. આ અંગે જરદી એક વિસ્તૃત આદેશ બહાર પાડવામાં આવશે. 

પ્રવાસી મજૂરોને કરી અપીલ
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પ્રવાસી મજૂરોને દિલ્હી છોડીને ન જવાની અપીલ કરી. તેમણે કહ્યું કે જ્યારે લોકડાઉન  લગાવવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે જવા લાગ્યા હતા. મારી તમને બધાને અપીલ છે કે તમે દિલ્હી છોડીને ન જાઓ. તમારો ખ્યાલ રાજ્ય સરકાર રાખશે. 

CAIT કરી ચૂક્યું છે સંપૂર્ણ લોકડાઉનની માગણી
અત્રે જણાવવાનું કે વેપારી સંગઠન કન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ CAIT) એ કોરોનાના વધતા કેસને જોતા દિલ્હીમાં 15 દિવસના પૂર્ણ લોકડાઉનની માગણી કરી હતી. સંસ્થાએ આ અંગે દિલ્હીના ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો અને ટ્વિટ કરીને પણ તે વિશે જાણકારી આપી. આ બાજુ CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે કોરોના મહામારીનો કેર દેશભરમાં ખુબ ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં જે પ્રકારે કેર વધી રહ્યો છે તેને જોતા તત્કાળ પ્રભાવથી પૂર્ણ લોકડાઉન જરૂરી છે. 

દિલ્હીમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે
દિલ્હીમાં કોરોના ખુબ કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 25462 જેટલા નવા કેસ નોંધાયા. જ્યારે 161 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં 8 લાખ 53 હજાર 460 લોકો કોવિડ-19થી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 12121 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news