એક તરફ ભીષણ ગરમી, બીજી તરફ કોલસાની કમી, આ રાજ્યોમાં વધી રહી છે પાવર કટની સમસ્યા
શહેરો અને ગામડાઓમાં વીજળી પર કામ મુકવામાં આવી રહ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, પંજાબ સહિત અન્ય રાજ્યો કોલસાની કમીનો સામનો કરી રહ્યાં છે. ગરમી વચ્ચે પાવર કટ લોકો માટે મુશ્કેલી બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં કોલસા સંકટ ઊભુ થયું છે. એક તરફ જ્યાં પ્રચંડ ગરમી પડી રહી છે તો બીજી તરફ કોલસા સંકટને કારણે ઘણા રાજ્યોમાં વીજળી કટ કરવામાં આવી રહી છે. શહેરો અને ગ્રામ્ય બંને સ્થળો પર વીજળી કટ કરવામાં આવી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, પંજાબ સહિત ઘણા રાજ્ય કોલસાની અછતનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે પાવર કટ નવી મુશ્કેલી બની સામે આવ્યું છે. મહત્વનું છે કે ભીષણ ગરમીને કારણે વીજળીની માંગ વધી ગઈ છે અને કોલસાની સપ્લાય ઘટી છે.
પાવર કાપથી દિલ્હી મેટ્રો પર પડશે અસર
દિલ્હી સરકારે ગુરૂવારે કહ્યું કે, રાજ્યમાં વીજળીની સપ્લાય ઓછી થવાને કારણે મેટ્રો સંચાલન પર તેની અસર જોવા મળી શકે છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખી કોલસાની સપ્લાય વધારવાની માંગ કરી છે. દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે દાદરી અને ઉંચાહાર પાવર સ્ટેશનથી વીજળીની સપ્લાયમાં કમી આવી છે. તેવામાં વીજળીની સપ્લાયમાં સંકટ આવી શકે છે.
પંજાબમાં વીજળી કાપ
પંજાબમાં 40 ટકાથી વધુ વીજળીની માંગ છે. તેવામાં ગ્રામીણ વિસ્તારમાં વીજળી કટ કરવામાં આવી રહી છે. તેના વિરોધમાં કિસાનો રોડ પર ઉતરી આવ્યા છે. પંજાબમાં આ સંકટ એવા સમયે ઉભુ થયું છે જ્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટીની નવી સરકાર છે અને તેણે ફ્રી વીજળી આપવાનું વચન આપ્યું છે. આ નિયમ જુલાઈથી લાગૂ કરવાની વાત કહેવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશમાં વીજળી સંકટ
ઉત્તર પ્રદેશમાં પણ વીજળી સંકટ સામે આવ્યું છે. જરૂરીયાતના 25 ટકા કોલસાનો સ્ટોક હાજર છે. આવનારા દિવસોમાં કોલસાની સપ્લાય નહીં વધે તો આ સંકટ મુશ્કેલી લાવી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે. તેના કારણે વીજળીની માંગમાં વધારો થયો છે. એટલું જ નહીં પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં પણ કોલસાના સંકટે કારણે વીજળી પર કાપ મુકવામાં આવી રહ્યો છે.
રાજસ્થાનમાં પાવર કટનો આદેશ
રાજસ્થાનમાં પણ પાવર કટ જોવા મળી રહ્યો છે. કોલસાની કમીને કારણે રાજ્ય સરકારે સત્તાવાર રીતે ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાક વીજળીમાં કામ મુકવાનો આદેશ આપ્યો છે. તો જિલ્લામાં બે કલાક અને ડિવિઝનલ લેવલ પર એક કલાક વીજળી કાપનો આદેશ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે