નીતિશ-PM મોદીને માત આપવા રાહુલ-તેજસ્વીની જોડીએ બનાવ્યો 'MY+BB' ફોર્મ્યુલા

2019માં થનારી લોકસભા ચૂંટણી માટે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે. સત્તારૂઢ ભાજપ જ્યાં 2014 કરતા પણ મોટી જીત નોંધાવવા માટેનો દાવો કરી રહ્યો છે ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ નાના નાના પક્ષોને એકજૂથ કરીને મોરચાબંધીમાં લાગી છે.

નીતિશ-PM મોદીને માત આપવા રાહુલ-તેજસ્વીની જોડીએ બનાવ્યો 'MY+BB' ફોર્મ્યુલા

નવી દિલ્હી: 2019માં થનારી લોકસભા ચૂંટણી માટે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે. સત્તારૂઢ ભાજપ જ્યાં 2014 કરતા પણ મોટી જીત નોંધાવવા માટેનો દાવો કરી રહ્યો છે ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ નાના નાના પક્ષોને એકજૂથ કરીને મોરચાબંધીમાં લાગી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘેરવા માટે રાજ્યોમાં અલગ અલગ પ્રકારે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં બિહારમાં એક નવા પ્રકારનો રાજકીય પ્રયોગ જોવા મળી રહ્યો છે. અહીં મુખ્ય જંગ એનડીએ વિરુદ્ધ મહાગઠબંધન વચ્ચે થવાની છે. એનડીએનું નેતૃત્વ જ્યાં મુખ્યમંત્રી નીતિશકુમાર કરશે ત્યાં મહાગઠબંધનની કમાન આરજેડીના તેજસ્વી યાદવના હાથમાં રહેશે. 2019ના ચૂંટણીના મેદાનમાં બંને જૂથ પોત પોતાની રીતે જાતીય સમીકરણ બેસાડવાની કવાયતમાં લાગ્યા છે. 

કોંગ્રેસે મદન મોહન ઝાને પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જેનો અર્થ એવો તારવવામાં આવી રહ્યો છે કે બિહારના જાતીય સમીકરણ આધારિત રાજકારણમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તેની શરૂઆત મહાગઠબંધને કરી દીધી છે. CM નીતિશ+પીએમ મોદી જેવા બે મોટા રાજનેતાના નેતૃત્વવાળા એનડીએને પડકારવા માટે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની જોડીએ મળીને 'MY+BB' ફોર્મ્યુલા તૈયાર કર્યો છે. જેનો અર્થ આ પ્રમાણે છે...Mનો અર્થ મુસલમાન, Yનો આર્થ યાદવ, Bથી ભૂમિહાર અને Bથી બ્રાહ્મણ સામેલ છે. 

'MY+BB' ફોર્મ્યુલાનું શું છે બેકગ્રાઉન્ડ
બિહારના રાજકારણમાં 1990ના દાયકામાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. અહીં લાલુ પ્રસાદ યાદવનો યુગ શરૂ થવાની સાથે જ મંડલ વિરુદ્ધ કમંડલનું રાજકારણ શરૂ થઈ ગયું હતું. ફોરવર્ડ વિરુદ્ધ બેકવર્ડના રાજકારણ વચ્ચે લાલુએ મુસ્લિમ+યાદવનું કોમ્બિનેશન તૈયાર કર્યુ હતું જે તેમની જીતની ગેરંટી બની ગયું હતું. વર્ષ 2000ના દાયકામાં નીતિશકુમારના હાથમાં સત્તા આવ્યાં બાદથી લાલુનો આ ફોર્મ્યુલા જીતની ગેરંટી બની શક્યો નહીં. છેલ્લી ત્રણ ચૂંટણીના આધારે એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે જો લાલુનું જૂથ 5-6 ટકા મતોનો જુગાડ કરે તો ફરીથી સત્તા મેળવી શકે છે. 

આ વાતને સમજતા આરજેડીની કમાન સંભાળ્યા બાદથી તેજસ્વી યાદવ હવે 5-6 ટકા નવા મતદારોના જુગાડમાં લાગ્યા છે. પહેલા તેમણે જીતનરામ માંઝીના બહાને રાજ્યમાં અનુસૂચિત જાતિ વોટરો સાથે નીકટતા વધારવાની કોશિશ કરી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસની સાથે મળીને ફોરવર્ડ વોટરોને પણ એનડીએમાંથી ખેંચવાની કોશિશ થઈ રહી છે. રાજકારણની આ રાજકીય લડાઈમાં તેજસ્વી યાદવ કોંગ્રેસના સહારે દાવ ફેંકી રહ્યાં છે. 

કોંગ્રેસ પોતાના ઉપર લાગેલી અલ્પસંખ્યકોની પાર્ટી હોવાની ધારણા બદલવાની કોશિશમાં લાગી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે રાહુલ ગાંધીને જનોઈધારી ગણાવ્યાં હતાં. હવે રાહુલ જ્યારે માનસરોવર યાત્રા કરીને પાછા ફર્યા તો કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે કોંગ્રેસના ડીએનએમાં બ્રાહ્મણ છે. આ બંને નિવેદનોથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ ફરીથી પોતાના જૂના વોટબેંક બ્રાહ્મણોને સાથે લાવવાની કોશિશમાં છે. કોંગ્રેસની આ રણનીતિનો લાભ આરજેડી બિહારમાં લેવાની કોશિશમાં છે. 

રાહુલ અને તેજસ્વીએ મળીને બનાવ્યો 'MY+BB' ફોર્મ્યુલા
આ જ વર્ષે જૂનમાં વિપક્ષી પાર્ટીઓની ડીનર પાર્ટી પહેલા તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની 40 મિનિટ સુધી અલગ મુલાકાત થઈ હતી. કહેવાય છે કે આ મુલાકાતમાં 'MY+BB' ફોર્મ્યુલા નક્કી થયો હતો. આ મુલાકાતના થોડા દિવસો બાદ જ બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રભારી અધ્યક્ષ રહેલા કૌકબ કાદરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આરજેડી સામાજિક ન્યાયની લડાઈ લડી રહીછે. જ્યારે કોંગ્રેસ પોતાના એજન્ડાને લઈને આગળ વધશે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે મહાગઠબંધનને આરજેડીના નામ પર જ્યાં મુસ્લિમ+યાદવના મતો મળશે, ત્યાં કોંગ્રેસ એ કોશિશમાં છે કે તે કેટલાક બ્રાહ્મણો અને ભૂમિહારોના મત હાંસલ કરી શકે. આ તમામ મતો એકસાથે આવે તો મહાગઠબંધનને મોટો ફાયદો થઈ શકે છે. 

મહાગઠબંધનને આ રીતે ફાયદો કરાવશે 'MY BB' ફોર્મ્યુલા
બિહારમાં મુસ્લિમ + યાદવ (MY) મળીને લગભગ 28-30 ટકા મતો છે. છેલ્લી 5-6 ચૂંટણીઓ પર નજર નાખીએ તો તેમાં સૌતી વધુ મતો હંમેશાથી લાલુ યાદવની પાર્ટીને જ મળતા રહ્યાં છે. જ્યારે રાજ્યમાં બધી મળીને 20 ટકા જેટલી વસ્તી ફોરવર્ડ જાતિઓની છે, જેમાં બ્રાહ્મણ અને ભૂમિહાર (BB) મળીને આ આંકડો લગભગ 10-11 ટકા છે. બ્રાહ્મણો જ્યાં 6-7 ટકા છે ત્યાં ભૂમિહાર લગભગ 4 ટકા છે. જો કોંગ્રેસ બ્રાહ્મણ અને ભૂમિહાર (BB)ના આ 10 ટકા મતોમાંથી 3 ટકા પણ મહાગઠબંધનના ઉમેદવારને લાવી આપવામાં સફળ નીવડે તો મોટો રાજકીય ઉલટફેર થઈ શકે છે. 

ભૂમિહાર અને બ્રાહ્મણ નેતાઓને કોંગ્રેસે આપી મોટી તકો
બિહારના બ્રાહ્મણો અને ભૂમિહારોને પોતાની સાથે લાવવા માટે કોંગ્રેસે આ સમાજમાંથી આવતા નેતાઓને અનેક તકો આપી છે. મહાદલિત સમાજમાંથી આવતા અશોક ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડ્યા બાદ કોંગ્રેસે બ્રાહ્મણ મદન મોહન ઝાને આ જવાબદારી સોંપી છે. અહીં નોંધ કરવા જેવી વાત એ છે કે મોદી કેબિનેટમાં કોઈ પણ ઝા કે મિથ્યાંચલ વિસ્તારના નેતાને જગ્યા મળી નથી. જ્યારે આ લોકો તો શરૂઆતથી જ ભાજપને સપોર્ટ કરતા રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસે પ્રેમચંદ્ર મિશ્રાને એમએલસી બનાવ્યાં છે. રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે અખિલેશ સિંહને ટિકિટ આપી છે. અખિલેશ સિંહ ભૂમિહાર જાતિમાંથી આવે છે. યુપીએ વનમાં કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ અરવલના રહીશ છે. આ ઉપરાંત આરજેડીએ બ્રાહ્મણ સમાજથી આવતા મનો ઝાને રાજ્યસભા મોકલ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news